નાઇલ : આફ્રિકા ખંડમાં આવેલી દુનિયાની સૌથી લાંબી નદી. તેની કુલ લંબાઈ 6671 કિમી. છે, જે પૈકી 2700 કિમી. જેટલો પ્રવાહપથ રણવિસ્તારમાંથી પસાર થાય છે, જ્યારે 3200 કિમી. જેટલો પ્રવાહપથ નૌકાવ્યવહાર માટે અનુકૂળ બની રહે છે. મધ્યપૂર્વ આફ્રિકામાં વિષુવવૃત્ત નજીક આવેલું વિક્ટોરિયા સરોવર આ નદીનું ઉદગમસ્થાન ગણાય છે અને નદીને પાણીનો સ્રોત પૂરો પાડે છે; પરંતુ તેનું ખરેખર મૂળ આ સરોવરથી દક્ષિણે આવેલા ટાંગાનિકા સરોવરની નજીક આવેલું છે.  આ ઉપરાંત રુઆન્ડા અને તાન્ઝાનિયાની કાગેરા નદી, બુરુન્ડીની રુવિરોન્ઝા નદી તથા સુદાનની અતબારા નદીનાં પાણી પણ તેમાં ઠલવાય છે. આ નદી મધ્ય-પૂર્વ આફ્રિકાના દક્ષિણ ભાગમાંથી શરૂ થઈ દક્ષિણથી ઉત્તર દિશા તરફ વહે છે, તેનો પ્રવાહપથ બુરુન્ડી, રુઆન્ડા, યુગાન્ડા, સુદાન અને ઇજિપ્તમાંથી પસાર થઈને ભૂમધ્ય સમુદ્રમાં તેનાં પાણી ઠાલવે છે. ઇજિપ્તના પાટનગર કૅરોની ઉત્તરે તેના વિશાળ ત્રિકોણપ્રદેશનો શિરોભાગ શરૂ થાય છે, જ્યાંથી તે ફાંટાઓમાં વિભાજિત થઈ ભૂમધ્ય સમુદ્રના કિનારે આવેલા પૉર્ટસઈદથી ઍલેક્ઝાન્ડ્રિયા સુધીના દરિયાકિનારાને આવરી લે છે. આફ્રિકા ખંડના કુલ વિસ્તારનો લગભગ એક દશાંશ ભાગ આ નદીના ખીણપ્રદેશોએ આવરી લીધેલો છે.

આસ્વાન પાસે વહેતી નાઇલ નદી

ઇજિપ્તના જે વિસ્તારમાંથી તે પસાર થાય છે ત્યાં તેણે બનાવેલા ખીણપ્રદેશો અને ત્રિકોણપ્રદેશ દુનિયાના સૌથી વધુ ફળદ્રૂપ પ્રદેશો ગણાય છે. ઇજિપ્તના કુલ વિસ્તારમાંથી ત્રણ ટકા જેટલો ભાગ આ ફળદ્રૂપ પ્રદેશોએ આવરી લીધેલો છે. ઇજિપ્તની 24 લાખ હેક્ટરની જમીનને તથા સુદાનની 13 લાખ હેક્ટર જમીનને આ નદી સિંચાઈનું પાણી પૂરું પાડે છે. નાઇલના આ ફળદ્રૂપ ખીણ પ્રદેશમાં ઘાસચારા તરીકે કામમાં આવતા છોડ, ઘઉં, કઠોળ તથા શાકભાજી ઉપરાંત ઉનાળુ પાકોમાં કપાસ, મકાઈ અને બાજરી થાય છે. આ પૈકી કપાસ એ ઇજિપ્તના અર્થતંત્ર માટે સૌથી મહત્ત્વની પેદાશ ગણાય છે. સિંચાઈ હેઠળના વિસ્તારનું વિસ્તરણ તથા કૃષિપેદાશોના ઉત્પાદનનું વિસ્તરણ – આ બંને બાબતોમાં ઇજિપ્ત અને સુદાન આ નદી પર મુખ્ય આધાર રાખે છે.

નાઇલ નદીનો પ્રવહન માર્ગ

ટાંગાનિકા નજીકના ઉચ્ચપ્રદેશથી ભૂમધ્ય સમુદ્ર સુધીના પ્રવાહપથમાં નાઇલ નદીના સાત વિભાગો પાડે છે :
(1) પૂર્વ આફ્રિકાના ઉચ્ચ પ્રદેશમાં આવેલાં સરોવરો પાસે થઈને વહેતી નાઇલ, (2) પર્વતીય નાઇલ (બહર-અલ-જાબેલ), (3) શ્વેત નાઇલ (White Nile, અલ-બહર-અબિયદ), (4) ભૂરી નાઇલ (Blue Nile, અલ-બહર-અલ-અઝરક), (5) આતબારા, (6) ખાર્ટુમ(સુદાન)ની ઉત્તર તરફની નાઇલ, અને (7) ત્રિકોણપ્રદેશીય નાઇલ.

શ્વેત નાઇલ, બહર-અલ-જાબેલ તથા પૂર્વ આફ્રિકી જળાશયો- (સરોવરો)ના પ્રદેશોમાં માલધારીઓ અને ઢોર ચારનારાઓ, ઉત્તર સુદાનમાં ઢોર તથા ઊંટ ઉછેરનારાઓ અને ભટકતી જાતિઓ તેમજ ઉત્તર તરફના સિંચાઈવાળા પ્રદેશોમાં ખેડૂતો અને માછીમારોની વસ્તી છે.

નદીના દક્ષિણ ભાગમાં હાથી, ભેંસ, ચિત્તા, સિંહ, જંગલી સૂવર, હિપોપૉટેમસ, વાંદરા તથા જાતજાતનાં પક્ષીઓ જોવા મળે છે. આ વિસ્તારનાં સરોવરો અને નદીઓમાં મગર, મેદાની પ્રદેશોમાં સાપ તથા પેટે ચાલનારાં અન્ય પ્રાણીઓ રહે છે. નદીના ઉત્તર તરફના વિસ્તારોમાં ઊંટ, ગધેડાં, ઘેટાં-બકરાં જેવાં પ્રાણીઓની વસ્તી છે.

આ નદી પર 1861માં સૌથી પ્રથમ બંધ બાંધવામાં આવ્યો હતો. ત્યારપછી પણ બીજા કેટલાક બંધ બાંધવામાં આવેલા છે. 1960માં અગ્નિ-ઇજિપ્તના આસ્વાન નગરની બાજુમાં નાસર જળાશયના ઉત્તર તરફના કિનારા પર 111 મી. ઊંચો અને 3.7 કિમી. લાંબો આસ્વાન બંધ બાંધવાનું શરૂ કરવામાં આવેલું. 1968થી તે બંધ ચાલુ થયેલો છે. ઑગસ્ટ માસની વર્ષાઋતુમાં આ બંધ નાઇલ નદીનાં ઊછળતાં પાણીને, તેના ધસમસતા પ્રવાહને રોકી રાખે છે. આ બંધને કારણે પૂરનિયંત્રણની સમસ્યાનું નિરાકરણ તો થયું છે જ. પરંતુ નાસર જળાશયમાં ભરાયેલા વધારાના પાણીનો ઉપયોગ અન્ય ઋતુઓ દરમિયાન 800 હેક્ટર જમીનને સિંચાઈનું પાણી પૂરું પાડવામાં પણ થાય છે. સિંચાઈની આ સગવડથી આ વિસ્તારની કૃષિપેદાશોમાં ખૂબ વધારો થયો છે. આ ઉપરાંત, સંચિત જળથી જળવિદ્યુતનો પણ લાભ મળ્યો છે.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે