નાઇસ : વિકૃત ખડકનો એક પ્રકાર. એવો સ્થૂળદાણાદાર ખડક કે જેમાં દાણાદાર ખનિજઘટકોથી બનેલા પટ્ટા વારાફરતી શિસ્ટોઝ સંરચનાવાળા પટ્ટાઓ સાથે ગોઠવાયેલા જોવા મળે છે. આવી ગોઠવણી મોટેભાગે વ્યવસ્થિત હોય છે. આ પ્રકારની ગોઠવણીને કે દેખાવને નાઇસિક, નાઇસોઇડ કે નાઇસોઝ સંરચના કહેવાય છે. આ સંરચના મિશ્ર પ્રકારની હોવાથી તેના ખનિજીય બંધારણ અને કણરચનામાં તફાવત હોય છે. શિસ્ટોઝ પટ્ટાઓમાં અબરખ અને/અથવા હૉર્નબ્લેન્ડ (ઍમ્ફિબોલ) ખનિજ ઘટકો હોય છે. પરંતુ પાઇરૉક્સીન ખનિજઘટક તો ક્યારેક જ જોવા મળે છે. દાણાદાર પટ્ટાઓમાં આવશ્યકપણે ક્વાર્ટ્ઝ-ફેલ્સ્પેથિક ઘટકો હોય છે. આ પટ્ટામાંનાં ખનિજો વ્યવસ્થિત દિશાકીય સ્થિતિ બતાવે છે, જે ક્યારેક નથી પણ હોતી. ખડકના બંધારણમાં જોવા મળતા પટ્ટાઓની જાડાઈ એક મિમી.થી માંડીને અનેક સેમી. સુધીની હોઈ શકે છે, જે ક્યારેક સળંગ એકધારી નથી રહેતી. કેટલાક નાઇસ ખડકોમાં ક્વાર્ટ્ઝ-ફેલ્સ્પેથિક પટ્ટાઓમાં ઉત્પત્તિસ્થિતિના સંજોગો મુજબ, અમુક ખનિજો ગઠ્ઠા સ્વરૂપે, મોટેભાગે આંખ જેવા આકારમાં પણ વિકાસ પામેલાં હોય છે. આ પ્રકારના દેખાવને ચક્ષુસમ રચના (augen structure) કહેવાય છે અને એવા ખડકને ઓગેન નાઇસ કહે છે.

‘નાઇસોઝ’ શબ્દ ક્વચિત્ ગ્રૅનાઇટ માટે પણ વપરાય છે, જેમાં બાયૉટાઇટ સ્ફટિકો છૂટાછવાયા હોવા છતાં એક દિશાકીય રેખામાં ગોઠવાયેલા હોય ત્યારે તે ગ્રૅનાઇટ નાઇસ કે નાઇસોઝ ગ્રૅનાઇટ તરીકે ઓળખાય છે. આ પ્રકારના ગ્રૅનાઇટ અને પટ્ટાવાળા નાઇસ વચ્ચેના જુદા જુદા કક્ષાકીય પ્રકારો પણ તૈયાર થયેલા જોવા મળેલા છે. જોકે કેટલાક નાઇસોઝ ગ્રૅનાઇટને આ કારણથી પ્રવાહ પટ્ટાયુક્ત ગ્રૅનાઇટ તરીકે ઓળખવામાં આવેલા છે.

નાઇસોઝ લક્ષણવાળા, પણ એકલા હૉર્નબ્લેન્ડથી બનેલા ખડકને હૉર્નબ્લેન્ડ શિસ્ટ કહેવાનું વધારે ઉચિત ગણાવેલું છે.

સ્તરવિદ્યાત્મક સંદર્ભમાં પણ ક્યારેક આ શબ્દ ઉપયોગમાં લેવાય છે; જેમ કે, લ્યુઇસિયન નાઇસ, બેઝમેન્ટ નાઇસ.

