નાટ્યસિદ્ધાંત : સંસ્કૃત નાટ્યનાં મૂળ તત્વો વિશે વિચાર. સંસ્કૃત સાહિત્યાચાર્યોએ કાવ્યના બે પ્રકાર પાડ્યા છે : શ્રાવ્ય અને દૃશ્ય. તેમાં દૃશ્ય કાવ્ય એટલે નાટ્ય અથવા રૂપક. દૃશ્ય કાવ્ય એવા રૂપક કે નાટ્યમાં રંગમંચની કેટલીક મર્યાદાઓ અને પ્રેક્ષકોની અનેકવિધ રુચિઓનું સમાયોજન આવશ્યક છે, તેમાં સાહિત્યિક તત્વ ઉપરાંત અભિનયકલા પણ સમાવિષ્ટ છે તેથી તેનું એક અલગ શાસ્ત્ર કે તેનો અલગ સિદ્ધાંત છે. તે જ છે નાટ્યસિદ્ધાંત.
આ નાટ્યસિદ્ધાંતનું નિરૂપણ ભરતરચિત ‘નાટ્યશાસ્ત્ર’, ‘દશરૂપક’, ‘નાટ્યદર્પણ’ અને ‘સાહિત્યદર્પણ’ જેવા શાસ્ત્રીય ગ્રંથોમાં થયું છે. તદનુસાર તેના ત્રણ મુખ્ય ઘટક છે – વસ્તુ, નેતા (નાયક) અને રસ.
1. વસ્તુ અથવા તો કથાવસ્તુ કે ઇતિવૃત્તના સ્રોતની દૃષ્ટિએ ત્રણ પ્રકાર છે. પ્રખ્યાત એટલે કે ઇતિહાસ કે પુરાણ વગેરેમાં જાણીતું, ઉત્પાદ્ય એટલે કે કવિકલ્પિત અને મિશ્ર અર્થાત્ ઉપરના બંને પ્રકારના મિશ્રણથી યુક્ત.
એક અન્ય દૃષ્ટિએ પણ વસ્તુ બે પ્રકારનું બને છે. મુખ્ય અર્થાત્ નાટ્યના નાયકને લગતું કથાનક અને પ્રાસંગિક (ગૌણ). મુખ્ય કથાને પોષક એવા કથાનકને પ્રાસંગિક કહે છે.
રંગમંચ પરની અભિવ્યક્તિની દૃષ્ટિએ પણ વસ્તુના બે ભેદ કરવામાં આવે છે : દૃશ્ય અથવા અભિનેય અને સૂચ્ય. (‘નાટ્યદર્પણ’ તેમાં બીજા બે ઉમેરે છે : અભ્યૂહ્ય અથવા કલ્પનીય અને ઉપેક્ષ્ય); પરંતુ તેમનો સમાવેશ સૂચ્યમાં થઈ શકે છે. તેમાં જે મંચ પર પ્રત્યક્ષ રજૂ થાય છે તે વસ્તુ તે દૃશ્ય છે; પરંતુ જેનો પાત્રો દ્વારા કેવળ ઉલ્લેખ થાય છે તે સૂચ્ય છે. જેનાથી નીરસતા થાય અથવા તો સુરુચિની દૃષ્ટિએ જેની પ્રત્યક્ષ રજૂઆત અનુચિત હોય પણ છતાંયે જેનો સંદર્ભ જરૂરી હોય એવી ઘટનાનું સૂચન, સૂચ્ય દ્વારા થાય છે. શાસ્ત્રીય ભાષામાં તેને અર્થોપક્ષેપક કહે છે. આ અર્થોપક્ષેપકના પણ પાંચ પ્રકાર છે : વિષ્કમ્ભક, પ્રવેશક, અંકાસ્ય, ચૂલિકા અને અંકાવતાર.
