નાગરશૈલી : ભારતના ઉત્તર ભાગમાં પ્રચલિત રચનામૂલક મંદિર-સ્થાપત્યની શૈલી. પશ્ચિમમાં તે ગુજરાતથી પૂર્વમાં ઓરિસા સુધી તથા ઉત્તરમાં કાશ્મીરથી દક્ષિણમાં કર્ણાટક સુધી પ્રસરી હતી. નાગરશૈલીમાં વિકસેલી પ્રાંતીય શૈલીઓમાં થોડું વૈવિધ્ય હોવા છતાં નાગરશૈલીનાં મુખ્ય અંગો દરેક પ્રાંતમાં સમાન રહ્યાં છે. આ શૈલીની વિશેષતાઓમાં લગભગ અર્ધગોળાકાર જેવું મંડપોનું તથા લગભગ શંકુ આકારનું ગર્ભગૃહનું શિખર, શિખર પર કરાતી આમલક, કપૂરી તથા કળશની ગોઠવણ, મુખ્ય ગર્ભગૃહ કે દેઉલની આગળ મંડપ તથા અર્ધમંડપ તેમજ વચમાં ક્યારેક અંતરાલની રચના, બધા મંડપોની મુખ્ય પૂર્વ-પશ્ચિમ અક્ષ પરની ગોઠવણ, મંદિરને અલાયદા મંડપોના સમૂહ તરીકે લેખવાને બદલે એક જ ઇમારત તરીકે લેખવાનો અભિગમ, મંડોવરની દીવાલોનું વિવિધ દૈવી તથા અર્ધદૈવી શિલ્પાકૃતિઓથી કરાતું સુશોભન, વિવિધ સ્તર દર્શાવતા ઊંચા મંચ પર મંદિરની રચના, વિશાળ પ્રમાણમાપ કરતાં બારીક કોતરણીને અપાયેલું મહત્ત્વ, જરૂરિયાત પ્રમાણે મંડપને બંધ કરવા પથ્થરની જાળીની રચના, ચોક્કસ ભૌમિતિક નિયમોને અનુસરતાં તળદર્શન તથા ઊભણીની રચના તથા મંદિરના કેટલાક ભાગોનું પ્રતીકાત્મક મૂલ્ય વધારવા પ્રકાશનું નિયમન મુખ્ય છે.
નાગર મંદિરશૈલીની મુખ્યત્વે પાંચ પ્રાંતીય શૈલીમાં વિભાજિત કરાય છે. તેમાંની ઈ. સ. 800થી 1250ના ગાળામાં ઓરિસા શૈલી સૌથી પ્રથમ વિકસી હતી. આમાં મુખ્ય ધરી પર વિશાળ જગમોહન, નટમંડપ તથા ભોગમંડપ રચાતા. તેમાં મુખ્ય દેઉલ પર પરવલયાકાર ઊંચું શિખર નાના નાના આડા સ્તરોની રચનાથી બનાવાતું. શિખરની રચનામાં વચ્ચેની બંને તરફ અનુરાધા અને પછી સ્તરોમાં કણિકાઓ બનાવાતી. શિખરની ઉપર આમલક કપૂરી તથા કળશ પણ મુકાતાં. ઘણીવાર મંદિરમાં પ્રવેશ માટે પ્રવેશમંડપની પણ રચના કરાતી અને કેટલાંક વિસ્તૃત મંદિરોની ફરતી પરસાળ કે દીવાલ બનાવાતી. આ શૈલીમાં બનાવાયેલ મંદિરોમાં ઈ.સ. 850માં ભુવનેશ્વરમાં બનેલ વૈતાલ દેઉલ, ઈ. સ. 975 તથા 1000માં ભુવનેશ્વરમાં જ બનેલ અનુક્રમે મુક્તેશ્વર મંદિર તથા લિંગરાજ મંદિર, ઈ. સ. 1100નુંં પુરીનું જગન્નાથ મંદિર તથા ઈ. સ. 1250નું કોણાર્કનું સૂર્યમંદિર મુખ્ય છે.
