નાયક, કે. જી. (જ. 1 ઑગસ્ટ 1885, કતારગામ, જિ. સૂરત; અ. 19 નવેમ્બર 1974, વડોદરા) : ગુજરાતના અગ્રણી વૈજ્ઞાનિક. આખું નામ કુંવરજી ગોસાંઈજી નાયક. સામાન્ય ખેડૂત-પરિવારમાં જન્મ. પ્રાથમિક શિક્ષણ કતારગામમાં, માધ્યમિક શિક્ષણ સૂરત ખાતે મિશન સ્કૂલમાં તથા ઉચ્ચ શિક્ષણ મુંબઈની વિલ્સન કૉલેજમાં. 1901માં મુંબઈ યુનિવર્સિટીની મૅટ્રિકની પરીક્ષા અઢારમા નંબરે, 1905માં તે જ યુનિવર્સિટીની બી.એ.ની પરીક્ષા પદાર્થવિજ્ઞાન અને રસાયણશાસ્ત્ર સાથે પ્રથમ વર્ગમાં તથા 1907માં તે જ વિષયો સાથે બી.એસસી.ની પરીક્ષા પ્રથમ વર્ગમાં પસાર કરી અને યુનિવર્સિટીમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો. આ સિદ્ધિ માટે તેમને મુંબઈ યુનિવર્સિટીની ‘નારાયણ વાસુદેવ સ્કૉલરશિપ’ એનાયત કરવામાં આવી હતી.
1907-1909 દરમિયાન વિલ્સન કૉલેજમાં દક્ષિણા ફેલો તરીકે નિમાયેલા. 1909માં તેમણે રસાયણશાસ્ત્ર વિષય સાથે એમ.એ.ની ઉપાધિ પ્રથમ વર્ગમાં મેળવી. કૉલેજના અભ્યાસ દરમિયાન સ્વદેશાભિમાની પ્રવૃત્તિઓમાં સક્રિય ભાગ લેતા. આ જ ગાળામાં તેઓ જાણીતા વૈજ્ઞાનિક પ્રોફેસર ત્રિભુવનદાસ ગજ્જરના તથા ગુજરાતીના સાક્ષર ગોવર્ધનરામના સંપર્કમાં આવેલા. વિલ્સન કૉલેજની શરૂઆતની કારકિર્દી દરમિયાન તેઓ રસાયણશાસ્ત્ર ઉપરાંત ભૂસ્તરશાસ્ત્ર પણ શીખવતા. 1909માં તે જ કૉલેજમાં રસાયણશાસ્ત્રના આસિસ્ટન્ટ પ્રોફેસર અને ત્યારબાદ બંગાળની બરહામપુર કૉલેજમાં પ્રોફેસરના પદે નિમાયા. 1917માં કલકત્તા યુનિવર્સિટીની કૉલેજ ઑવ્ સાયન્સ ઍન્ડ ટૅક્નૉલૉજીમાં જોડાયા. 1918ના ઑગસ્ટમાં વડોદરાની કૉલેજમાં રસાયણશાસ્ત્રના પ્રોફેસર બન્યા. ત્યાં અધ્યાપન ઉપરાંત તેમણે સંશોધન પર ધ્યાન કેન્દ્રિત કર્યું. તે દરમિયાન 1914માં તેમને મુંબઈ યુનિવર્સિટીએ વિદેશ અભ્યાસાર્થે જવા સારુ સર મંગળદાસ નથ્થુભાઈ ટૅકનિકલ સ્કૉલરશિપ એનાયત કરી હતી, પરંતુ તે જ વર્ષે પ્રથમ વિશ્વયુદ્ધ (1914-18) શરૂ થતાં તે આ તકનો તાત્કાલિક લાભ લઈ શક્યા ન હતા; પરંતુ 1919માં મુંબઈ યુનિવર્સિટીએ તેમને ફરી વાર તે સ્કૉલરશિપ એનાયત કરતાં તે ઇંગ્લૅન્ડ ગયા, જ્યાં વિખ્યાત ભારતીય વૈજ્ઞાનિકો સર સી. વી. રામન, સર જગદીશચંદ્ર બોઝ, સર પ્રફુલ્લચંદ્ર રાય, ડૉ. મેઘનાથ સહા, જે. સી. ઘોષ, જે. એમ. મુખર્જી વગેરેના સંપર્કમાં આવ્યા. 1921માં તેમને ડૉ. થૉર્પના માર્ગદર્શન હેઠળ ડૉક્ટર ઑવ્ સાયન્સ(D.Sc.)ની પદવી મળી. દરમિયાન તેમણે જર્મનીનાં કેટલાંક જાણીતાં કારખાનાં, યુરોપની કેટલીક યુનિવર્સિટીઓ અને ટૅકનિકલ શિક્ષણ આપતી કેટલીક સંસ્થાઓની જાતમુલાકાત લીધી, જેને લીધે તેમનામાં ખૂબ વૈચારિક પરિવર્તન આવ્યું.
1921માં સ્વદેશ પાછા આવ્યા ત્યારે રૉયલ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ કેમિસ્ટ્રીના ફેલો તરીકે તેમને સન્માનવામાં આવ્યા. તે ફરી વડોદરાની સરકારી કૉલેજમાં પ્રોફેસર તરીકે જોડાઈ ગયા. સાથોસાથ વડોદરા શાસનના ઔદ્યોગિક રસાયણશાસ્ત્રના સલાહકાર તરીકે પણ તેમણે સેવાઓ આપી. 1924માં ઇન્ડિયન કેમિકલ સોસાયટીની સ્થાપના થઈ તેમાં ડૉ. નાયકનો મહત્વનો ફાળો હતો. વડોદરાની કલાભવન રી-ઑર્ગનાઇઝેશન સમિતિના સભ્ય તરીકે તે સંસ્થામાં બી. એસસી. સુધીનો ટૅકનૉલૉજીનો અભ્યાસક્રમ દાખલ કરાવવામાં પણ તેમની ભૂમિકા મહત્વની રહી હતી. ઉપરાંત, મુંબઈ યુનિવર્સિટીમાં પ્રયુક્ત રસાયણશાસ્ત્રનો અલાયદો વિભાગ શરૂ કરાવવામાં પણ તેમનો ફાળો મહત્વનો રહ્યો હતો. 1931માં ઇન્ડિયન સાયન્સ કૉંગ્રેસના રસાયણ વિભાગના તેઓ પ્રમુખ ચૂંટાયા હતા.
તેમનાં 46 જેટલાં સંશોધનપત્રો પ્રકાશિત થયેલાં છે. રસાયણશાસ્ત્રના ક્ષેત્રે તેમણે કરેલ સંશોધન મુખ્યત્વે ગંધક અને ગંધકજન્ય દ્રવ્યોને સ્પર્શે છે.
1948-50 દરમિયાન તેઓ અમદાવાદની જાણીતી ઉચ્ચ શિક્ષણસંસ્થાઓ એલ. ડી. આર્ટ્સ કૉલેજ અને એમ. જી. સાયન્સ ઇન્સ્ટિટ્યૂટના આચાર્યપદે અને ત્યારબાદ નડિયાદ અને વલસાડની સાયન્સ કૉલેજોના આચાર્યપદે રહ્યા હતા. તેઓ ગુજરાત યુનિવર્સિટીના રેક્ટરપદે પણ રહ્યા હતા.
જગદીશ જ. ત્રિવેદી