નાગરિકશાસ્ત્ર : નગર અને તેના રહેવાસીઓ અંગે વિચારણા કરતું શાસ્ત્ર. એક શાસ્ત્ર તરીકે નાગરિકશાસ્ત્રની પ્રચલિતતા હવે સીમિત બની ગઈ છે છતાં અમુક અંશે તેનું મહત્ત્વ નકારી શકાય નહિ. પ્રાચીન ગ્રીક પ્રજાનાં નગરો માટે વપરાતો અંગ્રેજી શબ્દ હતો ‘polis’ જેમાંથી ‘politics’  રાજ્યશાસ્ત્ર  શબ્દની વ્યુત્પત્તિ થઈ. આવી જ બીજી પ્રાચીન પ્રજા રોમની, જેઓ પોતાના નગર કે શહેરને ‘city’ કહેતા હતા. તેમાંથી લૅટિન શબ્દ બન્યો ‘civicus’ અને અંગ્રેજી શબ્દ બન્યો ‘civics’. આ અર્થમાં નગર કે શહેર (city) અને તેના નગરવાસીઓ આ બંને અંગે વિચાર કરતું શાસ્ત્ર civics. આમ નગર અને તેમાં વસતા નાગરિકોનું તે શાસ્ત્ર છે.

રાજ્યશાસ્ત્રનો વિકાસ થતાં આ નાગરિકશાસ્ત્ર એક શાખા રૂપે રાજ્યશાસ્ત્રમાં સમાઈ ગયું. નાગરિકશાસ્ત્ર રાજ્યશાસ્ત્રની એક એવી વિશિષ્ટ શાખા છે જે નાગરિકના સંબંધોનો, તેના અધિકારો અને ફરજોનો વિચાર કરે છે.

સમાજશાસ્ત્રીઓ જણાવે છે તે મુજબ એકાકી માનવજીવન શક્ય નથી. અન્ય સાથે સહ-વાસ એ એક રીતે માનવની પાયાની જરૂરિયાત ગણાય. સહ-વાસમાંથી કુટુંબ, પાડોશી, શાળા, ગામ, સમાજ, સરકાર અને વિશ્વ સુધી તેની જરૂરિયાત અને સંપર્કયાત્રા વિકસે છે અને તે બૃહત સ્વરૂપ ધારણ કરે છે. આમ સમાજ માનવજીવનની મૂળભૂત જરૂરિયાત છે. મનુષ્યજીવનનું આ પાસું તે નાગરિકશાસ્ત્રનો પ્રથમ પાયો છે.

નાગરિક સમાજનો અને સમાજનું સંચાલન કરનાર રાજ્યનો સભ્ય છે. તેનું નાગરિકત્વ સમાજ અને રાજ્યના સભ્યપદનું પરિણામ છે. વ્યક્તિની પ્રગતિ કે વિકાસમાં રાજ્ય અનિવાર્ય છે. વ્યક્તિનો વિકાસ રાજ્યને આભારી છે. રાજ્યની વ્યવસ્થાશક્તિ અને સત્તા વિના માનવપ્રગતિ કુંઠિત થઈ ગઈ હોત. સમાજમાંની વ્યક્તિઓમાંનું સર્વસામાન્ય તત્વ તે નાગરિકત્વ છે.  પ્રત્યેક વ્યક્તિ જન્મથી આરંભીને મૃત્યુ પર્યંત જે વિવિધ ભૂમિકા ભજવે છે તેમાં તેનું આ નાગરિકત્વ કેન્દ્રસ્થાને હોય છે.

નાગરિકશાસ્ત્રના કેન્દ્રમાં નાગરિક હોવાથી તે સમાજ અને રાજ્યથી પર બનીને વ્યક્તિને સંપૂર્ણ ઘટક ગણી નાગરિક તરીકે તેને જુએ છે. આથી રાષ્ટ્ર કે રાજ્યના સીમાડાની ગણના કર્યા વિના તે નાગરિક ધર્મની સમજ પૂરી પાડે છે, જે નાગરિક ધર્મ કોઈ પણ દેશના નાગરિકને માટે સમાન જ રહે છે. આમ સમાન નાગરિક ધર્મ તેનું બીજું લક્ષણ છે.

