નાઇટ્રેટ ઑર્ગૅનિક (આયુર્વિજ્ઞાન)
January, 1998
નાઇટ્રેટ ઑર્ગૅનિક (આયુર્વિજ્ઞાન) : હૃદયની નસો સંકોચાવાથી થતા દુખાવાની સારવારમાં વપરાતું ઔષધ. હૃદયના સ્નાયુની નસોમાં જ્યારે લોહી ઓછા પ્રમાણમાં વહે તો તેને હૃદ્-સ્નાયુની અલ્પરુધિરવાહિતા (myocardial ischaemia) કહે છે. તેનાથી થતા હૃદયના રોગને અલ્પરુધિરવાહી હૃદયરોગ (ischaemic heart disease) કહે છે. તેમાં કામ કરતાં કે બેઠાં બેઠાં છાતીમાં દુખાવો થાય તો તેને હૃદ્-પીડ (angina pectosis) કહે છે. ક્યારેક હૃદયના સ્નાયુનો કેટલોક ભાગ નાશ પામે છે. તેને હૃદયના સ્નાયુનો આંશિક નાશ (infarction) અથવા હૃદયસ્નાયુ આંશિકનાશ (myocardial infarction) કહે છે. તેને સાદી ભાષામાં હૃદયરોગનો હુમલો કહે છે.
હૃદયને લોહી પહોંચાડતી ધમનીઓને મુકુટધમનીઓ (coronary arteries) કહે છે. તેમનું પોલાણ સંકોચાય ત્યારે હૃદયને મળતું લોહી ઘટે છે અને હૃદયમાં અલ્પરુધિરવાહિતાનો વિકાર થાય છે. તેથી આ રોગને મુકુટધમનીલક્ષી હૃદયરોગ (coronary artery disease) પણ કહે છે. મુકુટધમનીનાં પોલાણમાં ઘટાડો મુખ્યત્વે બે રીતે થાય છે : (1) ધમનીની દીવાલમાં મેદજન્ય ધમની કાઠિન્ય(athero-sclerosis)ની ચકતીઓ જામવી અને (2) ધમનીના સ્નાયુઓનું સતત સંકોચન અથવા અવિરત સંકોચન (spasm) થવું. ઑર્ગેનિક (સેન્દ્રીય) નાઇટ્રેટ લોહીની નસો તથા અન્ય પોલા અવયવોના અરૈખિક સ્નાયુઓને શિથિલ કરે છે અને તેથી લોહીની નસો તથા પોલા અવયવોનું પોલાણ મોટું થાય છે. નસોને પહોળી કરતી દવાઓને વાહિની-વિસ્ફારકો (vasodilators) કહે છે. ઑર્ગૅનિક નાઇટ્રેટ મુકુટધમનીની શાખાઓને પહોળી કરીને હૃદયને મળતો લોહીનો પુરવઠો વધારે છે. માટે તેને હૃદયના અલ્પરુધિરવાહી રોગોમાં વાપરવામાં આવે છે.
હૃદયની નસોને પહોળી કરતી અન્ય દવાઓ પણ ઉપલબ્ધ છે. ઘણી વખતે એકથી વધુ દવાઓ સાથે પણ અપાય છે. હૃદ્-પીડની સારવારમાં નસોને પહોળી કરતી દવાઓ (દા. ત., નાઇટ્રેટ, કૅલ્શિયમ માર્ગરોધકો, બીટા-એડ્રીનર્જિક રોધકો વગેરે) ઉપરાંત ગઠનકોષો(platelets)ને જામતા રોકતી દવાઓ, (દા. ત., ઍસ્પિરિન, ગઠનતનુતંતુ (fibrin)ને ઓગાળતા ગઠન તનુતંતુલયકો (fibrinolytic agents) તેમજ લોહીમાં કૉલેસ્ટેરૉલ ઘટાડતી દવાઓ પણ વપરાય છે.
