નાટ્યાચાર્ય દેવળ (1967) : મરાઠી જીવનચરિત્ર. મરાઠી રંગભૂમિના વિકાસમાં ગોવિંદ બલ્લાળ દેવળનું વિશિષ્ટ સ્થાન છે. મરાઠી સંગીતનાટકની પરંપરાને એમણે ઘટ્ટ સ્વરૂપ આપ્યું અને અનેક સંગીતનાટકો લખ્યાં અને એની ભજવણી વિશે માર્ગદર્શન આપ્યું તથા અનેકને નાટ્યલેખન તથા અભિનય વિશે શિક્ષણ આપ્યું; એ કારણે એ નાટ્યાચાર્યનું બિરુદ પામ્યા. એમનાં પોતાનાં રચેલાં અને ભજવાયેલાં નાટકોમાં ‘સંગીત શારદા’ (1886), ‘દુર્ગા’ (1887), ‘સંગીત વિક્રમોર્વશીય’ (1896) તથા ‘સંગીત સંશયકલ્લોળ’ (1916) ઉલ્લેખનીય છે. એમની નાટ્યપ્રવૃત્તિઓને કેન્દ્રમાં રાખીને એમનું જીવનચરિત્ર શ્રીનિવાસ નારાયણ બનહટ્ટીએ ‘નાટ્યાચાર્ય દેવળ’ –  એ નામે લખ્યું છે. એમાં દેવળના નાટ્યસાહિત્ય તથા નાટ્યકલામાં પ્રદાન વિશે વિગતપૂર્ણ આલેખન થયું છે. એમના એ પુસ્તકને 1969માં સાહિત્ય અકાદમીનો વર્ષના શ્રેષ્ઠ મરાઠી પુસ્તકનો ઍવૉર્ડ મળ્યો હતો.

અરુંધતી દેવસ્થળે