નાન્દી, પ્રીતીશ (. 15 જાન્યુઆરી 1951, ભાગલપુર, બિહાર) : ભારતીય લેખક અને પત્રકાર. અભ્યાસ પૂરો કરી લેખન, છબીકલા, આલેખન, સંપાદન – એમ વિવિધ ક્ષેત્રે પ્રતિભા બતાવી. છેલ્લે ટીવી પ્રસારણક્ષેત્રે પણ પ્રદાન કર્યું. અંગ્રેજી ભાષામાં કાવ્ય, છબીકલા, નાટક, અનુવાદ વગેરેનાં તેમનાં ચાલીસેક પુસ્તકો પ્રગટ થયાં છે. એમાં ‘લવસાગ સ્ટ્રીટ’, ‘ધ નોવ્હેર મૅન’, ‘એ સ્ટ્રેન્જર કૉલ્ડ આઈ’, ‘પ્રીતીશ નાન્દી 30’, ‘એનીવ્હેર ઇઝ અનધર પ્લેસ’ વગેરેનો સમાવેશ થાય છે. તેમણે ટૂંકી વાર્તાઓ પણ લખી છે. રવીન્દ્રનાથનાં મૃત્યુકાવ્યોનો અંગ્રેજીમાં અનુવાદ કર્યો છે. ‘કુછ ખટ્ટી-કુછ મીઠી’ નામક ફિલ્મથી ‘મસ્તઝાદે’ સુધીની ફિલ્મોના પ્રોડ્યૂસર નાન્દી બન્યા.

પ્રીતીશ નાન્દી

1976માં ડી.લિટ્.ની માનાર્હ પદવી તથા ‘પદ્મશ્રી’થી સન્માનિત પ્રીતીશે 1981માં ભાભા ફેલોશિપ પણ પ્રાપ્ત કરી. વળી અન્ય પારિતોષિક ઍવૉર્ડ એમને મળ્યાં છે. જેમાં ઈ. એમ. ફોર્સ્ટર લિટરરી ઍવૉર્ડ, પ્રિયદર્શિની ઍવૉર્ડનો સમાવેશ થાય છે. 2012માં શેખ હસીનાએ લિબરેશન વૉર ઑનરથી એમને સન્માનિત કર્યા હતા. ટાઇમ્સની પ્રકાશક બેનેટ કોલમૅન ઍન્ડ કંપનીમાં પ્રકાશન-સંચાલક તરીકે સેવા આપી. એ જ જૂથ દ્વારા પ્રગટ થતા સામયિક ‘ધી ઇલસ્ટ્રેટેડ વીકલી’ તથા ‘ફિલ્મફૅર’ના તંત્રી તરીકે પણ કામ કર્યું. ‘ધ વીકલી’માં એમણે જાહેર જીવનમાં પડેલા મહાનુભાવોના પ્રગટ કરેલા ઇન્ટરવ્યૂ વિવાદ જગવનાર નીવડ્યા. મુદ્રિત માધ્યમ પછી તેમણે વીજાણુ-માધ્યમમાં ટેલિવિઝન કાર્યક્રમોના નિર્માતા અને પ્રસ્તુતકર્તા તરીકે પણ કામ કર્યું. 1993માં ‘પ્રીતીશ નાન્દી કૉમ્યુનિકેશન’ નામક કંપની સ્થાપીને તેના સ્થાપક ચૅરમૅન થયા અને દૂરદર્શન પર ‘The Pritish Nandy Show’ નામક ધારાવાહી શરૂ કરી પછી બીજાં અનેક નામોથી એમણે ટી.વી. પર કાર્યક્રમો આપ્યા. ચિત્રકાર તરીકે એમના શો યોજાતા રહ્યા છે. તેમાં calligraphyનો સમાવેશ થાય છે. છેલ્લે મુંબઈના ‘બિઝનેસ ઍન્ડ પોલિટિકલ ઑબ્ઝર્વર’ના તંત્રી થયા. ફ્રીલાન્સ પત્રકાર તરીકે પ્રવૃત્તિ ચાલુ રાખી છે. મહારાષ્ટ્રના રાજકીય પક્ષ ‘શિવસેના’ના પ્રતિનિધિ તરીકે 1998થી રાજ્યસભામાં સભ્ય છે.

મહેશ ઠાકર