નાનાસાહેબ પેશવા : સત્તાવનના વિપ્લવના આગેવાન. અંતિમ પેશવા બાજીરાવ બીજાના દત્તક પુત્ર. તેમનું નામ ધોન્ડુ પંત હતું. બાજીરાવ બીજાનું જાન્યુઆરી, 1851માં અવસાન થતાં તે સમયના ગવર્નર જનરલ લૉર્ડ ડેલહાઉસીએ બાજીરાવને વાર્ષિક આઠ લાખ રૂપિયાનું અપાતું પેન્શન બંધ કર્યું. આની સામે નાનાસાહેબે સરકારને અરજી કરી. ડેલહાઉસીએ આ પેન્શન બાજીરાવના જીવન પર્યન્તનું હતું અને તે વંશપરંપરાગત ન હતું તેમ જ બાજીરાવ પુષ્કળ સંપત્તિ મૂકી ગયેલ હોઈને આ પેન્શન ચાલુ રાખવાનું યોગ્ય નથી તેમ જણાવીને નાનાસાહેબની અરજી રદ કરી. નાનાસાહેબે કંપનીના સંચાલક મંડળને અરજી કરતાં, તેણે ડેલહાઉસીના મંતવ્યને માન્ય રાખ્યું, પરંતુ ડેલહાઉસી તથા સંચાલક મંડળે કાનપુર પાસેની બીઠુરની જાગીર પરનો નાનાસાહેબનો હક્ક માન્ય રાખ્યો. નાનાસાહેબના મંત્રીઓ અજીમુલ્લાખાન તથા રંગો બાપુજીના પણ પેન્શન મેળવવાના પ્રયત્ન નિષ્ફળ ગયા.
મેરઠમાં 10મી મે, 1857ના રોજ વિપ્લવની શરૂઆત થઈ. ત્યારબાદ વિપ્લવ કાનપુર, લખનૌ, બરેલી, અલ્લાહાબાદ, બનારસ વગેરે સ્થળોએ ફેલાયો. કાનપુરમાં 4થી જૂન, 1857ના રોજ વિપ્લવનો પ્રારંભ થયો. તેની નેતાગીરી નાનાસાહેબ પેશવાએ લીધી. નાનાસાહેબ વિપ્લવની શરૂઆત પહેલાં અંગ્રેજોને વફાદાર હતા, પરંતુ વિપ્લવકારી સિપાઈઓ કાનપુરની નવાબગંજની સરકારી તિજોરી લૂંટવા ગયા ત્યારે નાનાસાહેબના સિપાઈઓ તેમની સાથે મળી ગયા એટલે નાનાસાહેબને વિપ્લવકારી સિપાઈઓની નેતાગીરી સ્વીકારવી પડી. બીજો મત એવો છે કે નાનાસાહેબ શરૂઆતથી જ વિપ્લવકારીઓ સાથે મળેલ હતા અને અંગ્રેજો પ્રત્યેની વફાદારી એ તેમનો માત્ર દેખાવ હતો. નાનાસાહેબ યાત્રા કરવાના નિમિત્તે હિન્દી સિપાઈઓની છાવણીમાં ફર્યા હતા અને એકીસાથે વિપ્લવ કરવાની તારીખ 31-5-1857 નિશ્ચિત કરી હતી તેમ કહેવાય છે.
વિપ્લવકારીઓએ 6 જૂન, 1857ના રોજ કાનપુરનો કબજો લઈને નાનાસાહેબને પેશવા તરીકે જાહેર કર્યા. નાનાસાહેબના સેનાપતિ તાત્યા ટોપે પણ આ સમયે તેમની સાથે હતા. કાનપુરના સેનાપતિ વ્હીલરે આજુબાજુ ખાઈ ખોદાવી એન્ટ્રેંચમેન્ટ નામે ઓળખાતા મકાનમાં આશ્રય લીધો. આમાં અંગ્રેજ સૈનિકો, સ્ત્રી-બાળકો તથા કર્મચારીઓ સહિત 900 વ્યક્તિઓ હતી. વ્હીલર પરના એક પત્રમાં નાનાસાહેબે તમામ અંગ્રેજોને નદી મારફત અલ્લાહાબાદ સલામત રીતે પહોંચાડવાની ખાતરી આપતાં વ્હીલર સહિત તમામ શરણે આવ્યા. નાનાસાહેબના આદેશથી કાનપુરના સતીચૌરા ઘાટ પરથી 40 હોડીઓમાં તમામ અંગ્રેજોને બેસાડી સફર શરૂ કરતાં જ સામસામા ગોળીબારો થયા, જેમાં મોટાભાગના અંગ્રેજો માર્યા ગયા.
