નાન્દી, મતિ (. 10 જુલાઈ 1931, કૉલકાતા; . 3 જાન્યુઆરી 2010) : જાણીતા બંગાળી નવલકથાકાર. તેમને તેમની ચિંતનાત્મક નવલકથા ‘સાદા ખામ’ માટે 1991ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો હતો. તેમણે તત્કાલીન કૉલકાતા યુનિવર્સિટીમાંથી બંગાળીમાં બી. એ. (ઑનર્સ) તેમજ એમ.એ.ની ડિગ્રીઓ મેળવી. તેઓ બંગાળી અને અંગ્રેજી એ બંને ભાષાઓના નિષ્ણાત હતા. તેમણે એક કોશકારના સહાયક તરીકે, સ્વતંત્ર સંવાદદાતા અને ‘આનંદબજાર પત્રિકા’માં ખેલકૂદના સંપાદક તરીકે 1970થી 1984 સુધી કામગીરી કરી. એમણે એ પત્રિકાના વિશેષ સંવાદદાતા તરીકે કાર્ય કર્યું છે.

મતિ નાન્દી

ક્રિકેટ સંબંધી લેખોના સંકલનમાં અને દેશની વિભિન્ન રમતો તથા પુરાણી ફિલ્મોના સંશોધનમાં તેમની વિશેષ રુચિ રહી છે. તેઓ 1982થી 1985 સુધી કૉલકાતા સ્પૉર્ટ્સ જર્નાલિસ્ટ્સ ક્લબના અધ્યક્ષ રહી ચૂકેલા. ખેલકૂદ સંબંધી સેવા માટે તેમને 1991માં સ્પૉર્ટ્સ ઍવૉર્ડ આપવામાં આવેલો. તેમની પ્રથમ વાર્તા ‘છાદ’ 1956માં ‘દેશ’ સાપ્તાહિકમાં પ્રસિદ્ધ થઈ અને તેને માણિક બંદ્યોપાધ્યાય સ્મૃતિકથા પ્રતિયોગિતાનું પ્રથમ ઇનામ મળ્યું હતું. તેમની પ્રથમ નવલકથા 1958માં પ્રગટ થઈ. તેમણે 35 નવલકથાઓ, 5 વાર્તાસંગ્રહો ઉપરાંત ક્રિકેટ પર એક નિબંધસંગ્રહ અને અંગ્રેજીમાં ક્રિકેટ વિશે પુસ્તક પ્રગટ કર્યાં છે. ‘ભાલો છેલે’ (1984); ‘પ્રતિદિન સ્વર્ગ ભાંગે ગડે’ (1985); ‘છોટોબાબુ’ (1986) અને ‘જીવાંતર’ (1988) જેવી તેમની કેટલીક સર્જનાત્મક કૃતિઓના અનુવાદ મુખ્ય કેન્દ્રીય ભાષાઓમાં થયા છે. તેમની બે લઘુનવલો ‘સ્ટ્રાઇકર’ અને ‘કોની’ પરથી ફિલ્મોનું સર્જન થયું છે. 1974માં તેમને આનંદ પુરસ્કારથી સન્માનિત કરાયા હતા.

પુરસ્કૃત કૃતિ ‘સાદા ખામ’ ચિંતનપરક કૃતિ છે. અર્થસાધક રૂપકથી, અપ્રતિમ માર્મિકતાવાળી શૈલીથી લેખક અસ્મિતાની દ્વિધાનું અને યથાર્થની અભિજ્ઞતાએ ઉદભવતા ભાવોદ્રેકનું આલેખન કરે છે. જીવન વિશેની મૌલિક વિભાવના, તણાવગ્રસ્ત ચેતનાનું પ્રમાણભૂત નિરૂપણ  રચનાવિધાન અને સિદ્ધહસ્ત શૈલી જેવી લાક્ષણિકતાઓને કારણે બંગાળી સાહિત્યમાં આ કૃતિ નોંધપાત્ર નીવડી છે.

બળદેવભાઈ કનીજિયા