ઑર્ગૅનિક નાઇટ્રેટનાં ઔષધરૂપો
રસાયણ | ઔષધરૂપ અને પ્રવેશમાર્ગ | |
1. | એમાઇલ નાઇટ્રેટ | સૂંઘવાની દવા |
2. | નાઇટ્રોગ્લિસરીન | જીભ નીચેની ગોળી, જીભ પર છંટકાવ, ચાવી જવાની ગોળી, ગલોફામાં મૂકવાની ગોળી, મલમ, પારત્વકીય ચકતી તથા નસ વાટે ઇંજેકશન, ગળવાની ગોળી, લાંબા સમય સુધી ધીમે ધીમે શોષાતી ગોળી. |
3. | આઇસોસોર્બાઇટ ડાયનાઇટ્રેટ | જીભ નીચેની ગોળી, ગળવાની ગોળી, લાંબા સમય સુધી ધીમે ધીમે શોષાતી ગોળી. |
4. | એરિથ્રિટાયલ ટેટ્રાનાઇટ્રેટ | જીભ નીચે મૂકવાની અને ગળી જવાની ગોળી. |
5. | પેન્ટા-એરિથ્રિટાયલ ટેટ્રાનાઇટ્રેટ | ગળી જવાની ગોળી તથા લાંબા સમય સુધી ધીમે ધીમે શોષાતી ગોળી. |
ઇતિહાસ : 1846માં સોબ્રેરોએ જોયું કે તેણે બનાવેલો નાઇટ્રોગ્લિસરિન નામનો તૈલી પદાર્થ જ્યારે જીભ પર મૂકવામાં આવે ત્યારે તે સખત માથું દુખવાની તકલીફ કરે છે. 1847માં હેરિંગે જીભ પર મૂકી શકાય તેવી નાઇટ્રોગ્લિસરિનની દવા બનાવી. ટી. એલ. બ્રુન્ટને 1857માં એમાયલ નાઇટ્રેટ સૂંઘાડીને 30થી 60 સેકન્ડમાં હૃદયનો દુખાવો મટાડી બતાવ્યો; પરંતુ તેની અસર થોડીક મિનિટો માટે જ રહેતી હતી. વિલિયમ મ્યુરેલે નાઇટ્રોગ્લિસરિનનો હૃદ્-પીડની સારવારમાં સફળ ઉપયોગ કરી બતાવ્યો. તેમણે પરિશ્રમ કરતાં પહેલાં તે દવા લેવાથી હૃદ્-પીડ થતી અટકે છે તે પણ દર્શાવ્યું.
રસાયણવિદ્યા : ઑર્ગૅનિક નાઇટ્રેટ નાઇટ્રિક ઍસિડના પૉલિઑલ એસ્ટર છે. રસાયણવિદ્યાની દૃષ્ટિએ નાઇટ્રોગ્લિસરિન એ એક નાઇટ્રો જૂથનું રસાયણ નથી અને તેથી તે એક મિથ્યાનામ (misnomer) છે; પરંતુ હાલ નાઇટ્રોગ્લિસરીનને તેનું અધિકૃત નામકરણ ગણવામાં આવે છે.
ઔષધશાસ્ત્રીય ગુણધર્મો : તેની મુખ્ય અસરો હૃદય અને રુધિરાભિસરણ પર પડે છે. નાઇટ્રો જૂથનાં ઔષધો (સારણી 1) વાહિની-વિસ્ફારકો (vasodilators) તરીકે કામ કરે છે.
તેઓ નસોના અરૈખિક સ્નાયુઓને શિથિલ કરીને તેમને પહોળી (વિસ્ફારિત) કરે છે; તેથી તેમને વાહિની વિસ્ફારકો કહે છે. ધમની તથા શિરા બંને પહોળાં થાય છે. જોકે શિરાઓનું વિસ્ફારણ (dilatation) વધુ હોય છે. શિરાવિસ્ફારણ(venodilatation)ને કારણે હૃદયના ડાબા અને જમણા ક્ષેપકોના વિકોચનના અંતે રહેતું દબાણ (વિકોચનાંત દાબ) (end-diastolic pressure) ઘટે છે થોડાક પ્રમાણમાં લોહીનું દબાણ પણ ઘટે છે. નસોના સાંકડા પોલાણથી રુધિરાભિસરણમાં અવરોધ (resistance) ઉદભવે છે. તેને વાહિનીજન્ય અવરોધ કહે છે. નાઇટ્રોગ્લિસરીન વડે વાહિનીજન્ય અવરોધ (vascular resistance) યથાવત્ રહે છે અને હૃદયના ધબકારા મોટેભાગે વધતા નથી અથવા સહેજ જ વધે છે. ફેફસામાંનો વાહિનીજન્ય અવરોધ વધે છે. હૃદયનું ક્ષેપક સંકોચાય ત્યારે ધમનીમાં જે લોહીનો પુરવઠો ધકેલાય છે તેને હૃદયનો રુધિરનિર્ગમ (output) કહે છે. નાઇટ્રોગ્લિસરીનને કારણે હૃદયનો નિર્ગમ વધે છે. ધમનીની નાની નાની શાખાઓને ધમનિકાઓ (arterioles) કહે છે. નાઇટ્રોગ્લિસરીન ચહેરા અને ગળાની ધમનિકાઓને પહોળી કરે છે અને તેથી મોં પર લાલાશ આવે છે. માથાની નસો પહોળી થવાથી માથું દુખે છે. જો ઑર્ગૅનિક નાઇટ્રેટ ઝડપથી અપાય તો તે ધમનીઓને પહોળી કરીને લોહીનું દબાણ ઘટાડે છે. વારંવાર અપાતી દવાને કારણે ખાસ કરીને જ્યારે દર્દી ઊભો હોય ત્યારે લોહીનું દબાણ ઘટી જાય છે. ત્યારે અશક્તિ, ચક્કર આવવાં, ફિકાશ થવી, હૃદયના ધબકારા વધવા વગેરે વિવિધ તકલીફો થાય છે. નાઇટ્રોગ્લિસરીન હૃદયની મુકુટધમનીઓને પહોળી કરીને તેમાં લોહીનો પુરવઠો વધારે છે. જો લોહીનું દબાણ ઘણું ઘટી જાય તો મુકુટધમનીમાં પણ લોહીનો પુરવઠો ઘટે છે. માટે પર્યાપ્ત માત્રામાં જ તે એક ઉપયોગી ઔષધ છે.
