નામિબિયા : આફ્રિકાખંડના નૈર્ઋત્ય ભાગમાં આવેલો દેશ. ભૌગોલિક દૃષ્ટિએ આ દેશ આશરે 17° થી 29´ દ. અ. અને 12° થી 25´ પૂ. રે. વચ્ચેનો વિસ્તાર આવરી લે છે. તેનો કુલ વિસ્તાર 8,26,700 ચોકિમી. છે. તેની ઉત્તરે અને ઈશાન તરફ ઍંગોલા અને ઝામ્બિયા ભૂમિભાગો, પૂર્વમાં બોત્સ્વાના, દક્ષિણે દક્ષિણ આફ્રિકા અને પશ્ચિમે ઍટલાન્ટિક મહાસાગર આવેલો છે. 1990માં તે સ્વતંત્ર બન્યો તે અગાઉ આ દેશ ‘નૈર્ઋત્ય આફ્રિકા’ નામથી ઓળખાતો હતો. વિન્ડહોક તેનું પાટનગર તથા સૌથી મોટું શહેર છે.
ભૂપૃષ્ઠ : નામિબિયાનો ઉત્તર-દક્ષિણ વિસ્તરેલો મધ્ય ભાગ ઉચ્ચપ્રદેશોથી બનેલો છે. અહીંનું ઊંચામાં ઊંચું સ્થળ બ્રાન્ડબર્ગ 2,580 મીટરની ઊંચાઈ ધરાવે છે; 1,200 મીટર સુધીની ઊંચાઈ ધરાવતો મેદાન-સમકક્ષ ઊંચાણવાળો મધ્યભાગ ઝાંખરાં તથા ઢોરચરિયાણ માટે તેમજ મકાઈ ઉગાડવા માટે પૂરતા પ્રમાણમાં જરૂરી ઘાસભૂમિથી છવાયેલો છે. કિનારા તરફ રેતીના વિશાળ ઢૂવાઓ સહિતનું નામિબ રણ અને પૂર્વ તરફ કલહરીનું રણ પથરાયેલું છે. પશ્ચિમ સરહદ 1,500 કિમી. લાંબા ઍટલાન્ટિક મહાસાગર કિનારાથી રક્ષાયેલી છે. નામિબિયાની ઉત્તરે ક્યુનિન અને ઓકાવાન્ગો નામની બે મોટી નદીઓ આવેલી છે. ક્વાન્ડો નદી ઈશાન કોણમાં વિસ્તરેલી કેપ્રીવી ભૂમિપટ્ટીને વીંધીને પસાર થાય છે. ઈશાન સરહદ પરથી ઝામ્બેઝી, વાયવ્ય સરહદે ક્યુનીન અને દક્ષિણ સરહદ પરથી ઑરેન્જ નદી વહે છે. પડોશી દેશો વચ્ચે આશરે 2,400 કિમી. જેટલી જળસરહદ રચાયેલી છે.
ભૂપૃષ્ઠ અને આબોહવાના સંદર્ભમાં નામિબિયાને ત્રણ વિભાગોમાં વહેંચેલો છે : (1) ઉત્તરમાં ઓવામ્બોલૅન્ડ, (2) મધ્યમાં દમારાલૅન્ડ અને (3) દક્ષિણમાં નમાકલૅન્ડ.
આબોહવા : નામિબિયા દક્ષિણ ગોળાર્ધમાં આવેલું હોવાથી ઉનાળા ડિસેમ્બર-જાન્યુઆરીના અરસામાં તથા શિયાળા મે-જૂનના અરસામાં પ્રવર્તે છે. મકરવૃત્ત અહીંથી પસાર થતું હોવાથી તેમજ નામિબ રણ તથા કલહરીનું રણ નજીકમાં જ પથરાયેલાં હોવાથી આ દેશની આબોહવા ઇજિપ્ત અને લિબિયાને સમકક્ષ વિષમ રહે છે. જાન્યુઆરી અને જૂનનાં દૈનિક તાપમાનની સરેરાશ અનુક્રમે 24° સે. અને 20° સે. જેટલી રહે છે. સરેરાશ વાર્ષિક વરસાદનું પ્રમાણ ઉત્તર તરફ 500 મિમી., મધ્યમાં 200થી 400 મિમી. વચ્ચેનું તથા દક્ષિણ તરફ 25 મિમી.થી 150 મિમી. જેટલું રહે છે.
