નાઇટ્રોપૅરેફિન : ઍલિફૅટિક સંયોજનોમાં ઊંચા ઉ. બિં. તથા ઊંચી આણ્વીય ધ્રુવીયતા ધરાવતાં નાઇટ્રોસંયોજનોની શ્રેણી.

પ્રોપેનનું 400° સે. તાપમાન તથા 1034 કિ. પાસ્કલ(kPa) (11 કિગ્રા. બ./સેમી.2) દબાણે પ્રત્યક્ષ નાઇટ્રેશન કરીને વ્યાપારી ધોરણે નાઇટ્રોપૅરેફિન મેળવાય છે. કેટલાંક નાઇટ્રોપૅરેફિનનાં ઉ. બિં. આ પ્રમાણે છે : નાઇટ્રોમિથેન, 101° સે. ; નાઇટ્રોઇથેન, 114° સે. ; 1–નાઇટ્રોપ્રોપેન, 131° સે. ; તથા 2–નાઇટ્રોપ્રોપેન, 120° સે.

પ્રાથમિક (RCH2NO2) તથા દ્વિતીયક (RR1CHNO2)  નાઇટ્રોપૅરેફિન પાણી કરતાં વધુ પ્રબળ ઍસિડ હોઈ જલીય દ્રાવણમાં પ્રબળ બેઝ સાથે પ્રક્રિયા કરી જળદ્રાવ્ય લવણો બનાવે છે.

આમાંની એસી (aci) સ્થિતિ નાઇટ્રોપૅરેફિન દ્રાવણોનાં નીચાં pH સૂચવે છે. તૃતીયક (R3CNO2) નાઇટ્રોપૅરેફિનોમાં a – હાઇડ્રોજન ન હોવાથી ઉપર મુજબની પ્રક્રિયા કરતાં નથી. નાઇટ્રામિથેન પ્રબળ બેઇઝ સાથે પ્રક્રિયા કરીને મિથાઝોનિક ઍસિડનાં લવણો બનાવે છે.

પ્રાથમિક તથા દ્વિતીયક નાઇટ્રોપૅરેફિન આલ્ડિહાઇડ સાથે આલ્ડોલ પ્રકારનું સંઘનન દર્શાવે છે.

α- હાઇડ્રોજન પ્રાપ્ય હોય ત્યાં સુધી આ પ્રક્રિયા ફરી ફરીને કરી શકાય છે. પરિણામે પૉલિમિથીલોલ સંયોજનો મળે છે :

આ પૉલિમિથીલોલ સંયોજનોનું અપચયન કરીને ઔદ્યોગિક રીતે અગત્યનાં ઍમીનો આલ્કોહૉલ મેળવાય છે. નાઇટ્રોપૅરેફિનના ઍસિડિક જળવિભાજન દ્વારા કાર્બૉક્સિલિક ઍસિડ તથા હાઇડ્રૉક્સિલ એમાઇનનાં લવણો મળે

છે :

CH3CH2NO2 + HCl + H2O → CH3COOH + HONH3Cl

આ પ્રક્રિયા દ્વારા ઔદ્યોગિક અગત્ય ધરાવતું હાઇડ્રૉક્સિલ એમાઇન બનાવવામાં આવે છે. પ્રાથમિક તેમજ દ્વિતીયક નાઇટ્રોપૅરેફિનનું આલ્કલાઇન દ્રાવણમાં ઝડપથી હેલોજનીકરણ થાય છે. અહીં α- હાઇડ્રોજનનું વિસ્થાપન થાય છે. 1-ક્લોરો તથા 1, 1–ડાઇક્લોરો–નાઇટ્રોપૅરેફિન કીટનાશક તરીકે વપરાય છે. 2, 2-ડાઇનાઇટ્રોપ્રોપેન જેવાં પૉલિનાઇટ્રોપૅરેફિન ડીઝલ બળતણનો સિટેન આંક વધારવા તથા ડીઝલ મોટરમાં થતો ધુમાડો ઘટાડવા વપરાય છે. નાઇટ્રોપૅરેફિન સેલ્યુલોઝ વ્યુત્પન્નો, મીણ તથા ઊંચા અણુભારવાળાં સંયોજનો ઓગાળવા દ્રાવક તરીકે વપરાય છે.

જ. પો. ત્રિવેદી