નાગરિકજીવનમાં ઘર્ષણ નિવારી સંવાદ સાધવો તે નાગરિકશાસ્ત્રનું ત્રીજું લક્ષણ છે. વ્યક્તિ, સમાજ અને રાજ્ય  આ સર્વ અંગેના પ્રશ્નો નાગરિકશાસ્ત્ર યથાવકાશ વિચારે છે. આ ત્રણે વચ્ચેનાં હિતોને તે એવી રીતે ગોઠવી આપે છે કે જે તે ઘટકો ઘર્ષણથી દૂર રહી વિકાસ સાધી શકે, વિવિધ ઘટકો વચ્ચે સુમેળ ઊભો કરી સૌને માટે પ્રગતિનાં દ્વાર ખોલે છે અને તે દ્વારા નાગરિકત્વનો એક આદર્શ રજૂ કરે છે. સારા નાગરિકો હોય તો સારો સમાજ, સારું રાજ્ય બને. આ અર્થમાં આ શાસ્ત્ર સાંસ્કારિક, આર્થિક અને રાજકીય – એમ તમામ પાસાંનો વિચાર કરે છે. નાગરિકને કેન્દ્રમાં રાખી તે તેની વિવિધ પ્રવૃત્તિઓનો વિચાર કરે છે. પ્રવૃત્તિઓના મૂલ્યાંકનમાં નાગરિક હિતોને પ્રાધાન્ય આપી નાગરિકોના અભ્યુદય કે કલ્યાણનું લક્ષ્ય સાધે છે.

નાગરિક કોણ બની શકે તેનો સાદો માપદંડ માત્ર એટલો જ છે કે રાજ્યમાં વસવાટ કરનાર અને રાજ્યને વફાદાર રહેનાર તે નાગરિક છે. અહીં વસવાટ કરતાં પણ વધારે મહત્ત્વની બાબત છે રાજ્ય પ્રત્યેની વફાદારી. રાજ્ય જ્યારે નાગરિક પાસે વફાદારીની અપેક્ષા રાખે ત્યારે નાગરિકના ઘડતરનો મુદ્દો કેન્દ્રીય બની રહે છે.

નાગરિકનું ઘડતર કરવામાં કુટુંબ, શાળા, ગામ, સમાજ અને સરકાર – એમ વિવિધ સંસ્થાઓનું પ્રદાન હોય છે. નાગરિકતા માત્ર વસવાટથી જ સિદ્ધ ન થાય, પણ તેને સજાગપણે, પ્રયત્નપૂર્વક ઉછેરવી પડે છે. જેમ છોડને વૃક્ષ બનવા માટે કાળજીપૂર્વકની માવજતની જરૂર હોય છે એ જ રીતે બાળકને નાગરિક બનાવવામાં કાળજીભરી માવજત આવશ્યક હોય છે. બહોળા અર્થમાં જોઈએ તો નાગરિકતામાં હક અને ફરજ બંને છે અને તે માટે જવાબદારીપૂર્વકનું વર્તન જરૂરી બને છે.

નાગરિકમાં આવા ગુણો વિકસાવવા માટે કેળવણી સૌથી મહત્ત્વનું સાધન છે. તેમાંથી જ તંદુરસ્ત નાગરિક જીવન વિકસી શકે છે. નાગરિકનું સ્વસ્થ, તંદુરસ્ત, શિસ્તબદ્વ જીવન જાહેર વર્તન અને વ્યવહાર તથા વહીવટને અસર કરે છે. સારા નાગરિકો, સારો સમાજ, અને સારું રાષ્ટ્ર આ ત્રણે પરસ્પર ગાઢ રીતે સંકળાયેલાં છે.

રાજકીય વ્યવસ્થા લોકશાહીની હોય કે સરમુખત્યારશાહીની; સર્વસત્તાવાદની હોય કે સામ્યવાદની  પણ આ બધી જ રાજકીય પદ્ધતિઓની દૃઢતા તંદુરસ્ત નાગરિક જીવન પર આધારિત હોય છે.

આમ એક જમાનાના નાનકડા નગરરાજ્યનો નાગરિક સાંપ્રત વ્યવસ્થામાં રાજ્યનો નાનામાં નાનો પણ શક્તિશાળી એકમ બની ગયો છે. આધુનિક સંદેશાવ્યવહાર-પદ્ધતિને લીધે વિશ્વ પોતે જ એક નગર બની ગયું છે. વેન્ડેલ વિસ્કીના વિશ્વસરકારના સ્વપ્નનું ઘડતર કરવા માટે શરૂઆત નાગરિકથી કરવી જોઈશે, એમ તદ્વિદોનું કહેવું છે.

રક્ષા મ. વ્યાસ