વનસ્પતિ–પ્રાણીજીવન : ભૂપૃષ્ઠ અને આબોહવાની અનુકૂળતા પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ ન હોવાથી અહીં જંગલો જોવા મળતાં નથી. મોટાભાગનો પ્રદેશ સૂકો અને બિનફળદ્રૂપ છે. મધ્યના ઊંચાણવાળા મેદાની પ્રદેશમાં ઘાસ તેમજ મર્યાદિત પ્રમાણમાં મકાઈ, બાજરી અને શાકભાજી થાય છે. ઑરેન્જ નદીના કિનારાના ભાગોમાં પાણી અને ઘાસચારાની ઉપલબ્ધિને કારણે ત્યાં પશુપાલનની પ્રવૃત્તિ વિકસી છે. ડેરીની પેદાશો કરતાં વધુ તો ઊન, ચામડાં અને હાડકાંની પ્રાપ્તિ માટે અહીં પશુઉછેરને વધુ મહત્વ અપાય છે. અહીં ‘પર્શિયન’ પ્રકારનાં ઘેટાંનો મુલાયમ ઊન મેળવવા માટે ઉછેર કરવામાં આવે છે. ઍટલાન્ટિકને કિનારે ઠીક ઠીક પ્રમાણમાં માછલીઓ (એન્કોવી, મેકેરેલ તથા સાર્ડિન) મળે છે. નામિબિયાના અંતરિયાળ ભૂમિભાગમાં મોટા કદનાં સાબર રહે છે. દેશના વાયવ્ય ભાગમાં રણમાં વસી શકે એવા હાથી રહે છે. મધ્ય ઉત્તર ભાગમાં વિશાળ અનામત જગા ધરાવતું અભયારણ્ય ‘ઈતોશા ગેમ પાર્ક’ આવેલું છે. ત્યાં સાબર, ચિત્તા, હાથી, જિરાફ, સિંહ, ગેંડા અને ઝિબ્રા જેવાં પ્રાણીઓ જોવા મળે છે.
આર્થિક પ્રવૃત્તિઓ : અહીં ફળદ્રૂપ જમીનો ન હોવાથી માત્ર થોડા પ્રમાણમાં મકાઈ, પરંપરાગત રીતે જીવનનિર્વાહ પૂરતી બાજરી અને શાકભાજી ઉગાડાય છે. ખાણ-ઉદ્યોગ અહીં પ્રથમ ક્રમનો મહત્ત્વનો ઉદ્યોગ બની રહેલો છે. હીરા, યુરેનિયમ, વેનેડિયમ, તાંબું, સીસું, જસત, કલાઈ અને મૅંગેનીઝ ખનિજો અહીંથી મળે છે, જેના પર દેશનું અર્થતંત્ર નભી રહ્યું છે. સીસાના ઉત્પાદનમાં તે દુનિયાભરમાં દશમા ક્રમે આવે છે. તાંબાનું ઉત્પાદન-પ્રમાણ વિશેષ છે. ઑરેન્જ નદીના મુખ પાસેથી રેતીનાં ભૌતિક સંકેન્દ્રણોમાંથી હીરા મળે છે. દરિયાકિનારે પક્ષીઓની હગારમાંથી ‘ગ્વાનો’ ફૉસ્ફેટ મળે છે, જે રાસાયણિક ખાતર તૈયાર કરવામાં ઉપયોગમાં લેવાય છે. પશુપાલન અને મત્સ્ય-ઉદ્યોગ બીજા ક્રમે આવે છે. 1970 પછી અવારનવાર પડતા દુષ્કાળને કારણે આ પ્રવૃત્તિમાં ઘટાડો થતો ગયો છે. અગાઉ કરેલી વધુપડતી મચ્છીમારીને કારણે તે પ્રવૃત્તિ પણ મંદ પડી છે. અન્ય ઉત્પાદકીય અને ઉપભોક્તા ચીજવસ્તુઓનું પ્રમાણ તદ્દન ઓછું છે.