આ હત્યાકાંડમાંથી બચી ગયેલ અંગ્રેજ સ્ત્રી હૉર્ટેસ્ટેટે બયાન આપ્યું કે આ સમયે નાનાસાહેબ ઘાટ પર હાજર ન હતા. તેમને આ બનાવની જાણ થઈ કે તુરત તેમણે (હૉર્ટેસ્ટેટ સહિત) 108 અંગ્રેજ સ્ત્રી-પુરુષ-બાળકોને બચાવી લીધાં. આથી આ ઘાતકી બનાવ માટે તેમને દોષિત ઠરાવી શકાય નહિ. બીજો બનાવ કાનપુરના બીબીઘર નામે મકાનમાં બન્યો. ત્યાં 200 જેટલાં અંગ્રેજ પુરુષો-સ્ત્રીઓ તથા બાળકો હતાં. નાનાસાહેબના આદેશથી તેમને ખોરાક આપવામાં આવ્યો હતો. પરંતુ અસામાજિક તત્વોએ તેમની હત્યા કરી. આ બનાવથી પણ નાનાસાહેબ અજાણ હતા. આ બંને બનાવો અંગ્રેજ લશ્કરોએ અલ્લાહાબાદ તથા વારાણસીમાં હિન્દીઓ પર ગુજારેલા અત્યાચારોના પ્રતિરોધ રૂપે હતા, જેમાં નાનાસાહેબનો હાથ ન હતો.
ઉપર દર્શાવેલ બનાવોનો બદલો લેવા નીલ અને હૅવલોકના સેનાપતિપદ નીચેનાં લશ્કરોએ કાનપુર તરફ કૂચ કરી. તેમાં નાનાસાહેબની નેતાગીરી નીચેના 5,000 હિન્દી સિપાઈઓના લશ્કર સાથે હૅવલોકને પ્રથમ લડાઈ થઈ, જેમાં નાનાસાહેબનો પરાજય થયો અને તેમને બીઠુર નાસી જવું પડ્યું. હૅવલોકે 17મી જુલાઈએ કાનપુરનો કબજો લીધો.
નાનાસાહેબના આદેશ અનુસાર તાત્યા ટોપેએ 4,000 હિન્દી સિપાઈઓ સહિત કાનપુર પર આક્રમણ કર્યું અને અંગ્રેજ લશ્કરને હરાવ્યું તથા કાનપુરના મોટાભાગના વિસ્તારો કબજે કર્યા. પરંતુ અંગ્રેજ સર સેનાપતિ કૉલિન કૅમ્પબેલ કાનપુર આવી પહોંચતાં તાત્યાને પરાજય મળ્યો અને તેને કાલ્પી તરફ નાસી જવું પડ્યું. આ કાનપુર માટેની અંતિમ લડાઈ હતી. ત્યારબાદ કાનપુરનો કબજો અંગ્રેજો હસ્તક રહ્યો અને ત્યાં અંગ્રેજ સેનાનીઓએ લોકો પર અત્યાચારો ગુજાર્યા.
બીઠુર પર અંગ્રેજોની ભીંસ વધતાં નાનાસાહેબ હિન્દી સિપાઈઓની ટુકડી સાથે ઔધ (અવધ) પહોંચ્યા, જ્યાં ઔધની બેગમ હજરતમહાલને અંગ્રેજો વિરુદ્ધની લડાઈઓમાં સાથ આપ્યો. પોતાના પતિ વાજિદઅલીને ડેલહાઉસીએ પદભ્રષ્ટ કર્યા બાદ હજરતમહાલ અંગ્રેજો સામે યુદ્ધે ચડી હતી. તે ખૂબ લોકપ્રિય હતી. તેને નાનાસાહેબનો સાથ મળતાં તે શક્તિશાળી બની. અને અંગ્રેજો સામે ત્રણ મહિના સુધી લડી, પરંતુ કૅમ્પબેલ (સરસેનાપતિ) સામે હજરતમહાલ તેમજ નાનાસાહેબનો પરાજય થયો (ડિસેમ્બર, 1858), અને તેમને નેપાલમાં રાણા જંગબહાદુરનો આશરો લેવો પડ્યો.
ત્યારપછીની નાનાસાહેબને લગતી હકીકત વિવાદાસ્પદ છે. નેપાલના તરાઈના જંગલમાં પહોંચેલા નાનાસાહેબને અંગ્રેજ સત્તાધીશોએ શરણે થવાનું કહેણ મોકલ્યું અને જો તેમની અંગ્રેજોની હત્યામાં સંડોવણી ન હોય તો તેમને માફી બક્ષવાની પણ તૈયારી દર્શાવી. આનો નાનાસાહેબે જવાબ વાળ્યો કે પોતે જીવિત છે ત્યાં સુધી અંગ્રેજો સામે લડત ચાલુ રાખશે.
