નાટ્ટા, ગુલિયો (જ. 26 ફેબ્રુઆરી 1903, જેનોઆ નજીક ઇમ્પેરિયામાં; અ. 2 મે 1979, બર્ગેમો, ઇટાલી) : નોબેલ પુરસ્કાર વિજેતા રસાયણશાસ્ત્રી. તેમના પિતા જાણીતા ન્યાયાધીશ હતા. શરૂઆતમાં નાટ્ટાએ જેનોઆ વિશ્વવિદ્યાલયમાં ગણિતશાસ્ત્રનો અભ્યાસ કર્યા બાદ મિલાન પૉલિટૅકનિક ઇન્સ્ટિટ્યૂટમાં રાસાયણિક ઇજનેરી ભણીને 21 વર્ષની ઉંમરે ડૉક્ટરેટ મેળવી તથા ત્રણ વર્ષ બાદ Libero Docente (શીખવવા માટેની ઉપાધિ) મેળવીને મિલાનમાં તેઓ આસિસ્ટન્ટ લેક્ચરર તરીકે જોડાયા. 1933માં પાવિયા યુનિવર્સિટીમાં પ્રોફેસર ઑવ્ જનરલ કેમિસ્ટ્રી તરીકે તથા બે વર્ષ બાદ રોમમાં ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ફિઝિકલ કેમિસ્ટ્રીના ડિરેક્ટર નિમાયા. 1937માં ટ્યૂરિનમાં પ્રોફેસર ઑવ્ કેમિસ્ટ્રી તરીકે જોડાયા તથા 1938થી મિલાન ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ઇન્ડસ્ટ્રિયલ કેમિસ્ટ્રીના પ્રોફેસર તથા ડિરેક્ટર તરીકે છેક 1973માં નિવૃત્ત થયા ત્યાં સુધી રહ્યા.
કારકિર્દીની શરૂઆતનાં વર્ષોમાં તેમણે ખનિજોના બંધારણ-રસાયણ અંગે તથા કેટલાક ઔદ્યોગિક પ્રક્રમોમાં વિષમાંગ ઉદ્દીપકો તરીકે વપરાતા અકાર્બનિક પદાર્થો અંગે સંશોધન કર્યું. આ સંશોધનો મિથેનોલ, ફૉર્માલ્ડિહાઇડ, બ્યુટિરાલ્ડિહાઇડ તથા સક્સીનિક ઍસિડના ઔદ્યોગિક ઉત્પાદન માટેનાં પાયારૂપ સંશોધનો ગણાય છે. નાટ્ટાએ 1938માં સંશ્લેષિત રબરના ઉત્પાદન માટેનો પ્રૉજેક્ટ શરૂ કર્યો અને રાસાયણિક સંશ્લેષણમાં ઑલેફીન તથા ડાઇઑલેફીન જેવા પેટ્રોલિયમ વ્યુત્પન્નોને કાચા માલ તરીકે વાપરવા અંગે સંશોધનો કર્યાં.
1953માં નાટ્ટાએ બૃહદણુઓ(macromolecules)નો સઘન અભ્યાસ શરૂ કર્યો. ઇટાલીની સૌથી મોટી રસાયણ કંપની મોન્ટેકેટીનીના તેઓ સલાહકાર હતા તથા આ કંપનીએ તેમના સૂચનથી ઝિગ્લર(નોબેલ વિજેતા)ના સંશોધન(એલિફેટિક સંયોજનોનાં કાર્બધાત્વીય સંશ્લેષણોની ઔદ્યોગિક રીત અંગે)ના હકો ખરીદી લીધા. ઝિગ્લરે વિકસાવેલા ઉદ્દીપકો વાપરીને તેઓ એકસરખી રીતે ગોઠવાયેલા મિથાઇલ સમૂહ ધરાવતા આઇસોટેક્ટિક પૉલિપ્રોપિલીન મેળવવામાં સફળ રહ્યા. આવાં બહુલકોનું ઊંચું સામર્થ્ય તથા ઊંચા ગ.બિં.ના ગુણધર્મોને લીધે આ બહુલકો ખૂબ અગત્યની વ્યાપારી નીપજો સાબિત થયાં. વિશ્વની અનેક કંપનીઓએ પ્રોપિલીનના બહુલીકરણની પ્રક્રિયાઓ શરૂ કરી અને પૉલિપ્રોપિલીન ટૂંક સમયમાં જ એક નવા અતિ અગત્યના પ્લાસ્ટિક તરીકે સ્વીકારાયું.
નાટ્ટા નમ્ર સ્વભાવના, સાદા, સામાન્ય બાંધાવાળા હતા. તેમનાં સંશોધનો જાણવા તથા તેનો ઔદ્યોગિક વિકાસ જોવા આવનારા આગંતુકો પ્રત્યે સહાનુભૂતિ દર્શાવતા. તેઓ પર્વતખેડુ પણ હતા. જીવાશ્મો (fossils) સંઘરવાનો તેમને શોખ હતો.
ઉચ્ચ બહુલકોના રસાયણ અને ટૅક્નૉલૉજીના ક્ષેત્રે તેમના સંશોધન બદલ ઝિગ્લર અને નાટ્ટાને 1963નો રસાયણશાસ્ત્ર માટેનો નોબેલ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો.
જગદીશ જ. ત્રિવેદી