નાનાં પર્ણનો રોગ : રીંગણમાં માઇકોપ્લાઝ્મા નામના સૂક્ષ્મ પરજીવીથી થતો રોગ. તેના આક્રમણને લીધે પાનની પેશીઓની લંબાઈ ઘટે છે. તેથી તેનાં પાન અને ડાળીઓ ખૂબ જ નાનાં/ટૂંકાં રહી જાય છે, અને છોડ ઉપર એક જગ્યાએથી નાની ડાળીઓ નીકળે છે. આંતરગાંઠ વચ્ચેની લંબાઈ ઘટી જવાના લીધે બધાં પાનો એક જ  જગ્યાએથી નીકળતાં હોય તેવું દેખાય છે. આવા છોડ ઉપર આવતાં ફૂલ વિકૃત બને છે. અને છોડ પર ફળ બેસતાં નથી. છોડ વાંઝિયો થઈ જાય છે. કદાચ એકબે ફળ બેસે તોપણ તે નાના સખત માવાવાળાં હોય છે. આવો છોડ મૃત્યુ પામતો નથી. પરંતુ તે દેખાવે ઘેરા લીલા રંગનાં અસંખ્ય નાનાં પાન–ડાળીવાળો અને બટકો લીલોછમ બને છે.

દૂધી, કારેલાં, તૂરિયાં, ગલકાં, મેંદી અને ગાજરને પણ આ માઇકોપ્લાઝ્માની અસર હેઠળ રોગ થાય છે. આ રોગના પ્રતિકાર રૂપે પ્રાથમિક ચેપવાળા છોડોને શરૂઆતથી જ ઉપાડી, બાળીને નાશ કરાય. માઇકોપ્લાઝ્માનો ફેલાવો તડતડિયાં પ્રકારની જીવાત કરતી હોવાથી પાક ઉપર શોષક પ્રકારની જંતુનાશક દવાનો છંટકાવ કરવો પડે છે.

હિંમતસિંહ લાલસિંહ ચૌહાણ