હૃદયપીડની તકલીફ ઘટાડવાની ક્રિયાપ્રવિધિ : સામાન્ય રીતે ખોરાક, ઠંડક, તણાવ કે પરિશ્રમને કારણે હૃદયનું કાર્ય તથા ઑક્સિજન માટેની માંગ વધે છે. તેથી જો હૃદયનું રુધિરાભિસરણ ધમનીકાઠિન્યની ચકતીઓ કે નસોના સ્નાયુના સતત સંકોચનથી ઘટેલું હોય તો હૃદયને જોઈતો ઑક્સિજન પહોંચાડતો લોહીનો પુરવઠો મળતો નથી. હૃદયના સ્નાયુઓની અલ્પરુધિરવાહિતાને કારણ દુખાવો થાય છે. હૃદયની નસોને પહોળી કરીને લોહીનો પુરવઠો વધારી શકાય છે અને તે દ્વારા વધુ ઑક્સિજન પહોંચાડી શકાય છે અથવા તો હૃદયનું કાર્ય ઘટાડીને તેની ઑક્સિજન માટેની માંગ ઘટાડી શકાય છે. નાઇટ્રોગ્લિસરીન આ બંને કાર્ય કરે છે. વળી તે લોહીના ગઠનકોષોને એકઠા થઈને જામવા દેતું નથી. તે પણ હૃદ્-પીડના દર્દીમાં દુખાવો ઘટાડવામાં મદદ કરે છે. જ્યારે વધુ શ્રમને કારણે હૃદયના સ્નાયુઓને વધુ ઑક્સિજનની જરૂર પડે છે ત્યારે એક પરાવર્તી ક્રિયા (reflex action) રૂપે હૃદયની ધમનીઓ પહોળી થાય છે અને વધારાનો લોહીનો પુરવઠો પહોંચાડાય છે. મેદજન્ય ધમનીકાઠિન્યનો વિકાર થયો હોય તો કેટલીક ધમનીઓ કાયમને માટે સાંકડી થાય છે તેથી તેની આસપાસની ધમનીઓ સતત પહોળી રહે છે. ઑર્ગૅનિક નાઇટ્રેટ તે સમયે તે ધમનીઓને વધુ પહોળી કરી શકે નહિ. આવા સંજોગોમાં મુખ્યત્વે હૃદયની અંદરની દીવાલ તરફના સ્નાયુને સૌથી વધુ ક્ષતિ પહોંચે છે. તેને અવહૃદયાંત: કલા અલ્પરુધિરવાહિતા (subendocardial ischaemia) કહે છે. તે સમયે ઑર્ગૅનિક નાઇટ્રેટ હૃદયના જુદા જુદા ભાગમાં પહોંચતા લોહીના પુરવઠાને ફરીથી ગોઠવે છે. તેને પુન:/અન્યથા વિતરણ (redistribution)ની પ્રક્રિયા કહે છે. તેને કારણે હૃદયની અંદરની દીવાલની નીચેની તકલીફ દૂર થાય છે. મોટાભાગનાં સંશોધનોએ દર્શાવ્યું છે કે હૃદયની નાની નાની નસો દ્વારા થતો રુધિરાભિસરણ સામેનો અવરોધ કુલ અવરોધનો 90 % જેટલો થાય છે. નાઇટ્રેટ તે અવરોધને ઘટાડીને હૃદયના સ્નાયુઓમાંનું રુધિરાભિસરણ સરખું કરે છે. આ પ્રક્રિયામાં હૃદયના ખંડોમાંનું દબાણ ઘટાડવાનો નાઇટ્રેટનો મહત્વનો ગુણધર્મ પણ ઉપયોગી રહે છે. ઘણા અન્ય વાહિની વિસ્ફારકો (vasodilators); દા. ત., ડાયપેરિડેમેલ, નાઇટ્રેટની માફક હૃદયની અંદરની દીવાલ નીચે આવેલા સ્નાયુઓમાં રુધિરાભિસરણ સરખું કરી શકતા નથી, માટે તેઓ હૃદયપીડના દુખાવા વખતે ઉપયોગી રહેતા નથી.
