નાકામુરા, શૂજી (Nakamura, Shuji) (. 22 મે 1954, ઈકાતા, એહિમ, જાપાન) : વાદળી પ્રકાશ ઉત્સર્જિત કરતા ડાયૉડ(LED)ની શોધ માટે 2014નો ભૌતિકશાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર મેળવનાર વિજ્ઞાની. આ પુરસ્કાર તેમને ઈસામુ આકાસાકી તથા હિરોશી અમાનો સાથે સંયુક્ત રીતે મળ્યો હતો.

શૂજી નાકામુરા

નાકામુરાએ જાપાનમાં આવેલી યુનિવર્સિટી ઑવ્ ટોકુશિમામાંથી 1977માં ઇલેક્ટ્રૉનિક ઇજનેરીમાં સ્નાતકની પદવી પ્રાપ્ત કરી. બે વર્ષ બાદ અનુસ્નાતકની પદવી પણ પ્રાપ્ત કરી. તે પછી ટોકુશિમા સ્થિત નિચિયા કૉર્પોરેશનમાં જોડાયા. અહીં તેમણે ઉચ્ચ દીપ્તિમાન (પ્રકાશિતતા) ધરાવતા ગૅલિયમ નાઇટ્રાઇડ LED(અર્થાત્ લાઇટ એમિટિંગ ડાયૉડ)ની શોધ કરી. એનો તેજસ્વી વાદળી પ્રકાશ ફૉસ્ફર આવરણ દ્વારા પીળા પ્રકાશમાં રૂપાંતરિત કરવામાં આવ્યો, જેના કારણે સફેદ LED પ્રકાશનો ઉદ્ભવ થયો અને 1993માં કાર્યક્ષમ સફેદ LEDનું ઔદ્યોગિક ધોરણે ઉત્પાદન શરૂ થયું.

1994માં તેમને યુનિવર્સિટી ઑવ્ ટોકુશિમા દ્વારા ડૉક્ટર ઑવ્ એન્જિનિયરિંગની પદવી આપવામાં આવી. 1999માં તેઓ યુનિવર્સિટી ઑવ્ કૅલિફૉર્નિયા, સાન્તા બાર્બરામાં પ્રાધ્યાપક તરીકે જોડાયા. તેમના દ્વારા શોધાયેલા સફેદ LED અને વાદળી (નીલ) LEDનો ઉપયોગ HDDVDમાં થાય છે. તેમણે લીલા LED(Green LED) પર પણ કામ કર્યું છે. તેમના નામે 100થી પણ વધુ પેટન્ટ છે.

અત્યાર સુધીમાં નાકામુરાને અનેક ઇનામો અને પુરસ્કારો મળ્યાં છે. 2015માં તેમને કાર્યક્ષમ સફેદ LED પ્રકાશ ટૅક્નૉલૉજી વિકસાવવા માટે ગ્લોબલ એનર્જી પ્રાઇઝ અર્પણ કરવામાં આવ્યું. 2017માં તેમને માઉન્ટબૅટન ચંદ્રક મળ્યો. 2018માં ઝાયેદ ફ્યૂચર એનર્જી પ્રાઇઝ પ્રાપ્ત થયું.

અત્યારે તેઓ યુનિવર્સિટી ઑવ્ કૅલિફૉર્નિયા, સાન્તા બાર્બરામાં દ્રવ્ય-વિજ્ઞાન(materials science)ના પ્રાધ્યાપક તરીકે કાર્યરત છે.

પૂરવી ઝવેરી