નાયક, ચુનીલાલ જીવરામ

January, 1998

નાયક, ચુનીલાલ જીવરામ (. 23 સપ્ટેમ્બર 1903, અમદાવાદ; . 1977) : રંગભૂમિ-ક્ષેત્રના અભિનેતા. તેમણે અમૃત કેશવ નાયકે સ્થાપેલી શાળામાં પ્રાથમિક શિક્ષણ લીધું. પછી તેઓ સંગીતવર્ગમાં જોડાયા. અવાજની મીઠાશ અને એકનિષ્ઠ લગનને કારણે સંગીતશિક્ષકની પ્રશંસા પામ્યા. તેમના પિતાએ જરૂર પૂરતું શિક્ષણ આપી કરિયાણાની દુકાને તેમને બેસાડ્યા; પરંતુ કાવ્યરસને કારણે 11 વર્ષની ઉંમરે રાત્રે તેમણે ગૃહત્યાગ કર્યો અને રૂપિયા પાંચની કમાણી સાથે કાનજી કાકા દ્વારા આયોજિત ‘ભરથરી’ નાટકમાં ભરથરીની પુત્રી તરીકે અભિનય કર્યો. એ રીતે તેમણે રંગભૂમિ-ક્ષેત્રે પ્રવેશ મેળવ્યો. ધીમે ધીમે તેમને મોતીરામ બેચર નંદવાણા, પ્રાણસુખ એડીપોલો, નકુભાઈ કાલુભાઈ શાહ, સોરાબજી ઓઘરા જેવા વ્યવસાયી રંગભૂમિના અગ્રણી માલિક અને દિગ્દર્શકોની સહાય મળી.

ચુનીલાલ જીવરામ નાયક

આર્ય નાટ્ય સમાજમાં તેમને મોતીરામ દ્વારા તાલીમ મળી, શ્રી આર્યનૈતિક નાટક સમાજમાં નકુભાઈ કાળુભાઈ શાહે તેમની અભિનયશક્તિ પારખીને વિકાસની પૂરતી મોકળાશ કરી આપી. તેઓ સમય જતાં નાટ્યસંસ્થાઓ બદલતા રહ્યા અને અવનવાં પાત્રો ભજવતા રહ્યા. તેમાં રણજિત નાટક સમાજના ‘હંટરવાલી’ નાટકમાં ‘બદમાશ બાબુ’ની અને જામનની નાટિકા ‘સંવાદી સૂર’માં દારૂડિયાની ભૂમિકાથી તેમને ઠીક ઠીક લોકપ્રિયતા મળી હતી અને ‘નિશાનાથ’ની ભૂમિકા ભજવ્યા પછી તેઓ સિદ્ધહસ્ત ખલનાયક લેખાતા હતા.

1936માં તેમની અભિનય કારકિર્દીનો છેલ્લો ને યશસ્વી તબક્કો શ્રી દેશી નાટક સમાજમાં પ્રવેશ સાથે શરૂ થયો હતો. 30 વર્ષ જેટલા દીર્ઘકાળ સુધી તેમણે આ પ્રતિષ્ઠિત વ્યવસાયી રંગભૂમિની સંસ્થામાં નિષ્ઠાપૂર્વક તેમનો અભિનયકસબ ઉત્તમ રીતે દાખવ્યો. ‘વડીલોના વાંકે’ નાટકમાંની તેમની ‘કીર્તિકુમાર’ની ભૂમિકાએ તેમને અમર કીર્તિ અપાવી હતી.

50 વર્ષ ઉપરાંતની સક્રિય અભિનયપ્રવૃત્તિ દરમિયાન તેમણે 800 નાટ્યપ્રયોગોમાં વિવિધ 500 પાત્રોમાં તેમનો કીર્તિકુમારનો પાત્રાભિનય વિક્રમરૂપ બન્યો. ‘વડીલોના વાંકે’ના 461 પ્રયોગો થયા હતા અને એ તમામ પ્રયોગમાં તેમણે પૂરી તન્મયતા અને રસથી પોતાની ભૂમિકા ભજવી હતી અને વિલક્ષણ કોટિના પારંગત કલાકાર તરીકે તેઓ પંકાયા હતા. 1966ના સપ્ટેમ્બરમાં કીર્તિકુમારનો તેજસ્વી અને તાજગીભર્યો અભિનય આપ્યા પછી તેમણે તખ્તા પરથી સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી હતી.

1973માં ગુજરાત રાજ્ય સંગીત નાટ્ય અકાદમી દ્વારા તેમને સન્માનિત કરવામાં આવ્યા અને 2000–2001ના વર્ષના ગૌરવ પુરસ્કાર દ્વારા તેમને વિભૂષિત કરવામાં આવ્યા હતા.

બળદેવભાઈ કનીજિયા