નાકાસોને, યાશુહિરો (. 27 મે 1918, તાકાસાકી, જાપાન; 29 નવેમ્બર 2019, ટોકિયો, જાપાન) : જાપાની રાજકીય નેતા, મુત્સદ્દી અને વડાપ્રધાન (1982).

યાશુહિરો નાકાસોને

ધનિક વ્યાપારીના પુત્ર નાકાસોનેએ ટોકિયો યુનિવર્સિટીમાંથી કાયદાના વિષયમાં સ્નાતકપદ મેળવ્યું. દ્વિતીય વિશ્વયુદ્ધ દરમિયાન લેફ્ટનન્ટ તરીકે જાપાની નૌકાદળમાં સેવાઓ આપી. હિરોશીમા પર ઝીંકવામાં આવેલ અણુબૉમ્બના તેઓ દૂરના સાક્ષી રહ્યા. 1947માં ડાયટ(જાપાનીઝ પાર્લમેન્ટ)ના નીચલા ગૃહમાં ચૂંટાઈ આવ્યા અને ત્યારબાદની અનુગામી ચૂંટણીઓમાં પોતાની બેઠક જાળવી રાખી. ડાયટમાં લિબરલ ડેમૉક્રેટિક (કન્ઝર્વેટિવ) પાર્ટીના સભ્ય તરીકે ચૂંટાયેલા નાકાસોનેએ 1945માં ગૃહ-મંત્રાલયમાં પ્રવેશ કર્યો. 1959–82 સુધીના ગાળામાં તેમણે જુદાં જુદાં મંત્રીપદો સંભાળ્યાં.

વડાપ્રધાન સુઝુકી ઝેન્કોએ પોતાના પદેથી રાજીનામું આપ્યા બાદ (ઑક્ટોબર, 1982) શક્તિશાળી તાનાકા કાકુઈના સાથી એવા નાકાસોનેને વડાપ્રધાન બનાવ્યા. જાપાની સેનાને પુન: શસ્ત્રસજ્જ કરવા માટે બંધારણ સુધારવાનો પ્રશ્ન ઉઠાવનાર તેઓ જાપાનના પ્રથમ વડાપ્રધાન હતા. તેમનું આ સૂચન ઘરઆંગણે અને વિદેશમાં ભારે વિવાદાસ્પદ બની રહ્યું. સ્થગિત અર્થતંત્ર એ બીજી સમસ્યા હતી. લોકહીડ લાંચ પ્રકરણમાં તાનાકા કસૂરવાર પુરવાર થતાં વિરોધપક્ષના દબાણ નીચે ડિસેમ્બર, 1983માં વહેલી ચૂંટણી આપવી પડી. આ ચૂંટણીમાં લિબરલ ડેમૉક્રેટિક પાર્ટી સંપૂર્ણ બહુમતી મેળવી શકી નહિ; પરંતુ નાકાસોનેએ મિશ્ર કૅબિનેટ-પ્રધાનમંડળની રચના કરીને પોતાનો હોદ્દો જાળવી રાખ્યો. વડાપ્રધાન તરીકે નાકાસોનેએ અમેરિકા-જાપાન સલામતી સંધિને બહાલ રાખવાની વાતને ટેકો પૂરો પાડ્યો. તેમણે અમેરિકન પ્રમુખ રૉનાલ્ડ રેગન સાથે ગાઢ સંબંધ જાળવી રાખ્યો હતો.

નવનીત દવે