નાગ (cobra) : ભારતમાં સર્વત્ર દેખાતો, સરીસૃપ વર્ગના સ્ક્વૅમાટા શ્રેણીના ઇલેપિડે કુળનો ઝેરી સાપ. ફેણ, નાગનું વિશિષ્ટ લક્ષણ. ત્રીજા ક્રમાંકથી ત્રીસ ક્રમાંકની પાંસળીઓ વચ્ચે આવેલું શરીર વિસ્તૃત બનવાથી ફેણનું નિર્માણ થાય છે. ફેણના પાછલા ભાગમાં ચશ્માંને મળતી એક આકૃતિ આવેલી હોય છે. આ આકૃતિ બે અથવા એક વર્તુળની બનેલી હોય છે. બે વર્તુળી ચશ્માંની આકૃતિ ધરાવતો નાગ ભારતના દ્વીપકલ્પ (peninsula) પ્રદેશમાં વસે છે. તેનું શાસ્ત્રીય નામ છે Naja naja naja. રંગે તે પીળો, ભૂખરો કે કાળો હોય છે. એક વર્તુળી આકૃતિ ધરાવતો નાગ પૂર્વ ભારતમાં જોવા મળે છે. તેનું શાસ્ત્રીય નામ છે Naja naja kaouthia. દક્ષિણ એશિયામાં રહેતો નાગરાજ (king cobra Naja hannah) પાંચ મીટરથી પણ વધુ લંબાઈ ધરાવે છે. તે ખૂબ જોખમકારક અને ભયંકર હોય છે. આ પ્રકારનો નાગ ફેણ ધરાવતો નથી. મોટાં પ્રાણીઓનો પણ ભક્ષ કરે છે.
નાગ ગાઢ જંગલમાં, ખુલ્લી ખેડાણ જમીન પર અને કેટલીક વાર માનવવસ્તીથી સહેજ દૂર પણ જોવા મળે છે. ઊધઈની માળ કે રાફડા, જમીનમાં આવેલ ઉંદર જેવાનાં દર, વૃક્ષોની બખોલ, ભાગ્યાંતૂટ્યાં ઘર, ઈંટ, રોડાં કે લાકડાંના ઢગલા જેવા સ્થળે તે ભરાઈ રહે છે. તેને પાણીની આસપાસ પણ જોઈ શકાય છે. તે કુશળ તરવૈયો છે. નાગની લંબાઈ 130થી 160 સેમી. જેટલી હોય છે. જોકે કેટલાક 225 સેમી. લાંબા પણ હોઈ શકે છે. નાગણની લંબાઈ સહેજ ઓછી હોય છે.
નાગની શ્રવણશક્તિ નહિવત્ છે. તે માત્ર જમીન પર અથડાતા તરંગોને શરીર મારફતે ઝીલી સાંભળી શકે છે. સાપનો ખોરાક ઉંદર, દેડકાં, તીતીઘોડા, ઈંડાં, નાનાં સરીસૃપો અને પક્ષીઓનો બનેલો છે. પ્રસંગવશાત્, તે સ્વજાતભક્ષી (cannibal) પણ બને છે. માનવને હાનિકારક તેવાં પ્રાણીઓને આરોગનાર સાપ એક ઉપયોગી પ્રાણી છે. સ્વભાવે તે બેફીકર હોય છે અને માનવ જેવાં પ્રાણીઓથી દૂર રહેવાનું પસંદ કરે છે. ખેતરોની વાડમાં રહેતો નાગ મનુષ્યની અવરજવરથી દરમાં ઘૂસી જાય છે. છંછેડવામાં આવતાં જ હુમલો કરે છે.
છંછેડાતાં નાગ વીફરે છે. ભયના સંકેતથી તે આગલા ભાગ વડે ઊભો રહે છે, ફેણને ડોલાવે છે. ફૂંફાડા મારે છે અને ડંખવાનો લાગ શોધે છે. જોકે ભયમુક્ત વાતાવરણ પ્રાપ્ત થતાં નાગ શાંત બની ત્યાંથી ચાલ્યો જાય છે. આથી ઊલટું ભયકારક પરિસ્થિતિ સરજાતાં તે ફેણને ચઢાવે છે. જીભને ધ્રુજાવે છે અને લાગ સાધીને કરડે પણ ખરો. તેનો ડંખ જીવલેણ હોઈ શકે છે. કેટલીક વાર નાગ ઝેરની પિચકારી છોડી આંખમાં બળતરા ઉત્પન્ન કરે છે. ક્યારેક માણસ આંધળો પણ બને છે.
વિષગ્રંથિ અને વિષ : જોડમાં આવેલ પૅરેટૉઇડ લાળગ્રંથિઓના સ્થાને વિષકોથળીઓ વિકાસ પામેલી છે. પ્રત્યેક ગ્રંથિ પોલા વિષદંત (fang) સાથે સંકળાયેલી છે. વિષદંતના નીચેના ભાગમાં આવેલું છિદ્ર સહેજ પહોળું જ્યારે ટોચે આવેલું છિદ્ર નાનું હોય છે. વિષ ચેતા-બાધક (neuro-toxin), હોવા ઉપરાંત તે રાતા કણો અને કોષોનું વિઘટન કરે છે અને રુધિર-જમાવટ પ્રક્રિયા અટકે છે. ચેતા પર થયેલ વિપરીત અસર હેઠળ શ્વસનતંત્ર નિષ્ક્રિય બનવાથી ડંખ પામેલ પ્રાણી મૃત્યુ પામે છે; પરંતુ વિષપ્રાશન જો શરીરના લોહીના સંપર્કમાં ન આવ્યું હોય તો હાનિકારક નથી.
નાગના કરડવાથી માનવ બળતરા અનુભવે છે, કરડેલી જગ્યાએ સોજો આવે છે, રુધિરરસ(serum)નો સ્રાવ થાય છે, પગ લકવાનો ભોગ બને છે, ગળું ઢળે છે, જીભ, હોઠ અને ગળાના સ્નાયુ પર થયેલ અસરથી, વાચામાં મુશ્કેલી જણાય છે. લાળ ઝરે છે. ઊલટી થાય છે પરંતુ તે ગળી શકતો નથી. તરત ઉપાય કરવાથી જોખમ ટાળી શકાય. પ્રતિ-વિષ રસીનું અંત:ક્ષેપન કરવાથી માનવ રાહત અનુભવે છે. પ્રતિકારશક્તિની અસર હેઠળ અથવા તો શરીરમાં પ્રવેશેલ વિષનું પ્રમાણ ઓછું હોય તો થોડોક સમય જતાં દંશ પામેલ વ્યક્તિનું સ્વાસ્થ્ય પૂર્વવત્ બને છે.
સામાન્યપણે જાન્યુઆરી મહિનો નાગ માટે સંવનનકાળ હોય છે. નાગનાં ઈંડાં એપ્રિલ-મે મહિના સુધી જોવા મળે છે. ઈંડાં મૃદુ કવચવાળાં લંબગોળ હોય છે. માદા 12થી 22 જેટલાં ઈંડાં મૂકે છે. ઈંડાંનું રક્ષણ એકલા અથવા બંને પ્રજનકો સાથે કરે છે. આશરે 50–60 દિવસ બાદ બચ્ચાં પેદા થાય છે.
રા. ય. ગુપ્તે