નાજેલી, કાર્લ વિલ્હેમ (જ. 27 માર્ચ 1817, કિલ્ચબર્ગ, સ્વિટ્ઝરર્લૅન્ડ; અ. 20 મે 1891, મ્યૂનિક, જર્મની) : વનસ્પતિકોષો પરના સંશોધન માટે જાણીતા સ્વિસ વનસ્પતિશાસ્ત્રી.
નાજેલીએ શરૂઆતમાં જર્મન પ્રકૃતિવિજ્ઞાની લૉરેન્ઝ ઑકેન પાસે તાલીમ લીધેલી. ત્યારપછી જિનીવા યુનિવર્સિટીના ઑગસ્ટિન પાયરેમ ડીર્કન્ડોલે અને જેના યુનિવર્સિટીના મેથ્યાસ જેકોબ શ્લેઇડનના માર્ગદર્શન હેઠળ વનસ્પતિશાસ્ત્રનો અભ્યાસ કર્યો. તેમણે ઝુરિક, ફ્રીબર્ગ અને મ્યૂનિક યુનિવર્સિટીના પ્રાધ્યાપક તરીકે કારકિર્દીનો પ્રારંભ કર્યો.
25 વર્ષની ઉંમરે તેમણે સપુષ્પ વનસ્પતિઓમાં પરાગરજનિર્માણ અને કોષવિભાજન પર અત્યંત ચોકસાઈપૂર્વક સંશોધનપત્ર લખ્યું. તેમણે અસ્થાયી (transitory) સાઇટોબ્લાસ્ટ્સની નોંધ આપી. આ રચનાઓ પાછળથી રંગસૂત્રો તરીકે ઓળખાવાઈ. તેમણે એકકોષી લીલમાં પરાસરણ(osmosis)ની પ્રક્રિયા પર અને હંસરાજમાં પુંધાની (antheridiam) અને પુંજન્યુઓ (spermatozoids) પર સંશોધનો કર્યાં.
તેમણે વનસ્પતિશાસ્ત્રમાં ‘વિભજ્યોતક’(meristem)ની સંકલ્પના રજૂ કરી. તેમના મત અનુસાર ‘વિભજ્યોતક’ વનસ્પતિકોષોનો વિભાજન પામવાની ક્ષમતા ધરાવતો સમૂહ છે. તેમણે લંબવૃદ્ધિ માટેના આરંભબિંદુરૂપ અગ્રસ્થ કોષોનો સૌપ્રથમ વાર યથાર્થ હેવાલ આપ્યો અને દર્શાવ્યું કે અગ્રસ્થ કોષો જ વનસ્પતિમાં વિભજ્યોતક વૃદ્ધિ માટેનું મુખ્ય સ્થાન છે. જોકે આ માન્યતા ભૂલભરેલી હતી. તેમણે 1858માં વનસ્પતિના વિવિધ ભાગોનું સ્વરૂપ નક્કી કરવામાં કોષવિભાજનના અનુક્રમની અગત્ય સમજાવી. સ્ટાર્ચનાં વિવિધ સ્વરૂપોના અભ્યાસ દરમિયાન તેમણે પરિકલ્પનાત્મક એકમરચના(micella)નું સૂત્રીકરણ કર્યું. આ સંકલ્પના મંડકણોની રચનાની સમજૂતી માટે પાયારૂપ બની.
નાજેલી અને જર્મન વનસ્પતિશાસ્ત્રી હ્યૂગો વૉન મોલે વનસ્પતિ કોષદીવાલને કોષમાં રહેલાં દ્રવ્યોથી સૌપ્રથમ વાર સ્પષ્ટ રીતે અલગ ઓળખી બતાવી. વૉન મોલે (1846) કોષમાં રહેલા દ્રવ્યનું ‘જીવરસ’ (protoplasm) નામ આપ્યું. નાજેલીના મત મુજબ જીવરસના નિશ્ચિત ભાગમાંથી કોષો આનુવંશિક લક્ષણો પ્રાપ્ત કરે છે. આ ભાગને ‘ઇડિયો-પ્લાસ્મા’ તરીકે ઓળખાવ્યો. રાસાયણિક વિશ્લેષણ દ્વારા તેમણે જીવરસમાં નાઇટ્રોજનયુક્ત દ્રવ્યની હાજરીનું નિદર્શન કર્યું.
સ્વત:જનન (spontaneous generation) જાતિમાં ઉદ્ભવતી ભિન્નતાઓ પર પર્યાવરણની અસર થતી નથી અને ઉદવિકાસ કૂદકા (jumps) રૂપે થયેલો છે એવો નાજેલીનો દૃઢ મત હતો. તેમના મત પ્રમાણે ભિન્નતા અંતર્ગત બળ દ્વારા ઉત્પન્ન થાય છે; જેથી નિશ્ચિત દિશામાં (દા. ત., કદમાં વધારો) ઉદવિકાસકીય પરિવર્તનો થાય છે. આ માન્યતાને લીધે તેમણે ગ્રેગર જહૉન મૅંડલના સંશોધનપત્રનો અસ્વીકાર કર્યો. જોકે ગ્રેગર મૅંડલનું કાર્ય 40 વર્ષ પછી પુન:સંશોધિત થયું અને તેમના આનુવંશિકતાના નિયમો વિજ્ઞાનજગતમાં ફરીથી પ્રચલિત બન્યા.
બળદેવભાઈ પટેલ