નાપામ : ઓલીક, નેપ્થેનિક તથા નાળિયેરીમાંથી નીકળતા ચરબીજ ઍસિડોના મિશ્રણનું ઍલ્યુમિનિયમ લવણ. નાપામ દાણાદાર પાઉડર હોય છે. ગૅસોલીન સાથે ભેળવીને તેનો ચીકણો ઘટરસ (જેલ, gel) બનાવાય છે, જે
–40° થી + 100° સે. સુધી સ્થાયી છે. તે સળગી ઊઠે તેવું દ્રવ્ય હોવાથી આગને ઝડપી લે છે. આથી તે જ્વલનકારક કે આગ ચાંપનાર દ્રવ્ય તરીકે વપરાય છે.
હવામાં ફેંકાયેલ નાપામ બૉંબ ફાટીને સળગી ઊઠે છે તથા બળતાં નાપામ દ્રવ્યો ખૂબ વિસ્તારમાં ફેલાય છે. ઘટ્ટ રસ (gelly) જેવું પેટ્રોલ જેની ઉપર ઊડે ત્યાં ચોંટી જાય છે અને ઝડપથી સળગે છે. આમ નાપામ દાઝી જવાના કે ગૂંગળાવાના કારણે મૃત્યુ નિપજાવે છે. અગ્નિક્ષેપકોમાં પણ નાપામ વપરાય છે, જે ભૂમિસેના દ્વારા વપરાય છે. બીજું વિશ્વયુદ્ધ (1939–45), કોરિયન યુદ્ધ (1950–53) તથા વિયેટનામ યુદ્ધ (1957–75) દરમિયાન નાપામ બાબ ઘણા વપરાયેલા છે.
જગદીશ જ. ત્રિવેદી