નાગચન્દ્ર (અગિયારમી શતાબ્દી)

January, 1998

નાગચન્દ્ર (અગિયારમી શતાબ્દી) : કન્નડ લેખક. એમણે રામચન્દ્રચરિત પુરાણ લખ્યું છે, જે ‘પંપ રામાયણ’ના તથા ‘મલ્લિનાથ પુરાણ’ના નામથી ઓળખાય છે. આ બંને કૃતિઓ ચંપૂ શૈલીમાં રચાઈ છે. ‘રામચન્દ્રચરિત પુરાણ’ 16 આશ્વાસમાં લખાઈ છે. એમાં 2343 કડીઓ છે, જ્યારે ‘મલ્લિનાથ પુરાણ’માં 14 આશ્વાસ છે અને 1471 કડીઓ છે. એમની કૃતિની શરૂઆતમાં એમણે એમના ગુરુ બાલચન્દ્રમુનિનો ઉલ્લેખ કર્યો છે અને આરંભમાં કેટલાક જૈનસાધુઓ પ્રતિ એમણે પ્રશસ્તિવચનો દ્વારા આદર વ્યક્ત કર્યો છે. તેમાં ભૂત બલિ, પુષ્પદંત, જિનસેન, વીરસેન ઇત્યાદિનો સમાવેશ થાય છે.

એમ કહેવાય છે કે હોયસળ રાજા બલ્લાલ પહેલાના એ રાજકવિ હતા. એમના ‘રામચન્દ્રચરિત પુરાણ’ને જૈન રામાયણ કહી શકાય. એમણે રવિસેનના ‘પદ્મપુરાણ’નો છૂટથી ઉપયોગ કર્યો છે. એમાં રામ અને લક્ષ્મણને આઠમા બલદેવ અને વાસુદેવ કહ્યા છે તથા રાવણને પ્રતિવાસુદેવ તરીકે ઓળખાવ્યો છે.

‘મલ્લિનાથ પુરાણ’ એ ઓગણીસમા તીર્થંકરની કથા છે. રાજા વૈશ્રવણે વડના વૃક્ષને વીજળી પડવાથી સળગતું જોયું ને સંસારત્યાગ કર્યો. તપશ્ચર્યા કરીને રાજા અહમિન્દ્રને ત્યાં જન્મ લીધો. તે પછી કુંભ રાજાને ત્યાં મલ્લિનાથ તરીકે જન્મ્યા ને લગ્નની ના પાડી. સંસારત્યાગ કર્યો અને તપશ્ચર્યા કરી કેવલજ્ઞાન પ્રાપ્ત કર્યું.

ચન્દ્રકાન્ત મહેતા