નાગરવાડિયા, વીરબાળાબહેન (જ. 1 ઑગસ્ટ 1913, કરાચી; અ. 15 ઑગસ્ટ 2006, અમદાવાદ) : સ્વાતંત્ર્યસેનાની, સમાજસેવિકા અને વૃદ્ધાશ્રમ-પ્રવૃત્તિના પ્રણેતા. તેમના પિતાશ્રી મહિલાઓના સમાન અધિકારોના પુરસ્કર્તા હોવાથી પુત્રીને સમાજસેવાનાં કાર્યોમાં અને સ્વાતંત્ર્ય-લડત માટે પ્રોત્સાહિત કરતા.
ભારતની સ્વાતંત્ર્ય-લડતના પ્રભાવ હેઠળ તેમણે વિદેશી કપડાંનો મોહ છોડ્યો અને ખાદી અપનાવી. પૂરી હિંમત અને જુસ્સાથી તેઓ દારૂનાં પીઠાં પર જઈ પિકેટિંગ કરતાં. વળી કેડે કટાર પણ ખોસેલી રાખતાં, જેથી આકસ્મિક હુમલાનો પ્રતિકાર કરી શકાય. આ કાર્યોની સક્રિયતાને કારણે આઠેક દિવસનો ટૂંકો જેલવાસ પણ તેમણે હસતા મુખે સ્વીકારેલો. 1930ની દાંડીકૂચમાં તેમણે ભાગ લીધો હતો. કૉંગ્રેસપત્રિકાઓ એ વેળા પ્રતિબંધિત સાહિત્યની કક્ષામાં આવતી હોવાથી રાત્રે ગુપ્ત રીતે તે છાપી ગુજરાતને ગામેગામ પહોંચાડવામાં તેઓ સક્રિય હતાં. જે પણ કાર્ય હાથ ધરે તેમાં પૂરી લગનથી ખૂંપી જવાનો ગુણધર્મ તેઓ ધરાવતાં હતાં.
1936માં અખિલ હિંદ મહિલા પરિષદનાં મંત્રી બની, 12 વર્ષ સુધી તે હોદ્દા પર સક્રિયતાથી કામ કર્યું. 1960માં તેઓ આ સંસ્થાનાં પ્રમુખ બન્યાં. આ અરસામાં અમદાવાદના ખમાસા ગેટ પાસે બાલમાંગલ્ય કેન્દ્રનો કાર્યભાર પણ તેમણે સંભાળ્યો હતો. આજે પણ આ સંસ્થા પાલડી ખાતે કાર્યરત છે.
1960માં તેમણે મહિલા સહાયક સરકારી મંડળી સ્થાપી બહેનો માટે ગૃહ-ઉદ્યોગ શરૂ કરી તેમને પગભર કરીને સ્થાયી કમાણી પૂરી પાડવામાં સહાય કરી. આ જ અરસામાં વ્યવસાયી મહિલાઓ માટેની હૉસ્ટેલ શરૂ કરાવવામાં પણ તેમનું યોગદાન હતું.
આ ઉપરાંત મહાગુજરાત આંદોલનમાં તેઓ સક્રિય હતાં. વેસ્ટર્ન રેલવે સલાહકાર બોર્ડની સમિતિમાં બે વર્ષ કાર્યરત રહ્યાં હતાં. 1965માં અખિલ હિંદ મહિલા પરિષદની ગુજરાત શાખાના પ્રમુખપદે રહીને તેમણે વૃદ્ધ અને નિરાધાર બહેનોને અનાજ-વિતરણ કરવાની પ્રવૃત્તિ, દુષ્કાળ-નિવારણ જેવી પ્રવૃત્તિ વગેરેમાં નિષ્ઠાપૂર્વક કાર્ય કર્યું હતું.
આ પ્રવૃત્તિઓ સાથે સમાજના વૃદ્ધજનોના પ્રશ્ર્નો પર તેમની નજર મંડાઈ. અમદાવાદમાં તે વેળા મણિનગર અને મીરઝાપુરમાં વૃદ્ધાશ્રમો આરંભાયેલા. તેમણે આ સંસ્થાઓ પર ધ્યાન કેન્દ્રિત કરી તેમને અધિક સમય અને શક્તિ પૂરાં પાડ્યાં. પરિણામે મણિનગર વૃદ્ધાશ્રમના મુખ્ય સંચાલક સમરથલાલ વૈદ્યના અવસાનથી તે વૃદ્ધાશ્રમની જવાબદારી તેમને સુપરત કરવામાં આવી. આ સંસ્થાના કાર્યક્ષમ સંચાલનથી પ્રેરાઈને અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશને નારણપુરા વિસ્તારમાં છ હજાર વાર ખુલ્લી જગ્યા વૃદ્ધાશ્રમના હેતુસર આપી. ત્યાં તેમણે 2 કરોડના ખર્ચે ‘જીવનસંધ્યા’ નામે બેનમૂન વૃદ્ધાશ્રમ વિકસાવી તરછોડાયેલાં વૃદ્ધજનોને સન્માનભેર જીવન વ્યતીત કરવાની આધુનિક સગવડો ઊભી કરી છે. જીવનનાં અંતિમ વર્ષો સુધી ‘જીવનસંધ્યા’નાં કાર્યોમાં તેઓ ઓતપ્રોત થયેલાં હતાં. આમ છતાં વિરક્ત ભાવ તો એવો કે ‘ચિઠ્ઠી ફાડીને બેઠી છું’ એમ કહી અંતિમ પ્રયાણ માટે સદાય તત્પર રહેતાં.
રક્ષા મ. વ્યાસ