વેપાર : હીરાનું ઝવેરાત, યુરેનિયમ ઑક્સાઇડ, તાંબા-સીસા-જસતનાં ખનિજો, ઊન, ચામડાં, માખણ, ડબ્બાઓમાં પૅક કરેલી માછલીઓ જેવી પેદાશોની યુ.એસ., ગ્રેટબ્રિટન, જર્મની, અન્ય યુરોપીય દેશો, જાપાન અને દક્ષિણ આફ્રિકા ખાતે નિકાસ થાય છે. છેલ્લાં 50 વર્ષોમાં વિદેશી કંપનીઓના આગમનથી આ દેશની આર્થિક કાયાપલટ થઈ છે, કેટલાક ઉદ્યોગોનો વિકાસ, તો કેટલાકનો પ્રારંભ થયો છે. ઘઉં, ખાદ્યપદાર્થો અને ઉત્પાદકીય તેમજ ઉપભોક્તા ચીજવસ્તુઓની આયાત કરવામાં આવે છે.
પરિવહન : લ્યુડરિટ્ઝ અને વાલ્વિસ બે (વાલ્વિસ બે વાસ્તવમાં તો દક્ષિણ આફ્રિકાનો વહીવટી ભાગ છે) આ દેશની આયાત-નિકાસ માટેનાં બંદરો છે. અહીં 2,628 કિમી. લંબાઈના રેલમાર્ગો દેશનાં મુખ્ય શહેરો, નગરો તેમજ ઍંગોલા, બોત્સ્વાના, ઝામ્બિયા અને દક્ષિણ આફ્રિકાનાં શહેરોને સાંકળે છે. આશરે 42,237 કિમી.ના રસ્તાઓ છે, તે પૈકી 25% માર્ગો પાકા છે. વિન્ડહોક નજીક આંતરરાષ્ટ્રીય કક્ષાનું હવાઈ મથક તેમજ કીટમૅનશૂપ ખાતે અન્ય એક હવાઈ મથક છે.
વસ્તી : નામિબિયાની વસ્તી 25.29 લાખ (2021) જેટલી છે, જેમાં 55% શહેરી અને 45% ગ્રામીણ છે. 90% અશ્વેત, 7% શ્વેત અને 3% અન્ય છે. અશ્વેત લોકોના જુદા જુદા જાતિસમૂહો પૈકી ઉત્તર તરફ ઓવામ્બો અને કાવાન્ગો, કેપ્રીવી પટ્ટીમાં કેપ્રિવિયન, મધ્યમાં દમારા, અને હેરેરો, પૂર્વમાં બુશમૅન (સાન) અને ત્સ્વાના, દક્ષિણમાં બાસ્તર અને નામા મુખ્ય છે. વિવિધ જાતિસમૂહોનું જીવનધોરણ સ્થાનભેદે ભિન્ન ભિન્ન છે. તેઓ શિકાર, ખેતી, મચ્છીમારી, પશુપાલન, ખનિજખનન જેવી પ્રવૃત્તિ મારફતે જીવનનિર્વાહ માટે ઝઝૂમે છે. મોટાભાગના ગોરાઓ વહીવટી નોકરીઓ કરે છે, તેમનું જીવનધોરણ અને આવકનું પ્રમાણ ઊંચું છે. દેશ સ્વતંત્ર થયા પછી સરકાર તરફથી અશ્વેત પ્રજાનું આર્થિક સ્તર ઊંચું આવે એવા પ્રયાસોને અગ્રિમતા અપાઈ રહી છે.
અહીંની સત્તાવાર ભાષા અંગ્રેજી છે, તેમ છતાં અશ્વેત પ્રજા તેમના સ્થાન પ્રમાણે પંદરેક જેટલી જુદી જુદી ભાષાઓનો ઉપયોગ કરે છે. આશરે 90% લોકો ખ્રિસ્તી છે, જેમાં લ્યૂથેરિયન મુખ્ય છે, જ્યારે અન્ય રોમન કૅથલિક અને ઍંગ્લિકન છે તો કેટલાક ડચ-સુધારાવાદી દેવળોના સભ્યો પણ છે. શિક્ષણ જાહેર શાળાઓમાં નિ:શુલ્ક છે. નામિબિયા યુનિવર્સિટી ઉચ્ચશિક્ષણ આપે છે.
