નાગાર્જુનકોંડા : આંધ્રપ્રદેશમાં આવેલ નૂતન પાષાણયુગની વસાહત. આંધ્રપ્રદેશના ગંતૂર જિલ્લાના પલ્નડ તાલુકાના કૃષ્ણા નદીના દક્ષિણ કિનારા પર ‘નાગાર્જુનકોંડા’ એટલે કે નાગાર્જુનની ટેકરી આવેલ છે.

નાગાર્જુનકોંડાના પ્રાચીન બૌદ્ધ અવશેષો

આ પ્રાચીન વસાહતની ભાળ સને 1926માં મળી. ઇજિપ્તમાં આવેલ નાઈલ નદી પર આસ્વાન બંધ બાંધવાની યોજનાથી અબુ સિંબેલનાં સ્મારકો પર જે ભય ઊભો થયો હતો તેવો જ ભય કૃષ્ણા નદી પર બંધ બાંધવાની યોજનાથી નાગાર્જુનકોંડાની પ્રાચીન વસાહત પર ઊભો થતાં નિયત સમયમર્યાદામાં નદીની આ ખીણનું સર્વેક્ષણ તથા ટિંબાનું ઉત્ખનન કરી આ સંસ્કૃતિનું જ્ઞાન, આ વસાહત ડૂબમાં જાય તે પહેલાં મેળવી લેવાનું નક્કી કરવામાં આવ્યું. ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ તરફથી કામ સને 1954થી 1960 દરમિયાન હાથ ધરવામાં આવ્યું. ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણના અધીક્ષક પુરાતત્વવિદ ડૉ. આર. સુબ્રમણયમ અને તેમના મદદનીશોએ કરેલા આ કામનો અહેવાલ સને 1975માં બહાર પાડવામાં આવ્યો, જેનાથી આ વસાહત વિશે અગત્યની માહિતી પ્રાપ્ત થઈ.

સર્વેક્ષણ અને ઉત્ખનન પરથી ફલિત થયું કે આ વિસ્તારમાં આદિમાનવ વસતો હતો. આદિ, મધ્ય અને અંત્ય પાષાણયુગનાં વિવિધ ઓજારો અહીંથી પ્રાપ્ત થયાં છે. આ યુગનો માનવ સ્થિર જીવન જીવતો ન હતો. પરંતુ કુદરતી સાનુકૂળતા જણાતાં ભ્રમણ કરતો આદિમાનવ પાછળથી અહીં સ્થિર થયો હશે તેમ નૂતન પાષાણયુગના માનવીની પ્રવૃત્તિના અભ્યાસ પરથી જાણી શકાયું છે. નૂતન પાષાણયુગ એટલે ખેતી, પશુપાલન અને માટીનાં વાસણોનો ઉપયોગ. આ તમામ લક્ષણો નાગાર્જુનકોંડાની વસાહતમાં જોઈ શકાયાં છે.

આ ખીણમાં સને 1927માં ડૉ. લૉંગહર્સ્ટે મહાપાષાણ સંસ્કૃતિના અવશેષો નોંધેલા. આવા એક સ્થળ પર તેમણે ઉત્ખનન કરી એ સમયના માનવની પ્રવૃત્તિઓ અને જીવન પર પ્રકાશ પાડતી મહત્ત્વની વિગતો મેળવી છે. તેના અભ્યાસ પરથી નાગાર્જુનકોંડાની પ્રાચીન વસાહત અંગે અને આદિમાનવ અંગે ઉપયોગી માહિતી સાંપડી છે. અહીંથી મળી આવેલ એક મહાસ્તૂપ અગત્યનો છે જે નાગાર્જુનકોંડાના સ્તૂપ તરીકે ઓળખાય છે. તેનું બાંધકામ ઈંટેરી હતું. મધ્યમાં ધરી અને તેમાંથી નીકળતા આરા સમાન તેના અંડનું બાંધકામ હતું. અન્ય બૌદ્ધ અવશેષો પણ અહીંથી મળી આવ્યા છે. નાગાર્જુનસાગર બંધના બાંધકામને લીધે આ સ્થળ ડૂબમાં જતાં આ બધા અવશેષો ત્યાંના સ્થાનિક સંગ્રહાલયમાં સાચવવામાં આવ્યા છે.

દિનકર મહેતા