નામ (સંજ્ઞા) : સંસ્કૃત વ્યાકરણ પ્રમાણે પદના ચાર પ્રકારોમાંનો એક. ઋક્પ્રાતિશાખ્ય અને યાસ્કના મતે જે પદ સત્વ એટલે વસ્તુ કે દ્રવ્યનો અર્થ મુખ્યત્વે બતાવતું હોય તેને નામ કહેવાય. પાણિનિને મતે વિભક્તિના પ્રત્યયો જેને અંતે હોય તે सुबन्त પદો નામ કહેવાય. ભોજ પોતાના ‘શૃંગારપ્રકાશ’માં સત્વભૂત અર્થના અભિધાયકને નામ કહે છે અને તેના (1) આવિષ્ટલિંગ એટલે ચોક્કસ જાતિના અર્થવાળાં અને (2) અનાવિષ્ટલિંગ એટલે ચોક્કસ જાતિનો અર્થ ન ધરાવતાં હોય તેવા એમ – બે પ્રકારો પાડે છે. પાણિનિ પૂર્વે થયેલા શાકટાયન નામના આચાર્યનો મત એવો છે કે બધાં નામો ધાતુમાંથી જન્મેલાં છે. આ મત યાસ્ક, પાણિનિ અને અન્ય આચાર્યોએ સ્વીકાર્યો છે.

લિંગની દૃષ્ટિએ (1) પુંલિંગ, (2) સ્ત્રીલિંગ અને (3) નપુંસકલિંગનાં નામો – એમ ત્રણ પ્રકારોમાં વહેંચાય છે. વળી (1) જાતિવાચી, (2) ગુણવાચી, (3) ક્રિયાવાચી અને (4) સંજ્ઞાવાચી એ પ્રકારો પણ જાણીતા છે. એવી જ રીતે (1) રૂઢ, (2) લક્ષક, (3) યોગરૂઢ, (4) યૌગિક અને (5) રૂઢયૌગિક એવા નામના પ્રકારો પણ પ્રચલિત છે. ‘મહાભાષ્ય’માં પતંજલિએ (1) ફક્ત એકવચનમાં વપરાતા, (2) ફક્ત દ્વિવચનમાં વપરાતા, (3) ફક્ત બહુવચનમાં વપરાતા, (4) ત્રણે વચનમાં વપરાતા અને (5) ફક્ત દ્વિવચનમાં નહીં વપરાતા – એમ પાંચ પ્રકારો બતાવ્યા છે. વળી (1) ઉણાદ્યન્ત, (2) કૃદંતાન્ત, (3) તદ્ધિતાન્ત, (4) સમાસજ અને (5) શબ્દાનુકરણ – એવા પાંચ પ્રકારો પણ ઉલ્લેખાયા છે.

પ્ર. ઉ. શાસ્ત્રી