નાઝકી, અબ્દુલ રશીદી

January, 1998

નાઝકી, અબ્દુલ રશીદી (Nazki Rasheed) (. 8 સપ્ટેમ્બર 1931, બાદીપુર, કાશ્મીર; . 6 જાન્યુઆરી 2016, બાંદીપુર) : કાશ્મીરી કવિ, સંશોધક, પત્રકાર અને અનુવાદક. શિક્ષણ કાશ્મીર વિશ્વવિદ્યાલયમાં ઉર્દૂ વિષય સાથે એમ.એ.. કાશ્મીરી ભાષામાં પીએચ.ડી.ની ઉપાધિ મેળવનાર સૌપ્રથમ વ્યક્તિ. જમ્મુ અને કાશ્મીર અકાદમીની પત્રિકા ‘શીરાઝા’(ઉર્દૂ)ના સંપાદક.

અબ્દુલ રશીદી નાઝકી

‘એનસાઇક્લોપીડિયા કશ્મીરિયાના’ના મુખ્ય સંપાદક. કાશ્મીર વિશ્વવિદ્યાલયના કાશ્મીરી વિભાગના અધ્યક્ષ. વયમર્યાદાને કારણે પ્રાધ્યાપકપદેથી નિવૃત્ત. તેઓ અરબી, ફારસી અને અંગ્રેજી ભાષા પણ જાણે છે. એમની ચાર કૃતિઓ ‘કુલયાત-ઇ-નાદિમ’ (સંકલન), ‘ઝમઝમ’ (અનુવાદ), ‘રેશુત-ત સાની રેશ’ (સંશોધન) અને ‘વહરાત’ (કવિતાસંગ્રહ) નોંધપાત્ર છે. કાશ્મીરી સાહિત્યના વિકાસમાં તેમનું મહત્ત્વનું યોગદાન છે. અબદી મરકઝ કામરાઝના તેઓ સંસ્થાપક-અધ્યક્ષ છે.

‘વહરાત’ કાવ્યસંગ્રહને 1999ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો ઍવૉર્ડ એનાયત થયો છે. પુરસ્કૃત કૃતિ ગઝલો અને કવિતાના અન્ય પ્રકારોનું સંકલન છે. નાઝકી કાશ્મીરી કવિતાને શિષ્ટ (classical) કવિતાનો સ્વર, મિજાજ અને છંદ બક્ષે છે. એમણે પ્રયોજેલ અભિવ્યક્તિના કેટલાક નવા આયામો (dimensions), વિશિષ્ટ શબ્દાવલી અને રૂપરંગ કાશ્મીરી કવિતાના ક્ષેત્રે સવિશેષ ઉલ્લેખનીય છે. એ દૃષ્ટિએ પ્રસ્તુત કૃતિ ભારતીય કવિતામાં કવિનું મહત્ત્વપૂર્ણ યોગદાન છે.

વિ. પ્ર. ત્રિવેદી