આ પછી કેટલાક લેખકોના કથન મુજબ નાનાસાહેબ અને તેમના ભાઈ બાલારાવ તરાઈના જંગલમાં તાવની બીમારીથી અવસાન પામ્યા. અન્ય લેખકોનું એવું વિધાન છે કે જંગબહાદુરે જુઠ્ઠો અહેવાલ નાનાસાહેબને અંગ્રેજોથી બચાવવા તેમજ પોતાના રાજ્યને અંગ્રેજોથી રક્ષવા માટે મોકલ્યો હતો. ખરેખર તો નાનાસાહેબ તરાઈના જંગલમાં છૂપા વેશે ચાલ્યા ગયા હતા. વાસ્તવમાં તેમના નાના ભાઈ બાલાસાહેબનું અવસાન થયું હતું.
મોટાભાગના ઇતિહાસકારોએ જણાવ્યું છે કે તરાઈના જંગલમાંથી નાસી ગયા બાદ નાનાસાહેબ છૂપા વેશે ભારતમાં વિવિધ સ્થળોએ ફર્યા હતા. પોતાની ધરપકડ (1861) પહેલાં રામાદીન નામના સિપાઈએ પોતે ડિસેમ્બર, 1860માં નાનાસાહેબ સાથે હોવાનું લિખિત નિવેદન સરકારને આપ્યું હતું. જંગબહાદુરે નાનાસાહેબનાં પત્ની કાશીબાઈ અને તેમનાં કુટુંબીજનોને અપાયેલ આશ્રય ચાલુ રાખ્યો હતો. 1864માં ખટમંડુમાં કાશીબાઈના પિતાએ તેની પુત્રીની મુલાકાત લીધી ત્યારે કાશીબાઈનો સધવા જેવો પોશાક, કપાળમાં ચાંદલો તથા હાથમાં બંગડીઓ જોઈને તેમને નવાઈ લાગી હતી. ખટમંડુમાંના અંગ્રેજ પ્રતિનિધિ કર્નલ રામસેએ નાનાસાહેબના મૃત્યુ અંગે શંકા વ્યક્ત કરતો પત્ર પોતાની સરકારને લખ્યો હતો. વિશેષમાં હિન્દની અંગ્રેજ સરકારે પણ 1861થી 1875ની વચ્ચે નાનાસાહેબ જેવી લાગતી કેટલીક વ્યક્તિઓની ધરપકડ કરી હતી. આ હકીકત સૂચવે છે કે અંગ્રેજ સરકારને પણ નાનાસાહેબના તરાઈના જંગલમાં થયેલ કહેવાતા મૃત્યુ વિશે શંકા હતી.
સાંયોગિક પુરાવાના આધારે કહી શકાય કે નાનાસાહેબ નેપાળથી નીકળીને સૌરાષ્ટ્રના મોરબી શહેરમાં આવ્યા અને ત્યાં રહ્યા બાદ ભાવનગર જિલ્લાના શિહોર ગામ પાસે ટેકરીઓ વચ્ચે આવેલ બ્રહ્મકુંડ (ગૌતમેશ્વર) નામની જગ્યામાં વસ્યા. તેમણે પોતાનું નામ દયાનંદ સ્વામી રાખેલ. દયાનંદ નાનાસાહેબ પેશવા હોવાના સાંયોગિક પુરાવા આ પ્રમાણે છે :
પોતાની સેવા તેમજ રસોઈ કરનાર બાઈ જડીબેનને દયાનંદે પોતે નાનાસાહેબ હોવાનું પોતાના અવસાન (1902 –03) પહેલાં જણાવેલ અને આ હકીકત કોઈને નહિ કહેવા તેમણે તેને સૂચના આપેલ. લડાઈઓમાં થયેલ હોય તેવા ઘાવ દયાનંદના શરીર પર હતા. દયાનંદ વ્યક્તિત્વમાં રાજવંશી કુટુંબના લાગતા હતા. તેમની રીતભાત અને ખોરાકની ટેવો મહારાષ્ટ્રિયન હતી. દયાનંદ વિઠોબા, દતાત્રેય, ગણેશ, રુક્મિણી, તુલજા ભવાનીની પૂજા કરતા, જે મરાઠા તેમજ પેશવાનાં દેવ-દેવીઓ હતાં. દયાનંદે પોતાને બેસવા માટે બનાવેલ પથ્થરની બેઠક પુણેના પેશવાના શનિવારવાડાના મહેલની પથ્થરની બેઠકને મળતી હતી. દયાનંદ પ્રતિવર્ષ બ્રાહ્મણ કન્યાઓનાં લગ્નમાં કન્યાદાન તરીકે સોનામહોરો આપતા, જે પેશવા પરિવારનો પરંપરાગત રિવાજ હતો.
દયાનંદની હાલમાં પણ બ્રહ્મકુંડ પાસે સમાધિ છે. ઉપરની દલીલોને આધારભૂત પુરાવાની આવશ્યકતા હોવા છતાં નાનાસાહેબે વિપ્લવમાં જોડાયા બાદ અંગ્રેજો સામે વીરતાપૂર્વક લડીને દેશને ખાતર ખુવાર થવાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું તે નિર્વિવાદ છે.
રમણલાલ ક. ધારૈયા