વિન્ડહોક નામિબિયાનું પાટનગર અને સૌથી મોટું શહેર (વસ્તી આશરે 3,00,000 – 2021) છે. સ્વાકોપમંડ, એઝરમંડ, વાલ્વિસ બે અન્ય મુખ્ય શહેરો છે. વિન્ડહોક વહીવટી, શૈક્ષણિક, સાંસ્કૃતિક, ઔદ્યોગિક તેમજ વ્યાપારી કેન્દ્ર છે. એઝરમંડ પણ મહત્વનું ઔદ્યોગિક અને વ્યાપારી કેન્દ્ર છે. સતત ઊંચું તાપમાન, પાણી અને વરસાદની અછત તેમજ વારંવાર પડતા દુષ્કાળની પરિસ્થિતિને કારણે લોકો પડોશી દેશોમાં સ્થળાંતર કરતા રહે છે; આથી રાષ્ટ્રસંઘ તથા માનવતાવાદી આંતરરાષ્ટ્રીય સંગઠનો દ્વારા અનાજ, દવાઓ, જીવનજરૂરિયાતની ચીજવસ્તુઓ વિદેશોમાંથી અહીં પહોંચતી કરવામાં આવે છે.
વહીવટ : 1990માં સ્વતંત્રતા મળ્યા બાદ નામિબિયાની સરકાર પ્રમુખની સત્તા હેઠળ ચાલે છે. પ્રજા પ્રમુખને પાંચ વર્ષની મુદત માટે ચૂંટી કાઢે છે. 72 સભ્યોની બનેલી રાષ્ટ્રીય સંસદ ધારાકીય સત્તાઓ ધરાવે છે. પ્રાદેશિક વિભાગો દ્વારા ચૂંટાઈ આવતી રાજ્યસભા સંસદ પછીના ક્રમે આવે છે. સંસદમાં પસાર થતા ખરડાઓને રાજ્યસભા ચર્ચા બાદ મંજૂર કરે છે. પ્રમુખ સંસદસભ્યોમાંથી વડાપ્રધાનની નિયુક્તિ કરે છે. વડાપ્રધાન સંસદનું સંચાલન કરે છે અને પ્રમુખને સરકારી બાબતોમાં માર્ગદર્શન આપે છે. સ્વાપો (South West Africa Peoples Organisation–SWAPO) અહીં વર્ચસ ધરાવતો મુખ્ય રાજકીય પક્ષ છે, જ્યારે DTA (Democratic Turnhalle Alliance) એ બીજો રાજકીય પક્ષ છે. દેશમાં ‘નામિબિયા રક્ષક દળ’ (Namibia Defence Force) નામનું આશરે 5,000 સંખ્યા ધરાવતું લશ્કર છે. લશ્કરમાં સેવા આપવી મરજિયાત છે.
ઇતિહાસ : દમારા અને બુશમૅન (સાન) નામિબિયાના મૂળ વતનીઓ ગણાય છે. ઈશાનના દેશોમાંથી ઓવામ્બો અને હેરેરો તેમજ અન્ય જાતિસમૂહો 1800-1900 દરમિયાન ઘણી મોટી સંખ્યામાં સ્થળાંતર કરીને આવ્યા અને વસ્યા છે. 1868ના પ્રારંભમાં જર્મન વસાહતીઓ, પાદરીઓ અને સૈનિકોએ કિનારા પર વસાહતો સ્થાપેલી; જર્મનીએ 1884માં કેટલીક ભૂમિ પર કબજો પણ જમાવેલો. તેમણે તે ભાગને નૈર્ઋત્ય આફ્રિકા નામ આપેલું. 1890ના દાયકા દરમિયાન, જર્મનોએ વિન્ડહોક વિસ્તારના હેરેરો અને દમારા સમૂહો પર અમાનુષી વર્તન કરીને કાઢી મૂકેલા. 1893માં શરૂ થયેલો હેરેરોનો બળવો, 1904માં હિંસક બન્યો અને 1908માં તેનો અંત આવ્યો. 1907 સુધીમાં જર્મનોએ 65,000 જેટલા હેરેરોની હત્યા કરી હતી. પ્રથમ વિશ્વયુદ્ધ વખતે 1915માં દક્ષિણ આફ્રિકી દળોએ જર્મનો પર હુમલો કરીને નામિબિયા(તત્કાલીન નૈર્ઋત્ય આફ્રિકા)નો કબજો લઈ લીધો. તેમની ઇચ્છા નામિબિયાને દક્ષિણ આફ્રિકા(દેશ)માં ભેળવી દેવાની હતી, પરંતુ યુ.