નાગડા, ચાંપશીભાઈ (. 22 નવેમ્બર 1920, ગઢવાલી, રાપર, કચ્છ) : ગુજરાતી ચલચિત્રોના વિકાસમાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપનાર રંગમંચ અને ચલચિત્રોના કલાકાર તથા નિર્માતા. ચાંપશીભાઈ નાગડા કચ્છના વેપારી કુટુંબનું સંતાન હતા. પિતાનું નામ ભારમલ. શાળાંત સુધી અભ્યાસ કર્યો. માત્ર 19 વર્ષની વયે મુંબઈમાં નાટકો સાથે સંકળાયેલા ચાપંશીભાઈએ 1960ના દસકામાં જ્યારે ગુજરાતી ચલચિત્રોનું નિર્માણ લગભગ પડી ભાંગ્યું હતું ત્યારે તેમાં નવો પ્રાણ ફૂંકવાનું કામ કર્યું. ચાંપશીભાઈએ દિગ્દર્શક મનહર રસકપૂરની સાથે મળીને અનેક સુંદર ગુજરાતી ચલચિત્રોનું સર્જન કર્યું. 1946થી 1950 દરમિયાન 69 ગુજરાતી ચલચિત્રોનું નિર્માણ થયું, જ્યારે 1951થી 1960 દરમિયાન માત્ર 17 ચલચિત્રોનું નિર્માણ થયું. ગુજરાતી ચલચિત્રોના એવા મંદીના સમયે 1960ના વર્ષમાં માત્ર બે જ ચલચિત્રો બન્યાં અને તે બંને ચાંપશીભાઈએ બનાવ્યાં. ગુજરાતી ચલચિત્રોના ઇતિહાસમાં યાદગાર બની રહેલાં આ બે ચલચિત્રો હતાં ‘કાદુ મકરાણી’ અને ‘મેંદી રંગ લાગ્યો’.

ચાંપશીભાઈ નાગડા

50થી વધુ નાટકો અને અનેક હિંદી-ગુજરાતી ચલચિત્રોમાં કામ કરી ચૂકેલા અને નિર્માતા રહી ચૂકેલા ચાંપશીભાઈએ કારકિર્દીનો આરંભ નાટકોથી કર્યો. તેમનું પહેલું નાટક ‘વસમાં બંધન’ (1938) એકાંકી હતું. તેમણે ‘અભિનય’ નામે નાટ્યસંસ્થા ચલાવી. મિત્રો સાથે ઊભી કરેલી સંસ્થા–‘લલિતકલામંદિર’ના નેજા હેઠળ થોડાંક નાટકોમાં કામ કર્યા બાદ ચાંપશીભાઈ ‘ઇન્ડિયન પીપલ્સ થિયેટર’(ઇપ્ટા)ના ગુજરાતી નાટ્ય વિભાગ સાથે જોડાયા. ત્યાં રહીને ભજવેલું નાટક ‘અલ્લાબેલી’ ખૂબ લોકપ્રિય થયું. એ દરમિયાન ચલચિત્રોમાં કામ કરવામાં પણ તેમને રસ જાગ્યો. ‘બારાત’, ‘માસ્ટરજી’ વગેરે હિંદી ચલચિત્રોમાં નાની નાની ભૂમિકાઓ કર્યા બાદ 1947માં ગુજરાતી ચલચિત્ર – ‘ભક્ત સુરદાસ’માં નગરશેઠની ભૂમિકા ભજવી. આ ચલચિત્રના નિર્માણ દરમિયાન તે મનહર રસકપૂરના સંપર્કમાં આવ્યા અને ત્યારથી બંનેની જોડી જામી. ‘જોગીદાસ ખુમાણ’, ‘કહ્યાગરો કંથ’કન્યાદાન’ વગેરે ચલચિત્રો બાદ 1955માં ‘મૂળુ માણેક’નું સર્જન કર્યું.

સાહિત્યિક કૃતિઓ પરથી ચલચિત્ર બનાવવાનું કોઈ જોખમ લેતું નહોતું ત્યારે ચાંપશીભાઈએ પન્નાલાલ પટેલની નવલકથા ‘મળેલા જીવ’ પરથી આ જ નામનું ચલચિત્ર સર્જ્યું અને તે સફળ પણ નીવડ્યું. તરલા મહેતા, મહેશ દેસાઈ, ઉપેન્દ્ર ત્રિવેદી, અરવિંદ પંડ્યા, વિજય દત્ત જેવાં નામી કલાકારોને ગુજરાતી ચલચિત્રોમાં લાવવાનું શ્રેય ચાંપશીભાઈને ફાળે જાય છે. તેઓ સારા નર્તક પણ હતા. અભિનેત્રી આશા પારેખની કેટલીક નૃત્યનાટિકાઓમાં તેમણે કામ કર્યું હતું. તેમના ગુજરાતી ચિત્ર – ‘હીરો સલાટ’ને ગુજરાત રાજ્યનું પારિતોષિક મળેલું છે. ‘સુમંગલા’ નાટકમાં સુજ્ઞરાયની ભૂમિકા માટે ઉત્તમ અભિનય માટેનું પ્રાણલાલ દેવકરણ નાનજી પારિતોષિક પણ તેમને અર્પણ થયેલું.

હરસુખ થાનકી

દિનકર ભોજક