નાગકેસર (નાગચંપો) : દ્વિદળી વર્ગના ગટ્ટીફેરી કુળની વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ mesua berrea Linn. (સં. नागकेसर, चाम्पेय, नागपुष्प; હિં. બં. તે. ક. નાગકેસર; ગુ. મ. નાગચંપો) છે. તે મધ્યમ કદથી માંડી ખૂબ મોટું, સદાહરિત વૃક્ષ છે. તેનું મુખ્ય પ્રકાંડ ટૂંકું હોય છે અને તલભાગે ઘણી વાર આધાર (buttress) ધરાવે છે. તે પૂર્વ હિમાલય, અસમ, ઈશાન ભારત, મૈસૂરનાં જંગલો, દક્ષિણ કોંકણ, પશ્ચિમઘાટ અને આંદામાનમાં 1,500 મી.ની ઊંચાઈ સુધી થાય છે. છાલ ભૂખરી અથવા લાલાશ પડતી બદામી હોય છે અને તેનું મોટા પાતળા પડ સ્વરૂપે અપશલ્કન (exfoliation) થાય છે. પર્ણો ભાલાકાર 7.5 સેમી.થી 15 સેમી. લાંબાં અને 2.5 સેમી.થી 3.7 સેમી. પહોળાં, તરુણ પર્ણો રાતાં, લાલ કરેણનાં પર્ણોને મળતાં આવતાં, ચર્મિલ, નીચેની સપાટીએથી મીણ જેવી ચમકવાળાં. પુષ્પો મોટાં, એકાકી કે 2–3ના ગુચ્છમાં, પીળાં કે સફેદ, સુરભિત. પરાગવાહિની પુંકેસરો કરતાં લગભગ બેગણી લાંબી. ફળ અંડાકાર, લગભગ કાષ્ઠમય, 2.5થી 5.0 સેમી. લાંબું, તેની સાથે દીર્ઘસ્થાયી (persistent) વજ્ર જોડાયેલું. બીજ 1થી 4, ઘેરાં બદામી; 2.5 સેમી. વ્યાસ; બીજપત્રો માંસલ, તૈલી.

પર્ણ-પુષ્પ-ફળ સાથેની નાગકેસરની ડાળખી

નાગકેસરને ઉદ્યાનો અને રસ્તાની બંને બાજુએ તેનાં આકર્ષક પુષ્પો અને પર્ણસમૂહ માટે ઉગાડવામાં આવે છે.

તે ભેજવાળાં સદાહરિત કે અર્ધ-સદાહરિત જંગલોમાં છૂટાંછવાયાં કે વત્તાં-ઓછાં જૂથોમાં કે પટ્ટા સ્વરૂપે થાય છે અને જંગલના મધ્ય સ્તરનો મહત્ત્વનો ઘટક બનાવે છે. તેને સારી જલનિકાસવાળી અને ઊંડે સુધી ફળદ્રૂપતા ધરાવતી ભૂમિ અનુકૂળ હોય છે. તે તુષાર(frost) અને શુષ્કતા-સંવેદી હોય છે. જોકે તેના કુદરતી નિવાસમાં આવી પરિસ્થિતિઓ જોવા મળતી નથી.

કુદરતી પ્રસર્જન સામાન્યત: બીજ દ્વારા થાય છે. કૃત્રિમ પ્રસર્જન સીધેસીધા બીજના વાવેતર દ્વારા અથવા ક્યારીઓમાં રોપ તૈયાર કરી તેમના પ્રતિરોપણ દ્વારા કરવામાં આવે છે. બે રોપ વચ્ચેનું અંતર આશરે 1.8 મી. જેટલું રાખવામાં આવે છે.

તેનું રસકાષ્ઠ પીળાશપડતું સફેદ કે ગુલાબીપડતું બદામી રંગનું અને અંત:કાષ્ઠ ઘેરા લાલ કે ઘેરા લીલાશપડતા બદામી રંગનું હોય છે. તે સીધું, કે કેટલેક અંશે દાણાદાર અંતર્ગથન(interlocking)વાળું અને મધ્યમથી માંડી સ્થૂલ ગઠન ધરાવે છે. તે સખત, મજબૂત અને ભારે (વિ.ગુ. 1.03) વજનવાળું હોય છે. પ્રકાષ્ઠ(timber)નું સંશોષણ (seasoning) ધીમું અને મુશ્કેલ હોય છે અને સપાટી પર તિરાડો પડવાની કે ફાટી જવાની શક્યતા રહે છે. કાષ્ઠનું આવરણ હેઠળ ધીમું શુષ્કન, ગરમ પવનો સામે રક્ષણ અને થપ્પીઓનું ભારણ (weighting) વધારે પડતા નિમ્નીકરણ(degradation)ને અટકાવી શકે તેમ છે. કાષ્ઠ ખૂબ ટકાઉ હોય છે. તેનું સરેરાશ આયુષ્ય 10થી 15 વર્ષનું હોય છે. સાગના વિવિધ ગુણધર્મોના સંદર્ભમાં ટકાવારીમાં દર્શાવેલી તેની ઉપયુક્તતા (suitability) નીચે મુજબ છે :

વજન : 140 : પાટડાનું સામર્થ્ય (strength) 145; પાટડાની દૃઢતા (stiffness) 150; સ્તંભ તરીકેની ઉપયુક્તતા 150; પ્રઘાત-અવરોધક શક્તિ (shockresisiting ability) 160; આકારજાળવણી 55; વિરૂપણ (shear) 145; કઠોરતા (hardness) 215.

કાષ્ઠ લીલું હોય ત્યારે વહેરવાનું મુશ્કેલ હોય છે. તેના પર સાધનો કે યંત્રો દ્વારા જ કામ થઈ શકે છે. તેના પ્રકાષ્ઠનો ઉપયોગ રેલવે સ્લીપરો, પુલ, સ્તંભ, પાટડા બનાવવામાં અને બાંધકામમાં થાય છે. તે હોડી, કૃષિવિદ્યાકીય સાધનો, વિવિધ સાધનોના હાથાઓ, બંદૂકના હાથાઓ, સંગીતનાં સાધનો, ચાલવા માટેની લાકડીઓ અને વેશ્મક (cabinet) બનાવવામાં વપરાય છે. તે બળતણ તરીકે પણ ઉપયોગી છે.

બીજ-અષ્ઠિ (kernel) બીજનો 53 %થી 73 % ભાગ બનાવે છે અને 60 %થી 77 % જેટલું લાલ કે ઘેરું બદામી, ઘટ્ટ, અણગમતી વાસવાળું અને કડવું તેલ ઉત્પન્ન કરે છે.

મ. ઝ. શાહ

આદિત્યભાઈ છ. પટેલ