એસ. તથા અન્ય રાષ્ટ્રોએ તે નાકામયાબ બનાવી. 1920માં નવા સ્થપાયેલા રાષ્ટ્રસંઘે દક્ષિણ આફ્રિકાને નામિબિયાનો વહીવટ કરવાનો અધિકાર આપ્યો, પરંતુ દક્ષિણ આફ્રિકાએ પોતાના દેશનો જ ભાગ હોય તેમ વર્તવા માંડ્યું. 1945માં સંયુક્ત રાષ્ટ્ર (UN) અસ્તિત્વમાં આવ્યું. દક્ષિણ આફ્રિકાએ સંયુક્ત રાષ્ટ્રના વાલીપણા હેઠળ નામિબિયાને મૂકવાની સંયુક્ત રાષ્ટ્રની વિનંતીને પણ સ્વીકારી નહિ. તેથી 1966માં સંયુક્ત રાષ્ટ્રે દક્ષિણ આફ્રિકાના અધિકારનો અંત લાવવા અહીં લોકમત લીધો. 1971માં આંતરરાષ્ટ્રીય ન્યાય અદાલતે દક્ષિણ આફ્રિકાના આ વિસ્તાર પરના અંકુશને ગેરકાયદે ઠરાવ્યો. 1960માં સાઉથ વેસ્ટ આફ્રિકા પીપલ્સ ઑર્ગેનિઝેશન(SWAPO)ની રચના થઈ ચૂકી હતી. સ્વાપોએ દક્ષિણ આફ્રિકાની સરકાર સાથે સ્વાતંત્ર્ય માટે સમજાવટભરી વાટાઘાટો કરી. 1960ના દસકા દરમિયાન દક્ષિણ આફ્રિકાએ ગેરીલા યુદ્ધપદ્ધતિ અજમાવેલી, ઍંગોલા અને ઝામ્બિયાની સરહદો પર લશ્કરી દળો પણ ગોઠવેલાં. 1977માં નામિબિયાને સ્વતંત્રતા આપવા માટે તેમની પોતાની સંસદ રચાય તેમાં ગોરાઓનું વર્ચસ્ રહે અને અશ્વેત લોકો બાકાત રહે એવી યોજના ઘડી કાઢી. સંયુક્ત રાષ્ટ્રે (UN) આ અંગે વાંધો લીધો અને ઘણાં રાષ્ટ્રોનો સાથ લઈ 1980ના દાયકા દરમિયાન વાટાઘાટો કરી. 1989 સુધી સંઘર્ષો ચાલુ રહ્યા. તે દરમિયાન 1988માં છેવટે દક્ષિણ આફ્રિકી સરકારે કબૂલાત આપી કે તે 1990ના એપ્રિલમાં સ્વતંત્રતા આપશે. આ કબૂલાત પછી 1989ના નવેમ્બરમાં નામિબિયામાં બંધારણીય સંસદ માટેની ચૂંટણી યોજાઈ. 1990ના ફ્રેબુઆરીમાં બંધારણને મંજૂરી મળી. સ્વાપોના નેતા સામ નુજોમાની પ્રથમ પ્રમુખ તરીકે વરણી થઈ. 1990ના માર્ચની 21મી તારીખે નામિબિયા સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે અસ્તિત્ત્વમાં આવ્યું.
માર્ચ, 1990માં નામિબિયા સ્વતંત્ર પ્રજાસત્તાક દેશ બન્યો અને સામનુજોમ્સ પ્રમુખ થયો. 1994 અને 1999માં તે પ્રમુખપદે પુન: ચૂંટાયો. 2005માં પોહામ્બા નામિબિયાનો પ્રમુખ તથા નહાસ અંગુલા ત્યાંનો વડોપ્રધાન હતો.
નવેમ્બર, 2009માં થયેલી ચૂંટણીમાં પોહામ્બા ફરી વાર પ્રમુખપદે ચૂંટાયો હતો. ઈ. સ. 2013માં નામિબિયામાં બાંધકામને લગતા પદાર્થો, અનાજ, ખાતર વગેરેની આયાત કરવામાં આવતી હતી.
નામિબિયાએ સૌપ્રથમ વાર ઇલેક્ટ્રૉનિક વોટિંગ મશીનનો ઉપયોગ ત્યાંની 2014ની રાષ્ટ્રીય ચૂંટણીમાં કર્યો. તે બધાં મશીન ભારતમાંથી ખરીદ્યાં હતાં.
2015માં નામિબિયામાં પ્રમુખ પોહામ્બા તથા વડાપ્રધાન હેઈજ જીનગોબ હતા.
મહેશ મ. ત્રિવેદી
જયકુમાર ર. શુક્લ