પ્રાંતીય ધોરણે નાગરશૈલીમાં મધ્ય ભારતમાં ખજૂરાહો આસપાસના વિસ્તારમાં સ્થાનિક શૈલી વિકસી હતી. આ મંદિરોમાં ગર્ભગૃહ, અંતરાલ, સભામંડપ, અર્ધમંડપ તથા પૂર્વમાં પ્રવેશમંડપ ઉપરાંત કેટલીક વાર આડખંડો પણ રચાતા. આ મંદિરો વિવિધ સ્તરોવાળા ઊંચા મંચ પર વિસ્તૃત ચોરસ આકારવાળા તળદર્શન પર બનાવાતાં, જેની મુખ્ય ધરી પૂર્વ-પશ્ચિમ રહેતી. મંદિરના પ્રત્યેક મંડપની છત અલગ બનાવાતી અને તેનાથી જ જે તે મંડપની ઓળખ નિર્ધારિત થતી.
આ બધી છતમાં સૌથી નીચી છત (નીચું છાપરું) પ્રવેશમંડપ કે અર્ધમંડપની રહેતી. જ્યારે ગર્ભગૃહનું શિખર સૌથી ઊંચું બનાવાતું. અહીં પણ શિખર વળાંકાકાર વાંકી ધારવાળું તથા ઉપર આમલક તથા કળશયુક્ત બનાવાતું. આ મંદિરને ફરતે પડાળી તથા બહારની ધાર પર ઝૂલતાં અણિયાળાં છજાં બનાવાતાં. આ ખજૂરાહો શૈલીના મંદિરની અન્ય વિશેષતા તે તેમાં કરાયેલ કામાસનોની કોતરણીની છે. તે ઉપરાંત મંદિરના વિવિધ મંડપો તથા ઓરડાઓ વચ્ચેની પૂર્ણ એકરાગતા પણ આ શૈલીના મંદિરની વિશેષતા છે. બહુ વિશાળ નહિ તેવાં આ મંદિરો તેનાં પ્રમાણમાપ તથા કોતરણીને કારણે ભવ્ય દૃશ્ય-અનુભૂતિ જન્માવે છે. ઈ. સ. 1000 માં બનાવાયેલ જગદંબાનું મંદિર તથા ઈ. સ. 1050ના ગાળામાં બનાવાયેલ કંદાર્યા મહાદેવ, આદિનાથ મંદિર તથા પાર્શ્વનાથ મંદિર આ શૈલીના મુખ્ય નમૂના છે.
નાગરશૈલીનાં રાજપૂતાના વર્ગનાં મંદિરો ઈસુની આઠમીથી અગિયારમી સદી વચ્ચે દિલ્હી તથા રાજસ્થાનને આવરી લેતા વિશાળ ક્ષેત્રમાં બનાવાયેલાં. તે મંદિરોમાંથી કેટલાંક જ હયાત છે, કારણ કે મુસ્લિમ આક્રમણકારોએ તે તોડી પાડ્યાં છે ; જેમ કે, દિલ્હીની જુત્બ મસ્જિદ બનાવવામાં 26 તથા અજમેરની અઢાઈ દિન કા ઝોંપડા નામની મસ્જિદ બનાવવા 50 જેટલાં મંદિરો તોડી પાડ્યાં હતાં. રાજપૂતાના શૈલીનાં મંદિરોની રચનામાં ખજૂરાહોનાં મંદિર જેવાં મંચ તથા મંડોવર અને ઓરિસાનાં મંદિર જેવાં શિખરો કે ઢળતી છત બનાવાતાં. વળી આ મંદિરોના મંડપો ક્યારેક ખુલ્લા રખાતા તો ક્યારેક પથ્થરની જાળી વડે બંધ કરાતા. આ શૈલીનાં મંદિરોની મૂળ રચનામાં ફેરફાર નથી પણ તેની વિવિધ સપાટીની સ્પષ્ટ અભિવ્યક્તિથી નયનરમ્યતા વધતી. ઈસુની નવમી સદીમાં ઓસિયામાં બનેલ મહાવીર તથા પીપલાદેવીનાં મંદિરો આ શૈલીનાં મંદિરોના ઉલ્લેખનીય નમૂના છે.
