નાગરિકતા : દેશના બંધારણમાં ઉલ્લિખિત અથવા પરંપરાથી સ્વીકૃત અધિકારો અને ફરજો ધરાવતી વ્યક્તિને અપાતો કાયદાકીય દરજ્જો.

સામાન્ય રીતે દેશમાં જન્મેલ વ્યક્તિ આપોઆપ ત્યાંની નાગરિક બને છે, જોકે તેના પણ ઘણા અપવાદો હોય છે. દરેક નાગરિક દેશને વફાદાર રહેવા અને તેના કાયદાઓનું પાલન કરવા બંધાયેલ હોય છે. તેની સામે રાજ્ય તેનાં રક્ષણ, સુખાકારી, પરદેશમાંનું તેનું હિત વગેરે જોવા બંધાયેલ છે. પોતાનો નાગરિક અન્ય દેશમાંથી પાછો ફરે ત્યારે તેને સ્વીકારવા દરેક રાજ્ય બંધાયેલું હોય છે. સામાન્ય રીતે કોઈ વ્યક્તિ બે દેશનું નાગરિકત્વ ધરાવી શકે નહિ, પરંતુ અપવાદરૂપ કિસ્સાઓમાં કેટલીક વિશિષ્ટ વ્યક્તિઓને અન્ય દેશનું માનાર્હ નાગરિકત્વ બહાલ કરવામાં આવતું હોય છે. હકીકતમાં આ પ્રકારનું નાગરિકત્વ રાજકીય ઔપચારિકતા માટે જ હોય છે, જે બન્ને દેશોને સ્વીકાર્ય હોય છે. એથી ઊલટું, યુદ્વ કે આંતરવિગ્રહમાં કેટલાક લોકો વિસ્થાપિત થઈને અન્ય દેશોમાં કે દુશ્મને કબજે કરેલ પ્રદેશમાં રહી જતા હોય ત્યારે તે લોકો નાગરિકત્વવિહોણા બની જાય છે. ભારતમાં 1947ના ભાગલા વખતે પાકિસ્તાને કબજે કરેલા વિસ્તારમાંથી જમ્મુ–કાશ્મીરમાં આવેલા ઘણા માણસોને આજે પણ નાગરિકતા મળી નથી. એ રીતે ઘણા પૅલેસ્ટાઈનવાસીઓ પણ નાગરિકતા વગર અન્ય દેશોમાં વસે છે. ભારતના બંધારણની કલમ 15, 16 અને 19માં દર્શાવેલા સમાનતાના, ભાષા-સ્વાતંત્ર્યના અને વ્યવસાયસ્વાતંત્ર્યના મૂળભૂત હકો ભારતના નાગરિકોને જ ઉપલબ્ધ હોય છે.

બંધારણની જોગવાઈઓ : ભારતીય બંધારણમાં ભારતીય નાગરિક કોને કહેવાય તેની જોગવાઈઓ છે : (1) બંધારણની કલમ 5 મુજબ બંધારણના આરંભ(26–1–1950)થી ભારતીય અધિવાસ ધરાવતી દરેક વ્યક્તિ, (અ) જે ભારતના પ્રદેશમાં જન્મેલ હોય, અથવા (બ) જેનાં મા કે બાપ ભારતમાં જન્મેલાં હોય, અથવા (ક) જે બંધારણના આરંભના તરત પહેલાં ઓછામાં ઓછાં પાંચ વર્ષથી ભારતમાં રહેતા હોય તે ભારતીય નાગરિક ગણાશે.

આવી વ્યક્તિનાં માબાપની નાગરિકતા સાથે ઉપરની કલમને બંધન નથી, તા. 15–8–1947ના રોજ જે વ્યક્તિ ભારતમાં રહેલી હશે તે ભારતીય અધિવાસ (domicile) ધરાવતી ગણાશે. તા. 15–8–1947 પછી પાકિસ્તાન જતી રહેલ વ્યક્તિ તા. 26–1–1950 પહેલાં ભારતમાં પાછી ફરી હોય તોપણ તેણે ભારતીય નાગરિકત્વ ગુમાવેલું ગણાશે, જોકે તે 1955ના નાગરિકત્વ ધારા હેઠળ નોંધણીથી નાગરિક બનવા અરજી કરી શકે.