ભૂસ્તરશાસ્ત્ર અને ખાણકામ એ બંનેના સંદર્ભમાં ‘નાઇસ’ એ જૂનો, પ્રચલિત થઈ ગયેલો શબ્દ છે. ઑસ્ટ્રિયાના અર્ઝગેબર્ઝના ખાણિયાઓ દ્વારા ત્યાંથી નીકળતા ધાતુખનિજ સાથે સંકળાયેલા પ્રાદેશિક ખડક માટે તે સર્વપ્રથમ પ્રયોજાયેલો; જોકે તેનો વ્યાખ્યાત્મક અર્થવિસ્તાર તો બહોળો છે, જે તેના બંધારણ કરતાં વધુ રચનાત્મક અર્થમાં લેવાય છે; ખરેખર તો, આ પર્યાય પટ્ટાવાળા, સ્થૂળ દાણાદાર પત્રબંધી રચના (foliated) સહિતના ખડકપ્રકારભેદો માટે ઉપયોગમાં લેવાતો રહ્યો છે. ‘પ્રી-કૅમ્બ્રિયન નાઇસ’ શબ્દ પૃથ્વીના આદિપોપડાનું દ્રવ્યબંધારણ જેનાથી થયેલું તેને માટે પણ વપરાયેલો. આધુનિક અર્થસમજ પ્રમાણે નાઇસ(= પ્રાથમિક નાઇસ)ની વ્યાખ્યામાં આ ખડકને અંત:કૃત અગ્નિકૃત ઉત્પત્તિજન્ય અર્થમાં ઘટાવાય છે, જેમાં સ્ફટિકીકરણ પામતા વિષમાંગ મૅગ્માની પ્રવાહવહનની, હલનચલન દ્વારા પટ્ટાસ્વરૂપની, ગોઠવણી ઉત્પન્ન થાય છે.

ઉચ્ચ કક્ષાની પ્રાદેશિક વિકૃતિ દરમિયાન બનતા પટ્ટાવાળા ખડકો નાઇસ નામ નીચે મુકાય છે અને તેમાં તૈયાર થતા ખડકપ્રકારો જુદી જુદી ઉત્પત્તિસ્થિતિવાળા હોય છે.

મૂળ માતૃખડકપ્રકાર અને ઉત્પત્તિસ્થિતિ મુજબ નાઇસના જુદા જુદા પ્રકારો તૈયાર થાય છે; દા.ત., જળકૃત માતૃખડકમાંથી પૅરાનાઇસ અને અગ્નિકૃત માતૃખડકમાંથી ઑર્થોનાઇસ તૈયાર થાય છે. આ ઉપરાંત લિટ-પાર-લિટ નાઇસ, ઇંજેક્શન નાઇસ, સેગ્રિગેશન નાઇસ, મિગ્મેટાઇટ નાઇસ અન્ય પ્રકારો છે.

લાક્ષણિક નાઇસ ખડકો તો ઊંચી કક્ષાની વિકૃતિ પામેલા, સ્થૂળદાણાદાર, અનિયમિત પટ્ટાઓવાળા કે પત્રબંધી રચનાવાળા હોય છે, તે મુખ્યત્વે (ગ્રૅનાઇટ બંધારણને સમકક્ષ) ક્વાર્ટ્ઝ અને ફેલ્સ્પાર તેમજ થોડા બાયૉટાઇટના ખનિજબંધારણવાળા હોય છે. જેમ જેમ કણકદ સૂક્ષ્મ થતું જાય અને અબરખનું પ્રમાણ વધતું જાય તેમ તેમ નાઇસ મૃદ-ખનિજવાળા શિસ્ટ(pelitic schist)માં ફેરવાય છે. એ જ રીતે, સૂક્ષ્મ કણકદ અને ઘટતા અબરખપ્રમાણથી કે અબરખની અવેજીમાં ગાર્નેટ આવે તો નાઇસ ઓછી પત્રબંધરચનાવાળા બની રહે છે અને ગ્રૅન્યુલાઇટમાં ફેરવાય છે.

પ્રાથમિક નાઇસ (primary gneiss) નામ એ ગ્રૅનાઇટીભવનની પ્રાદેશિક ક્રિયા સાથે સંબંધિત વિસ્થાપનીય, મિગ્મેટાઇટ ઉત્પત્તિજન્ય ખડકપેદાશને અપાયું છે. ગેડપર્વતોના ઊંડા મૂળ વિભાગો(deep root zone)માં છિદ્ર-પ્રવાહી સ્વભેદિત ગલન દ્વારા ઉત્પન્ન થાય છે (આ ક્રિયાને palingenesis અથવા anatexis કહે છે.) ઘનસ્વરૂપ અવશિષ્ટ દ્રવ્ય સાથે રહેલા નિક્ષેપદ્રવ્ય મૅગ્માજન્ય પ્રવાહીમાં સંડોવાય છે, જે નિક્ષેપો સાથે પ્રતિક્રિયા કરે છે અને વિસ્થાપનીય રૂપાંતરમાં મિગ્મેટાઇટ નાઇસ બનાવે છે. લિટ-પાર-લિટ નાઇસ અને ઓગેન નાઇસ આ કક્ષામાં મુકાય.

