નાગદા : મધ્યપ્રદેશ રાજ્યનું એક ઔદ્યોગિક નગર. તે ઉજ્જૈન જિલ્લાના ખાયરોદ તાલુકામાં 23° 27´ ઉ. અ. અને 75° 25´ પૂ. રે. પર ઉજ્જૈનથી આશરે 45 કિમી. પર આવેલું છે. તેની પશ્ચિમે રતલામ, ઉત્તરે જાવરા, પૂર્વે મહિદપુર તથા દક્ષિણે ઉજ્જૈન આવેલાં છે. તે પશ્ચિમ રેલવેના મુંબઈ–દિલ્હી માર્ગ પર આવેલું જંકશન છે. રાજકોટ–ભોપાલ રેલમાર્ગ ત્યાંથી પસાર થાય છે.

ઔદ્યોગિક નગર તરીકે આઝાદી પછી તેનો ઝડપી વિકાસ થયો છે. ત્યાં રેયૉન, રેશમ, રસાયણ તથા ખાંડનાં કારખાનાંઓ છે.

નગરનું સરેરાશ વાર્ષિક તાપમાન 32.6° સે. રહે છે. ત્યાં વાર્ષિક સરેરાશ વરસાદ 1350 મિમી. પડે છે.

1961માં તેને નગરનો દરજ્જો આપવામાં આવ્યો. ત્યાં નગરપાલિકા ઉપરાંત પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શાળાઓ તથા વિનયન, વાણિજ્ય અને વિજ્ઞાન વિદ્યાશાખા ધરાવતું મહાવિદ્યાલય છે. ત્યાંનું બિરલા મંદિર આકર્ષણનું કેન્દ્ર છે.

તેની વસ્તી આશરે 74,000 (2011) છે.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે