નાન્સેન, ફ્રિટ્યૉફ (. 10 ઑક્ટોબર 1861, ઑસ્લો, નૉર્વે; . 13 મે 1930) : માનવતાવાદી સમુદ્રવિજ્ઞાની રાજપુરુષ. 1922ના નોબેલ શાંતિ પારિતોષિકના વિજેતા. તેમના આર્ક્ટિક પ્રદેશના અભ્યાસપ્રવાસ વડે તેમણે સમુદ્રવિજ્ઞાનના સંશોધનક્ષેત્રે નવી ક્ષિતિજો ખોલી. યુદ્ધની ક્રૂર અને ભયજનક યાતનાઓ સહન કરી રહેલ યુદ્ધકેદીઓ, યુદ્ધના નિર્વાસિત વિસ્થાપિતો તથા દુષ્કાળપીડિતોને ઉગારવા માટે તેમણે અથાગ પ્રયાસ હાથ ધર્યા હતા.

તેમણે 1888, 1893, 1895–96માં આર્ક્ટિકના તથા 1900 અને 1910–14 દરમિયાન આટલાંટિકના પ્રવાસો ખેડ્યા હતા.

1882માં તેમણે ગ્રીનલૅન્ડમાં હિમશિખરની આરપાર ઘણી મુશ્કેલી સહન કરી પ્રવાસ કર્યો અને તે દરમિયાન એસ્કિમોનો અભ્યાસ કરી તેમના જીવન પર પુસ્તક લખ્યું. 1890માં નૉર્વેજિયન ભૂગોળવિદ્યાને લગતી સોસાયટી સમક્ષ વધુ અઘરા સાહસિક પ્રવાસને લગતી યોજના રજૂ કરી. તે માટે ફ્રામ (ફૉરવર્ડ) નામનું વહાણ બનાવ્યું, જે ઑસ્લોની બહાર આજે પણ સાચવવામાં આવ્યું છે.

ફ્રિટ્યૉફ નાન્સેન

વ્યાવસાયિક કારકિર્દીની શરૂઆતમાં 1882માં તેઓ બર્ગન સંગ્રહાલયના પ્રાણીશાસ્ત્રના ક્યુરેટર–સંગ્રાહક તરીકે નિયુક્ત થયા હતા. તેમણે પ્રાણીશાસ્ત્ર પર ઘણા લેખો લખ્યા. 1887માં તેમણે ક્રિસ્ટાનિયા યુનિવર્સિટીની પીએચ.ડી.ની પદવી મેળવી. 1896થી 1917-નાં લગભગ 21 વર્ષ સુધીનો સમય તેમણે વૈજ્ઞાનિક કાર્ય પાછળ મહાસાગરને લગતા ભૂગોળના પ્રાધ્યાપક તરીકે ગાળ્યો. તેમના પ્રવાસના હેવાલોનું તેમણે સંપાદન પણ કર્યું. ઉપરાંત ‘ઇન્ટરનેશનલ કાઉન્સિલ ફૉર ધી એક્સપ્લોરેશન ઑવ્ ધ સી’ નામની સંસ્થાની સ્થાપનામાં અને ક્રિસ્ટાનિયાની કેન્દ્રીય પ્રયોગશાળામાં માર્ગદર્શન આપ્યું. નૉર્વેના દરિયામાં લગભગ 13 વર્ષ સુધી તેમણે વિવિધ પર્યટનપ્રવાસ કર્યા અને તે વિશે સંશોધનલેખો લખ્યા, જેમાં સાધનોની ડિઝાઇન, સમુદ્રના પવનની ગતિ અને દરિયાના પાણી વિશેની વિસ્તૃત સમજૂતી આપી. ‘નૉર્ધર્ન મિસ્ટ્સ’ નામનો ગ્રંથ તેમણે બે ભાગમાં લખ્યો, જે સોળમી સદીથી થયેલા ઉત્તરીય પ્રદેશના સાહસપ્રવાસોને વર્ણવે છે. તેમણે 1905માં નૉર્વે અને સ્વીડનના યુનિયનના નિરાકરણની ચર્ચામાં સક્રિય ભાગ લીધો. 1906થી 1908 સુધી તેમણે નૉર્વેજિયન મૉનારકીના પહેલા મિનિસ્ટર તરીકે લંડનમાં સેવા આપી. પહેલા વિશ્વયુદ્ધ (1914–18) દરમિયાન તેઓ અમેરિકામાં નૉર્વેજિયન કમિશનરના કાર્યાલયના વડા તરીકે નિયુક્ત થયા. 1920ની લીગ ઑવ્ નૅશન્સની પહેલી સભામાં નૉર્વેજિયન પ્રતિનિધિમંડળનું તેમણે નેતૃત્વ કર્યું અને તેના આજીવન સભ્ય રહ્યા.

1920ના એપ્રિલમાં લીગ ઑવ્ નેશન્સ તરફથી તેમણે રશિયા ખાતેના 5,00,000 યુદ્ધકેદીઓની મુક્તિનું કાર્ય કર્યું. તે સમયે રશિયાએ લીગ ઑવ્ નૅશન્સને માન્યતા આપી ન હતી, તેમ છતાં નાન્સેન સાથે રશિયાએ સીધી વાટાઘાટો કરી.

રેડક્રૉસની ઇન્ટરનેશનલ કમિટીએ 1921ના ઑગસ્ટમાં તેમને રશિયાના દુષ્કાળમાં રાહત પહોંચાડવાનું કાર્ય સોંપ્યું. તે વર્ષે 15મી ઑગસ્ટે 13 દેશોની સરકારો અને રેડક્રૉસ સંસ્થાએ તેમને જિનીવામાં હાઈકમિશનર તરીકે નિયુક્ત કર્યા. માત્ર 12 દિવસમાં જ તેમણે રશિયન સરકાર સાથે સહમતી મેળવી અને મૉસ્કોમાં ઇન્ટરનેશનલ રશિયન રિલીફ એક્ઝિક્યુટિવની ઑફિસ શરૂ કરી. નાણાકીય મદદ માટેની તેમની વિનંતી જ્યારે લીગ ઑવ્ નેશન્સે માન્ય રાખી નહિ ત્યારે તેમણે ખાનગી સંસ્થાઓ પાસેથી અને જાહેર સભાઓને સંબોધીને જરૂરી ફાળો ઊભો કર્યો. ગ્રીસ અને તુર્કસ્તાન વચ્ચે વસ્તીની હેરફેર અંગે કરેલા તેમના કાર્ય માટે પણ તેઓ જાણીતા થયા હતા.

નોબેલ શાંતિ પારિતોષિકનાં નાણાંનો ઉપયોગ તેમણે આંતરરાષ્ટ્રીય રાહતકામ માટે કર્યો. નિર્વાસિત લોકોના પાસપૉર્ટ માટે તેમણે જુલાઈ, 1922માં આંતરરાષ્ટ્રીય સહમતી મેળવી. આ પાસપૉર્ટ ‘નાન્સેન પાસપૉર્ટ’ તરીકે ઓળખાય છે. તેમના મૃત્યુ પછી 1931માં જિનીવામાં નાન્સેન ઇન્ટરનેશનલ ઑફિસ ફૉર રેફ્યૂજીઝની સ્થાપના થઈ, જેમાં મુખ્યત્વે રશિયન, આર્મેનિયન અને યહૂદી નિર્વાસિતોની સંભાળ લેવાઈ.

સાધના ચિતરંજન વોરા