પૂર્વે થઈ ગયેલી કોઈ ઘટના જ્યારે ઉપર દર્શાવેલ કારણે મંચ પર પ્રસ્તુત ન કરાઈ હોય ત્યારે તેનું અનુસંધાન જાળવી કથાપ્રવાહના સાતત્ય માટેની વિષ્કમ્ભક કે પ્રવેશકનું આયોજન કરવામાં આવે છે. આમાં કેટલીક વાર ભવિષ્યમાં થનાર ઘટનાનું પણ સૂચન હોય છે. આ ઉદ્દેશના સંદર્ભે વિષ્કમ્ભક અને પ્રવેશકનું પ્રયોજન સરખું છે; તોપણ બંનેમાં થોડો ભેદ છે. વિષ્કમ્ભક હંમેશાં અંકના આરંભે આવે છે. તેમાં બધાં જ પાત્રો જો સંસ્કૃત ભાષાનો જ પ્રયોગ કરે તો તે શુદ્ધ વિષ્કમ્ભક છે અને જો કેટલાંક સંસ્કૃતનો અને બીજાં પ્રાકૃત ભાષાનો પ્રયોગ કરે તો તે સંકીર્ણ કે મિશ્ર વિષ્કમ્ભક કહેવાય છે. જ્યારે પ્રવેશક હંમેશ બે અંકોની વચ્ચે જ આવે છે. તેનો પ્રયોગ પહેલા અંકમાં થતો નથી અને તેમાં બધાં જ પાત્રો પ્રાકૃત ભાષામાં બોલે છે કારણ કે ઘણું કરીને આ પાત્રો સમાજની નીચલી કક્ષાનાં એટલે કે દાસ, દાસી જેવાં હોય છે. કોઈ અંકના અંતમાં કોઈ પાત્ર કોઈ બાબતનો ઉલ્લેખ કરે અને તે જ પ્રમાણે પછીના અંકનો આરંભ થાય ત્યારે પૂર્વના અંકમાં અધૂરી રહેલી બાબતનું અનુસંધાન બીજા અંકના આરંભ સાથે જોડાઈ જાય છે. તે અંકાસ્ય કે અંકમુખ છે. નેપથ્યમાં રહેલા કોઈ પાત્ર દ્વારા કરાતું સૂચન એ ચૂલિકા છે અને પૂર્વના અંકનાં પાત્રો અને પ્રસંગથી બીજો અંક શરૂ થાય અને કથાવસ્તુનો દોર ચાલુ રહે ત્યારે તે અંકાવતાર અર્થોપક્ષેપક છે.
કથાવસ્તુમાં પાત્રો દ્વારા થતી અભિવ્યક્તિ પણ પાંચ પ્રકારની છે : પ્રકાશ – તેમાં સર્વ પાત્રો સાંભળે તેવી ઉક્તિ હોય છે. સ્વગત – કોઈ પાત્ર પોતે જ પોતાના મનમાં વિચાર કરે જે અન્ય પાત્રો ન સાંભળે તેવું કથન (જોકે પ્રેક્ષકો તો તે સાંભળે જ છે). અપવારિત – અહીં એક પાત્ર પીઠ ફેરવી બીજા કોઈ પાત્ર સાથે ખાનગીમાં વાત કરે છે. જનાન્તિક – બધાં પાત્રોની હાજરીમાં કોઈ પાત્રો, અનામિકાને અંગૂઠાથી દબાવી શેષ ત્રણ આંગળીઓથી ત્રિપતાકા રચી ઓષ્ઠ પર રાખી ગોપનીય વાત કરે છે, અને જ્યારે મંચ પરનું કોઈ પાત્ર, ત્યાં ઉપસ્થિત ન હોય તેવા કોઈ પાત્ર સાથે ઊંચે – આકાશ તરફ મોં રાખી વાત કરે ત્યારે તે આકાશભાષિત કહેવાય છે.
2. નાયક : નાટકમાં ઉદ્દિષ્ટ પ્રધાન ફળની પ્રાપ્તિ કરનાર પાત્ર તે નાયક છે. સંસ્કૃત સાહિત્યાચાર્યોએ નાયકમાં ઉચ્ચ ગુણો હોવા આવશ્યક માન્યા છે. (જોકે પશ્ચિમી વિચારધારામાં નાયકોમાં કેટલીક નબળાઈ હોય તો તે ક્ષમ્ય ગણી છે.) એટલે નાયક હંમેશાં ‘ધીર’ હોવો જોઈએ અને એ રીતે નાયકના પ્રમુખ ધીરોદાત્ત, ધીરોદ્ધત વગેરે મુખ્ય ભેદ પાડ્યા છે. (જુઓ : નાયકપ્રભેદો). નાયકને સહાયક એવાં ગૌણ પાત્રો પણ હોય છે. તેમાં પોતાની આકૃતિ, ઉક્તિ, ચેષ્ટા અને વેષથી, હાસ્ય નિપજાવતો વિદૂષક નોંધપાત્ર છે.
નાયકની જેમ નાટકમાં નાયિકા પણ પ્રધાન ફળ મેળવનાર પાત્ર છે. વિશેષત: શૃંગારરસપ્રધાન નાટકમાં તેની ભૂમિકા મહત્વની બની રહે છે. નાયિકાના પણ અનેક દૃષ્ટિએ ભેદ પાડવામાં આવ્યા છે. (જુઓ : નાયિકાપ્રભેદો.)
