નાન્સેન ઇન્ટરનેશનલ ઑફિસ ફૉર રેફ્યૂજીઝ

January, 1998

નાન્સેન ઇન્ટરનેશનલ ઑફિસ ફૉર રેફ્યૂજીઝ : 1938નું નોબેલ શાંતિ પારિતોષિક પ્રાપ્ત કરનાર સંસ્થા. સ્થાપના 1930. નોબેલ કમિટીના તે વખતના પ્રમુખના મત મુજબ આ સંસ્થાએ વિશ્વના હજારો બેસહાય નિર્વાસિતોને શાંતિનો સંદેશો પહોંચાડવાનું જ માત્ર કાર્ય કર્યું નથી, પણ તે ઉપરાંત વિશ્વના પ્રત્યેક માનવીને પણ તેણે આ સંદેશો પહોંચાડ્યો છે. પોતાના દેશના સંકુચિત ખૂણા કરતાં મોટા વિશ્વને તેમણે યાદ રાખ્યું છે, માનવજાતિનાં બાળકોને યાદ રાખ્યાં છે. તેઓ ગમે ત્યાં હોય, ગમે તે માનતા હોય, પણ વિશ્વની એકતાને તેમણે ખ્યાલમાં રાખી છે.

1929ની આર્થિક મંદીએ વિશ્વભરમાં બેરોજગારીની સમસ્યા જટિલ બનાવી. હજારોની સંખ્યામાં બેકાર બનેલા અસહાય નિર્વાસિતોનું ભવિષ્ય અંધકારમાં ધકેલાઈ ગયું, ત્યારે આ સંસ્થાએ અનિશ્ચિત જીવનની વિટંબણામાં રહેતા આ નિર્વાસિતોને શાંતિ અને સલામતી વડે જીવવાનો નૈતિક અધિકાર આપ્યો અને સ્થાયી આવાસ વડે તેમને સ્થિરતા આપી.

સાઈબીરિયા અને લેબેનૉનમાં આર્મેનિયન નિર્વાસિતો માટેના આખા ગામની વસાહતો સ્થાપવાનું અઘરું કામ આ સંસ્થાએ સફળતાથી કર્યું. તેને લીધે 1935ના અંતમાં ઇરવિનમાં 10,000 અને ટર્કીમાં 40,000 જેટલા નિર્વાસિતો સ્થાયી બની શક્યા. લીગ ઑવ્ નૅશન્સ પર નાણાકીય સાધનો માટે આધાર રાખ્યા વિના આ ઑફિસે હજારો નિર્વાસિતોને રાજકીય સહયોગ અને ભૌતિક સાધનોની મદદ પૂરી પાડી.

જર્મનીમાં નાઝી સત્તા આવી ત્યારે તેણે નવી સમસ્યાઓ સર્જી. સારનાના 4 હજાર રહેવાસીઓને પોતાનાં ઘર છોડવાં પડ્યાં ત્યારે પ્રાગમાં આ સંસ્થાએ તેમને થાળે પાડ્યા. આ સંસ્થાએ નાન્સેનનું વિશ્વશાંતિ માટે હાથમાં લીધેલું કામ ધગશપૂર્વક ચાલુ રાખ્યું.

બીજા વિશ્વયુદ્ધ (1939-45) પછીના ગાળામાં આ સંસ્થાએ નાગરિકત્વવિહોણા હજારો નિર્વાસિતોને ‘નાન્સેન પાસપૉર્ટ’ આપી મિત્ર રાષ્ટ્રોમાં તે સ્વીકાર્ય બને તે માટે સફળ ઝુંબેશ ઉપાડી હતી.

સાધના ચિતરંજન વોરા