(2) બંધારણની કલમ 6 મુજબ, (અ) જો કોઈ વ્યક્તિ પાકિસ્તાનથી સ્થળાંતર કરીને આવેલ હોય અને જો તેનાં મા-બાપ કે દાદા-દાદીમાંથી કોઈ એક 1935ના હિંદ રાજ્યવહીવટના કાયદા મુજબના (અખંડ) ભારતમાં જન્મેલ હોય અને (બ) (1) જો આવી વ્યક્તિએ 19 જુલાઈ, 1948 પહેલાં ભારતમાં સ્થળાંતર કરેલ હોય અને ત્યારપછી સામાન્ય રીતે ભારતમાં રહેલ હોય અથવા (2) જ્યારે આવી વ્યક્તિએ 19 જુલાઈ, 1948 ના રોજ કે ત્યારબાદ પાકિસ્તાનથી ભારતમાં સ્થળાંતર કરેલ હોય અને જો તેણે તા. 26–1–1950 પહેલાં ભારતીય નાગરિક બનવા માટે સરકારે નીમેલ અધિકારી સમક્ષ અરજી કરી હોય અને અરજીની તારીખની તરત અગાઉ છ માસથી તે વ્યક્તિ ભારતમાં વસતી હોય અને તેની તે અધિકારીએ નાગરિક તરીકે નોંધણી કરી હોય તો તે ભારતીય નાગરિક ગણાશે.

(3) કલમ 7 મુજબ 1 માર્ચ, 1947 પહેલાં પાકિસ્તાનમાં સ્થળાંતર કરેલ વ્યક્તિ ભારતીય નાગરિક ન ગણાય પરંતુ કોઈ કાયદાના અધિકારની રૂએ ત્યારબાદ ભારત સરકારની રજાચિઠ્ઠી લઈને ભારતમાં પુનર્વસવાટ કે કાયમ રહેવા માટે પાછી ફરેલ હોય તો કલમ 6 (બ) મુજબ આવી વ્યક્તિએ 19 જુલાઈ, 1948થી ભારતમાં સ્થળાંતર કરેલું ગણાશે અને તે નાગરિકત્વ મેળવી શકશે.

(4) કલમ 8 મુજબ જે વ્યક્તિ ભારતમાં જન્મેલ હોય અથવા જેનાં માબાપ કે દાદાદાદીમાંથી કોઈ એક 1935ના હિંદ રાજવહીવટના કાયદા મુજબના (અખંડ) ભારતમાં જન્મેલ હોય, અને તે અન્ય દેશમાં વસતી હોય અને તેણે બંધારણની શરૂઆત પહેલાં કે પછી ભારતના વ્યાપારી કે રાજકીય પ્રતિનિધિ સમક્ષ નિયત પત્રકમાં અરજી કરીને ભારતીય નાગરિક તરીકે નોંધણી કરાવી હોય તો તે ભારતીય નાગરિક ગણાશે.

(5) કલમ 9 મુજબ જે વ્યક્તિએ અન્ય દેશનું નાગરિકત્વ સ્વેચ્છાએ મેળવ્યું હશે તે ભારતીય નાગરિક મટી જશે. કલમ 11 મુજબ બંધારણે ભવિષ્ય માટે નાગરિકત્વ બાબતના ધારા ઘડવાની સત્તા સંસદને આપેલ છે.

નાગરિકત્વ ધારો : ઉપર દર્શાવેલી સત્તાની રૂએ સંસદે 1955નો નાગરિકત્વ ધારો ઘડ્યો અને તેમાં 1957, 1985 અને 1986માં થોડા સુધારા કર્યા. તેમાં 26–1–1950 પછી નાગરિકતા પ્રાપ્ત કરવાની અને ગુમાવવાની જોગવાઈઓ છે.

છોટાલાલ છગનલાલ ત્રિવેદી