ગુજરાતમાં નાગરશૈલીનો વિકાસ ઈ. સ. 941થી 1131ના ગાળામાં થયો હતો. અહીં બનેલાં મંદિરો નાગરશૈલીનાં અન્ય મંદિરો કરતાં સ્થાપત્યની દૃષ્ટિએ સમૃદ્ધ તથા રમ્ય ગણાય છે. અહીં મંદિરની રચનામાં કુંડ તથા તોરણદ્વારનો ઉમેરો થયો. બાકીનાં અન્ય અંગો જેવાં કે ગર્ભગૃહ, અંતરાળ, મુખ્યમંડપ, અર્ધમંડપ, પ્રવેશમંડપ વગેરે યથાવત્ રહ્યાં; પણ પીઠ, મંડોવર, વિમાન તથા શિખરની રચનામાં નાજુક કોતરણીને કારણે સમગ્ર મંદિર એક વિશાળ શિલ્પ સમું બની રહ્યું. મંદિરના મંચ પર ગ્રાસપટ્ટી, ગજપીઠ, અશ્વથર તથા નરથરની કોતરણી અહીં સ્પષ્ટ બની અને ખજૂરાહોની જેમ શિખરની રચના સમમિતીય રીતે ગોઠવેલા ઉરશૃંખ વડે કરાતી. આ વર્ગનાં મંદિરોમાં દશમી સદીમાં બનાવાયેલ સુણકનું મંદિર, ઈ. સ. 1050માં બનાવાયેલ મોઢેરાનું સૂર્યમંદિર તથા ઘૂમલીનું નવલખા મંદિર ઉપરાંત બારમી સદીમાં બનાવાયેલ સોમનાથનું મંદિર મુખ્ય છે.
અગિયારમી સદીથી તેરમી સદીમાં દક્ષિણમાં વિકસેલ નાગરશૈલીમાં શિખર અલગ તરી આવે છે. અહીં શિખરને વધુ ઊર્ધ્વતા અપાઈ છે અને મંદિરનો સંપૂર્ણ આકાર વધુ ઔપચારિક બનાવાયો. આ શૈલીનાં મંદિરોના મંડપના શિખરની રચના નાનાં નાનાં શિખરના સમૂહ જેવી બનાવાઈ છે. વળી આ વર્ગના મંદિરના સ્તંભો પણ અલગ તરી આવે છે. અગિયારમી સદીમાં થાનમાં બનાવાયેલ અંબરનાથનું મંદિર, બારમી સદીમાં કોકમધામ પેડગાંવમાં બનાવાયેલ અનુક્રમે જગદંબા દેવી તથા લક્ષ્મીનારાયણનાં મંદિરો તથા તેરમી સદીમાં ઔંધમાં બનાવાયેલ નાગનાથનું મંદિર આ શૈલીનાં ઉલ્લેખનીય મંદિરો છે.
નાગરશૈલીના આ પાંચ મુખ્ય વિભાગ ઉપરાંત અગિયારમી સદીમાં ગ્વાલિયરમાં તથા સોળમી સદીમાં વૃન્દાવનમાં પણ નાગરશૈલીનાં મંદિરોની આગવી પ્રાંતીય ઓળખ વિકસી હતી; જેમાં ગ્વાલિયરનાં સાસ-બહુનું તથા તેલિકાનું મંદિર તથા વૃન્દાવનનું ગોવિંદદેવીનું મંદિર ઉલ્લેખનીય છે.
નાગરશૈલીનાં મંદિરના લક્ષણો : મંદિરસ્થાપત્યની વિવિધ શૈલીમાં નાગરશૈલીનાં મંદિરો વિશિષ્ટ લક્ષણો ધરાવે છે. (1) નાગરશૈલીનાં શિખરોના મજલાઓને જુદા પાડતાં આધાર ચિહનો લુપ્ત થઈને લાંબી રેખાઓમાં પરિણમ્યાં છે અર્થાત્ તેનાં શિખરો રેખાન્વિત છે. (2) નાગરશૈલીનાં મંદિરોનાં શિખરોનાં ભાગમાં મુખ્ય શિખર (મૂલમંજરી) ઉપરાંત ઉરુશૃંગ, શુંગ, પ્રત્યંગ વગેરે ગૌણ શિખરો હોય છે. (3) શિખરની ટોચ ઉપર આમલક, કળશ અને અંડક મૂકવામાં આવે છે. (4) નાગરશૈલીનાં મંદિરોમાં અંતરાલની ઉપર શુકનાસ અને મંડપની ઉપર સંવર્ણા- (સામરણ)ની રચના હોય છે. (5) નાગરશૈલીનાં મંદિરોના તલમાનમાં (ground plan) એક કરતાં વધુ નિર્ગમો(ફાલના, રથ – projectivns )ની રચના હોય છે. આનાથી તલમાનનો આકાર તારા જેવો થાય છે. તલમાનમાં યોજવામાં આવેલો આ આકાર તલમાનથી માંડીને છેક શિખર સુધી એક સરખી રીતે પ્રયોજાય છે. (6) નાગરશૈલીનાં મંદિરો મોટેભાગે ઉત્તર ભારતમાં જોવા મળે છે.
હેમંત વાળા
થોમસ પરમાર