નાગોરી, કાઝી હમીદુદ્દીન

January, 1998

નાગોરી, કાઝી હમીદુદ્દીન (. . . 1071; . 1245, દિલ્હી) : ફારસીના પ્રસિદ્ધ કવિ. જન્મનામ મોહમ્મદ હતું. તેમના પિતા અતાઉલ્લાહ બુખારાના બાદશાહ હોવાથી તે ‘સુલતાન અતાઉલ્લાહ મહેમૂદ’ તરીકે ઓળખાયા. તેમના પિતાએ તેમના શિક્ષણમાં ઊંડો રસ લીધો હતો. પત્નીના અવસાન બાદ હમીદુદ્દીન એકાંતવાસમાં રહેતા હતા અને જીવન વિશે સતત ચિંતન કરતા રહેતા હતા. જીવન નાશવંત છે, તેની તેમને પ્રતીતિ હતી. હજરત ખ્વાજા અલ ખિજરે પોતાની પાસે બાર વર્ષ રાખી તેમને આધ્યાત્મિક માર્ગદર્શન આપ્યું હતું. તેમણે ગુરુની આજ્ઞાથી બગદાદમાં નિવાસ કર્યો. બગદાદથી તેઓ મક્કા ગયા અને હજ અદા કરી. ત્યાંથી તેઓ મદીના ગયા અને એક વર્ષ રહ્યા. તેઓ પેશાવર થઈને ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તી સાથે હિંદુસ્તાનમાં આવ્યા અને ઈ. સ. 1195માં નાગોર આવ્યા. ત્યાં તેમને ‘કાઝી હમીદુદ્દીન નાગોરી’નો ખિતાબ આપવામાં આવ્યો. અહીં આવ્યા બાદ પોતાની આધ્યાત્મિકતાથી નાગોરના લોકોનો પ્રેમ સંપાદન કર્યો. અહીંથી તે ઓશ ગયા અને ખ્વાજા કુત્બુદ્દીન બખત્યારને તાલીમ આપી બગદાદ આવ્યા. બગદાદથી પેશાવર થઈને કુટુંબને લઈને તેઓ દિલ્હી આવ્યા.

તેમણે 174 વર્ષ જેટલું લાંબું આયુષ્ય ભોગવ્યું. તેમની કબર દિલ્હી નજીક મહેરોલીમાં આવેલી છે ત્યાં તેમનો ઉર્સ નિયમિત ભરાય છે. તે સાહબેદિલ અને સાહબેઇલ્મના ઊંડા અભ્યાસી હતા. ‘સિમા’ વિશે તેમણે 72 રિસાલાની રચના કરી છે. તેઓ એક અચ્છા કવિ હતા. તેમની મુખ્ય રચનાઓ ‘તવાલેઉશ્શમુસ’, ‘લવામેઅ’, ‘લવાએહ’, ‘મતાલેઅ’, ‘શરહે ચહલ હદીસ’ ઇત્યાદિ છે.

ચીનુભાઈ નાયક