3. રસ : આચાર્યોએ રસને કાવ્યનો આત્મા કહ્યો છે; પરંતુ અભિનવગુપ્તના મત અનુસાર રસનો સંપૂર્ણ આનંદ તો ચિત્રપટની જેમ કેવળ નાટકમાં જ મળે છે; કારણ કે અહીં દૃશ્ય અને શ્રાવ્યનું સુભગ સંયોજન હોય છે. નાટકમાં દર્શાવાતો સર્વ ક્રિયાકલાપ અંતે તો રસનિષ્પત્તિ દ્વારા ભાવકને પરમ આનંદ આપવા માટે જ હોય છે. વ્યક્તિમાત્રમાં કેટલીક વાસના અથવા કેટલાક સંસ્કારો જન્મજાત અવસ્થિત હોય છે. તેને સ્થાયી ભાવ કહે છે. રતિ, હાસ વગેરે નવ સ્થાયી ભાવો છે. નાટકમાં રંગસજ્જા વગેરે દ્વારા શક્ય બનતા વિભાવ, અનુભાવ અને સંચારી ભાવોના સંયોગથી સ્થાયી ભાવ રસ રૂપે નિષ્પન્ન થાય છે. રસની સંખ્યા પણ શૃંગાર, હાસ્ય, વીર વગેરે નવની છે. સંસ્કૃત નાટકમાં શૃંગાર કે વીર મુખ્ય રસ હોય છે. ક્યારેક કરુણ પણ હોય છે. શેષ રસોનું નિર્વહણ ગૌણ રૂપે અને તે પણ મુખ્ય રસની પુષ્ટિ માટે કરવામાં આવે છે. (જુઓ : ‘રસ’.)
નાટ્યસિદ્ધાંતમાં આ ત્રણ ઉપરાંત નીચેનાં તત્વો પણ સ્વીકારાયાં છે :
4. ફલ: ધર્મ, અર્થ અને કામ આ ત્રણમાંથી કોઈ એક પુરુષાર્થની સિદ્ધિ દ્વારા ઈપ્સિત ફલ નાયકને પ્રાપ્ત થાય એ પ્રકારે કથાગુંફન જરૂરી છે.
5. એ માટે નાયકની પાંચ અવસ્થાઓ વર્ણિત કરવામાં આવે છે : આરંભ, યત્ન, પ્રાપ્ત્યાશા, નિયતાપ્તિ અને ફલાગમ.
6. નાટકમાં ફલપ્રાપ્તિના પાંચ હેતુઓ છે : બીજ, બિંદુ, પતાકા, પ્રકરી અને કાર્ય. આ પાંચને અર્થપ્રકૃતિ કહે છે. ‘નાટ્યદર્પણ’માં તેને ‘ઉપાય’ એવી સંજ્ઞા આપી છે.
7. મુખ્ય પ્રયોજનને કેન્દ્રમાં રાખી ભિન્ન ભિન્ન કથાંશોની સમુચિત ગૂંથણી નાટકમાં અત્યંત મહત્વની છે. આ ગૂંથણી કે સંધાનને સંધિ કહે છે. ‘દશરૂપક’ના કર્તા ધનંજયના મત પ્રમાણે આરંભ વગેરે પાંચ અવસ્થાઓનો બીજ વગેરે પાંચ અર્થપ્રકૃતિ સાથેનો યથાક્રમ સન્નિવેશ તે સંધિ છે. સંધિ પાંચ પ્રકારની છે : મુખ, પ્રતિમુખ, ગર્ભ, વિમર્શ અને નિર્વહણ. આ પ્રત્યેકનાં પણ અનુક્રમે 12, 13, 13, 13 અને 14 એમ અંગો છે. તેમને સંધ્યંગ કહે છે.
8. નાટકના કાર્યવેગ માટે ભરતે વૃત્તિનું મહત્વ દર્શાવ્યું છે અને વૃત્તિને નાટકની માતા કહી છે. વૃત્તિ એ પુરુષાર્થસાધક વ્યાપાર છે અથવા તો કાયા, વચન અને મનની વિવિધરંગી ચેષ્ટા તે જ વૃત્તિ છે. વૃત્તિ ચાર પકારની છે : ભારતી, સાત્વતી, કૈશિકી અને આરભટી. તેમનો સંબંધ અનુક્રમે, વચન, મનોભાવ, સુકુમાર ચેષ્ટા અને ઉદભટ ચેષ્ટા સાથે છે. તેમનાં પણ અંગો છે.
9. અભિનેય રૂપક અભિનેય કાવ્ય પણ છે. અભિનય એ ભાવ અને અર્થસંક્રમણનું સશક્ત માધ્યમ છે. તેના ચાર પ્રકાર છે : વાચિક (વાણીનો), આંગિક (શરીરનાં અંગોનો), સાત્વિક (મનોભાવનો) અને આહાર્ય (વેશભૂષા વગેરે બાહ્ય પરિવેશનો) અભિનય. ચેષ્ટા, મુદ્રા, અંગ-વિક્ષેપ વગેરેના સંદર્ભે આ ચતુર્વિધ અભિનયમાં પણ વિવિધ અંગોની નાટ્યશાસ્ત્રમાં વ્યાપક ચર્ચા થઈ છે.
આ ઉપરાંત પ્રસ્તાવના, પ્રરોચના, વીથ્યંગ, નાંદી, પતાકાસ્થાન વગેરે પણ નાટ્યકલાના અંશો છે. તે બધું મળી નાટ્યસિદ્ધાંત સંપૂર્ણ બને છે.
વસંત પરીખ