પૅરાનાઇસ મૂળ જળકૃત માતૃદ્રવ્યમાંથી થયેલી ઉત્પત્તિનો નિર્દેશ કરે છે. પર્વતીય પટ્ટાઓના ઊંડા વિભાગોમાંનું કોઈ પણ પ્રકારનું જળકૃતદ્રવ્ય ઊંચા તાપમાને અને દબાણ હેઠળ પુન:સ્ફટિકીકરણ પામે. (ઍમ્ફિબોલાઇટ કે ગ્રૅન્યુલાઇટ વિકૃતિ પ્રકારના સંજોગો). આ સંજોગ સાથે જો ગ્રૅનાઇટ બંધારણવાળી બાષ્પ ભળે તો પૅરાનાઇસના ભિન્ન ભિન્ન પ્રકારો ઉદભવી શકે. જો માતૃદ્રવ્ય મૃદબંધારણવાળું હોય તો તૈયાર થતા નાઇસમાં મસ્કોવાઇટ, બાયૉટાઇટ, ગાર્નેટ (આલ્મેન્ડાઇન), કૉર્ડિરાઇટ, કાયનાઇટ કે સિલિમેનાઇટ વધુ હોય ; જો માતૃદ્રવ્ય ચૂનાયુક્ત હોય તો નાઇસમાં એપિડોટ, ઓગાઇટ, ગાર્નેટ (ગ્રૉસ્યુલેરાઇટ) અને વોલેસ્ટોનાઇટ વધુ હોય. પટ્ટાવાળા ઘણા નાઇસખડકોની ઉત્પત્તિસ્થિતિ જળકૃત માતૃદ્રવ્ય હોવાનું સૂચવે છે.

ઑર્થોનાઇસ મૂળ અગ્નિકૃત માતૃદ્રવ્યમાંથી થયેલી ઉત્પત્તિની પેદાશ છે, જેમાં નાઇસ કાઇનેટિક વિકૃતિ (= રાસાયણિક પુનર્ગોઠવણીવિહીન ખડકવિરૂપતા) દ્વારા ઉત્પન્ન થયેલી હોય છે. ફ્લેસર ગ્રૅનાઇટ અને ફલેસર ગૅબ્રો એ વિકૃતિની પ્રાથમિક કક્ષાનું સૂચન કરે છે; તેમાં પુન: સ્ફટિકીકરણનો વિકાસ થતાં તેને ફ્લેસર ગૅબ્રો-નાઇસ નામ અપાય છે.

સામાન્ય સ્થિતિ-સંજોગ પ્રમાણે તો ‘નાઇસ’ શબ્દ ગ્રૅનાઇટ બંધારણનો નિર્દેશ કરે છે; એવા બંધારણવાળા લાક્ષણિક નાઇસ ખડકો પ્રી-કૅમ્બ્રિયન પ્રદેશોના વિશાળ વિસ્તારોને આવરી લે છે અને પર્વતીય પટ્ટાઓના ઊંડા વિભાગોમાં તે જોવા મળે છે.

નાઇસ ખડકો ભારતના દ્વીપકલ્પની સપાટીનો ઘણો મોટો વિસ્તાર આવરી લે છે. ફન્ડામેન્ટલ કૉમ્પ્લેક્સ કે બેઝમેન્ટ કૉમ્પ્લેક્સ ખડકસંકુલ પૈકી આર્કિયન નાઇસ તરીકે તે જાણીતા બનેલા છે. હિમાલય વિસ્તારમાં દ્વીપકલ્પીય આર્કિયન નાઇસના પ્રતિનિધિ સેન્ટ્રલ નાઇસ તરીકે ઓળખાય છે. આ ઉપરાંત બૅંગાલ નાઇસ, બુંદેલખંડ નાઇસ અને ચાર્નોકાઇટ શ્રેણીના ખડકોનાં ઉદાહરણો નાઇસ ખડકપ્રકારો માટે મહત્ત્વનાં બની રહે છે. અરવલ્લી હારમાળા, મધ્યપ્રદેશ, ઓરિસા, અસમ અને છોટાનાગપુરમાં પણ નાઇસના વિવિધ પ્રકારો જોવા મળે છે. ભારતમાં મળી આવતા નાઇસને સમકક્ષ નાઇસ પ્રકારો બ્રહ્મદેશ (મ્યાનમાર) અને શ્રીલંકામાં પણ મળે છે.

ગિરીશભાઈ પંડ્યા