નાગ જાતિ : અસમની ઉત્તરે પહાડોમાં વસતા લોકો. દેશના ઈશાન ખૂણામાં અસમની ઉત્તરે એક નાના સ્વતંત્ર રાજ્ય તરીકે ઓળખાતા 16,519 ચોકિમી. ક્ષેત્રફળવાળા, બ્રહ્મપુત્ર નદીની ખીણ અને નાગ ટેકરીઓવાળા પ્રદેશમાં રહેનારા લોકો. જૂના ઉલ્લેખોમાં નાગ તરીકે ઓળખાતા તે આ લોકો હશે. બીજી રીતે ઓછાં કપડાં પહેરતા હોઈ નગ્ન પરથી નાગ થયું હશે અથવા નાગા પહાડોમાં વસતા હોઈ નાગ જાતિ તરીકે ઓળખાયા હશે. નાગ બોલીમાં તેનો ‘પહાડી લોકો’ એવો અર્થ થાય છે.
તેઓ મધ્યમ કદના, પીળી ચામડી, ત્રાંસી ચીના જેવી આંખોવાળા, ઇન્ડોમૉંગોલૉઇડ જાતિતત્વ ધરાવનારા છે. તેમની બોલી તિબેટી-બર્મન ભાષાજૂથની ગણાય છે. તેમનામાં ઘણાં જાતિજૂથોનો સમાવેશ થયો છે; જેવાં કે આઓ, અંગામી, ચેખ યાંગ, ચાન્ગ, કોન્યાક, રેંગ્મા, ચીરી, તીખિર, યમચુન્ગેર, લોહટા, ઝેલિયાંગ, ફોમ, સેમા, ખીનમુન્ગ્સ, સાંગટાસ, ઝેમિયાન, કૂકી, કચ્છા, લૅન્કા, ચકારિયા, ખેન્મા, કચારી, લોથા, ઝેમી, કોરિચા વગેરે. આ બધા વચ્ચે કોઈ સ્તરભેદે ઊંચ-નીચ નથી. તેઓ પરસ્પર બોલી તથા કેટલીક સામાજિક વિશિષ્ટતાઓથી જુદા પડે છે. જ્યારે લગ્નના રિવાજો, છૂંદણાં છૂંદાવવાં, ખેતી, મૃત્યુ પછીની વિધિ, ગોત્રો, કાપડવણાટ, યુવાગૃહો, ગ્રામસંગઠન વગેરેમાં પરસ્પર સામ્ય ધરાવે છે.
તેઓ પિતૃસત્તાક, પિતૃસ્થાની અને પિતૃવંશીય કુટુંબવ્યવસ્થા ધરાવે છે. તેઓમાં જાતિબાહ્ય લગ્ન તથા સગોત્રી લગ્નનો નિષેધ છે. મહદ્અંશે એક પતિ-પત્નીત્વનો રિવાજ ધરાવે છે. ક્યારેક સંપન્ન કે આગેવાન બે પત્ની ધરાવે છે. બીજી પત્ની માટે અલગ ઘર હોય છે. પરંપરાગત રીતે દરેક ગામમાં કે જાતિનાં સ્વતંત્ર યુવાગૃહો હોય છે; ગામનું રક્ષણ તથા સામાજિક તાલીમ એનું મુખ્ય કાર્ય ગણાય છે. ખેતી અને જંગલમાં સ્ત્રી પુરુષની સાથે કામ કરે છે. ખેતી મોટેભાગે સ્ત્રીની જ ગણાય છે. લગ્ન પછી સ્ત્રીને પિતાની મિલકતમાં ભાગ મળતો નથી. વિધવાને મિલકત મળતી નથી. પરંપરાગત રીતે સ્ત્રી ખેતી, બાળઉછેર, રસોડું ઉપરાંત કાંતવાનું તથા કપડું વણવાનું સુંદર કાર્ય કરે છે. પતિ-પત્ની બંનેને છૂટાછેડાનો હક હોય છે. નિ:સંતાનપણું, અસહ્ય માંદગી, આડા સંબંધો જેવી સ્થિતિમાં છૂટાછેડા માન્ય ગણાય છે.
બધાં નાગજૂથો મુખ્યત્વે ખેતી કરે છે જે ‘ઝુમ ખેતી’ પગથિયાં પ્રકારની ખેતી તરીકે ઓળખાય છે. તેઓ ચોખા, મકાઈ, તમાકુ, કઠોળ પકવે છે. વાંસની લાકડી અને લોખંડની પંજેટી તેમનાં મુખ્ય ઓજારો છે. ધરુ રોપતાં પહેલાં બલિ આપવામાં આવતો હતો. તેઓ શિકાર કરે છે. તેમના ખોરાકમાં ચોખા, મકાઈ મુખ્ય છે. ચોખાનો દારૂ તેમનું વિશિષ્ટ પીણું છે. માંસાહારમાં ઉંદર, કૂતરા, હાથી, વાઘ, સાપ, વાંદરાં, હરણ, ગાય, ડુક્કર, મરઘી વગેરેને તે ખાય છે. તેઓ હવે ચા, દૂધ લેતા થયા છે.
તેઓ વન્યધર્મ પાળે છે. ભૂત, પ્રેત, મંત્રતંત્રમાં માને છે. શબને દાટે છે. તેનો પાળિયો નવી પેઢીની યાદ માટે બનાવાય છે. મરનાર પુરુષ સાથે તીર, કામઠી, નારિયેળ, ભાત, મધ તથા તમાકુ અને સ્ત્રી સાથે વાસણો, રાંધેલું અનાજ, પૈસા વગેરે મૂકવામાં આવે છે. સગાંને મરણ નિમિત્તે ચોખા અને દારૂનું ભોજન આપવામાં આવે છે. કુટુંબીજનો શોકના દિવસોમાં ખેતી, તથા કામધંધો, શિકાર વગેરે બંધ રાખે છે અને ખોરાકમાં પણ કેટલાક નિષેધો પાળે છે.
દરેક જાતિજૂથને પોતાની જાતિનું તથા ગામનું સ્વતંત્ર વહીવટી તંત્ર હોય છે. અનુભવી બહાદુર, વહીવટકુશળ વ્યક્તિની પસંદગી થાય છે. અંગ્રેજ અમલ દરમિયાન ગામના આવા વહીવટદારને પગાર ઉપરાંત સત્તા તથા લાલ ધાબળો આપી દરજ્જો આપવામાં આવતો હતો. નાનામોટા ઝઘડાઓનો તે નિકાલ કરે છે તથા સરકાર અને લોકો વચ્ચે કડીરૂપ બને છે.
1901માં ખ્રિસ્તીઓના પ્રવેશ પછી શિક્ષણ અને ધર્મપરિવર્તન વધ્યાં છે. પરિણામે પરંપરાગત જીવનશૈલી, માન્યતા વગેરેમાં ભારે પરિવર્તન આવ્યું છે. યુવાગૃહ મૃતપ્રાય બન્યાં, લગ્નના નિષેધો તૂટ્યા છે. ખાન-પાન, પોશાક, રહેણીકરણીમાં પશ્ચિમીકરણ આવ્યું છે.
અરવિંદ ભટ્ટ