નાટ્યસંગ્રહાલય : જેમાં રંગભૂમિવિષયક દસ્તાવેજો, સંનિવેશ, હાથસામગ્રી, પોશાકો, તસવીરો, પુસ્તકો વગેરે ઐતિહાસિક સાહિત્ય સચવાય અને અભ્યાસુઓને ઉપલબ્ધ બને તેને માટે છૂટાછવાયા પ્રયત્નો ગુજરાતમાં અને ભારતમાં અનેક સ્થળે થયા છે. મોરબીમાં ‘શ્રી નાટ્યકલા ચૅરિટેબલ ટ્રસ્ટ’ દ્વારા 1965થી આરંભાયેલ નાટ્યકલા સંગ્રહસ્થાનમાં ગુજરાતી થિયેટરની તસવીરો, નાટ્યકૃતિઓ, હસ્તપ્રતો, ઑપેરા બુકો અને કેટલીય હાથસામગ્રી સચવાયેલી છે. એનું આયોજન મહેન્દ્ર દવે કરે છે. સંનિવેશકાર નારણભાઈ મિસ્ત્રીએ કેટલાંય નાટકોના સંનિવેશોની તસવીરો, નમૂનાઓ વગેરે જાળવવા આયોજન કર્યું છે. અમદાવાદમાં ધીરેન્દ્ર સોમાણીએ ગુજરાતી રંગભૂમિની ઘણી અસાધારણ સામગ્રી એકત્ર કરી છે. એમાં નાટ્યસમીક્ષાઓની પ્રતો, અલભ્ય નાટ્યકૃતિઓ, તસવીરો વગેરેનો સમાવેશ થાય છે. વડોદરામાં નરેન્દ્ર શ્રીમાળીએ ગુજરાતી રંગભૂમિનાં ગીતોની પાંચ હજાર જેટલી ગ્રામોફોન રેકર્ડ એકત્ર કરી છે, જેનાથી જૂની રંગભૂમિનાં ગીત-સંગીતની સમૃદ્ધિ અને લોકપ્રિયતાનો અંદાજ આવી શકે. મોડાસા કૉલેજ પાસે એ જ રીતે ધંધાદારી ગુજરાતી રંગભૂમિની 52 જેટલી હસ્તપ્રતો સાચવવાની ધીરુભાઈ ઠાકરે વ્યવસ્થા કરી છે. મુંબઈમાં ગુજરાતી નાટ્યમંડળ દ્વારા પણ 1952માં રંગભૂમિ શતાબ્દી મહોત્સવ પછી ગુજરાતી રંગભૂમિના ઇતિહાસલેખનમાં ઉપયોગી બનતી વિપુલ સામગ્રી એકત્ર થઈ હતી. મુંબઈમાં જ નૅશનલ સેન્ટર ફૉર પર્ફૉર્મિંગ આર્ટ્સમાં મુખ્યત્વે મરાઠી અને ગુજરાતી થિયેટર વિશેનું ઐતિહાસિક સાહિત્ય, તસવીરો અને મુલાકાતોનું ધ્વનિમુદ્રણ ભેગું કરવામાં આવ્યું છે. દિલ્હીમાં ‘નટરંગ’ સંસ્થા તરફથી નેમિચંદ્ર જૈને આવા સંગ્રહસ્થાનનું આયોજન કર્યું છે. દિલ્હીની કેન્દ્રીય સંગીત-નાટ્ય એકૅડેમીના પુસ્તકાલયમાં અને કેન્દ્ર સરકારનાં આકાશવાણી અને દૂરદર્શનના આર્કાઇવ્ઝમાં પણ રંગભૂમિવિષયક દૃશ્ય અને શ્રાવ્ય મુદ્રણો ભેગાં કરવામાં આવ્યાં છે. કૉલકાતામાં નાટ્ય શોધ સંસ્થાન દ્વારા પ્રતિભા અગ્રવાલે દેશભરની રંગભૂમિ વિશેના અગત્યના દસ્તાવેજો અને દૃશ્ય સામગ્રી એકત્ર કરી છે.

એ જ રીતે બટુભાઈ ઉમરવાડિયા ડ્રામેટિક રિસર્ચ અને ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ – ‘બુડ્રેટી’ થિયેટર મીડિયા સેન્ટર આર્કાઇવ્ઝ નામે આર્કાઇવ્ઝમાં જૂની નવી રંગભૂમિનાં નાટકોની હસ્તપ્રતો, ઑપેરા બુકો, જૂનાં પ્રસિદ્ધ પુસ્તકો, નાટકોના પરદા, પોશાકો, હાથસામગ્રી, પાઘડીઓ, તસવીરો, રેખાચિત્રો વગેરે વિપુલ પ્રમાણમાં મળ્યાં છે. આવું નાટ્ય-સંગ્રહાલય રંગમંચને એ રીતે જીવંત કરે છે, જે વિદ્યાર્થીઓને ભૂતકાળથી વાકેફ કરે, નવા મંચન-પ્રયોગો માટે પ્રોત્સાહિત કરે અને પ્રેક્ષકોમાં પ્રસ્તુતિ સાક્ષરતા કેળવાય અને એ રીતે નાટ્યકલા જીવનને સમૃદ્ધ કરે.

હસમુખ બારાડી