આ ઉપરાંત નાઇટ્રેટ હૃદયના સ્નાયુની ઑક્સિજનની જરૂરિયાત અને માંગ ઘટાડે છે. હૃદયના ક્ષેપકોની દીવાલ પરનો તણાવ તે બે રીતે ઘટાડે છે. તેને પૂર્વભાર (preload) અને ઉત્તરભાર(afterload)માં થતો ઘટાડો કહે છે. હૃદયના સ્નાયુ શિથિલ (relax) થાય ત્યારે તેને ક્ષેપકોનો વિકોચન (diastole) કાળ કહે છે. તે સમયે ક્ષેપકો પહોળા થાય છે. ત્યારે તેમાં આવતો લોહીનો પુરવઠો પૂર્વભાર કહેવાય છે. શરીરની શિરાઓને પહોળી કરીને હૃદય તરફ પાછું જતું લોહી ઘટાડી શકાય છે. નાઇટ્રેટ આ પ્રક્રિયા દ્વારા હૃદયનો પૂર્વભાર ઘટાડે છે. તેને કારણે મુકુટધમનીનું રુધિરાભિસરણ પણ સુધરે છે. હૃદયના સ્નાયુઓ સંકોચાય ત્યારે તેમાંનું લોહી શરીરમાં ધકેલાય છે તેને સંકોચનકાળ (systolic period) કહે છે. તે વખતે ક્ષેપકોની દીવાલમાં થતા તણાવને ઉત્તરભાર કહે છે. ધમનીઓને પહોળી કરીને તેમાં ધકેલાતા લોહીની સામેનો અવરોધ ઘટાડી શકાય છે. તેને કારણે ઉત્તરભાર ઘટે છે. નાઇટ્રેટ આ પ્રક્રિયા દ્વારા હૃદય પરનો ઉત્તરભાર ઘટાડે છે. પૂર્વભાર અને ઉત્તરભારનો ઘટાડો હૃદયના સ્નાયુની ઑક્સિજન માટેની માંગને ઘટાડે છે.
આમ નાઇટ્રેટ લોહીની નસો પહોળી કરીને હૃદયના સ્નાયુઓમાંનું રુધિરાભિસરણ સુધારીને તેનો ઑક્સિજનનો પુરવઠો વધારે છે તથા હૃદયના સ્નાયુઓ પરનો પૂર્વભાર અને ઉત્તરભાર ઘટાડીને તેની ઑક્સિજનની જરૂરિયાત ઘટાડે છે. આ બંને ક્રિયા દ્વારા તે હૃદયપીડનો દુખાવો શમાવે છે. જોકે નાઇટ્રેટની વધુ પડતી માત્રા (dose) અપાય તો તે લોહીનું દબાણ ઘટાડે છે અને હૃદયના ધબકારાનો દર વધારે છે. આ બંને પ્રક્રિયા દ્વારા અનુક્રમે હૃદયને ઓછું લોહી મળે છે અને હૃદયની ઑક્સિજનની માંગ વધે છે. તેથી વધુ માત્રામાં નાઇટ્રેટ તેની લાભકારી ક્રિયાઓથી બરાબર વિપરીત દિશામાં કાર્ય કરે છે :
પ્રયોગો દ્વારા સાબિત થયેલું છે કે હૃદયની નસોને પહોળી કરવા કરતાં મુખ્યત્વે તો તેની ઑક્સિજનની જરૂરિયાત ઘટાડીને જ નાઇટ્રેટ હૃદયપીડનો દુખાવો શમાવે છે.
અન્ય અસરો : નાઇટ્રેટ અન્ય અરૈખિક સ્નાયુઓને પણ શિથિલ કરે છે; દા. ત., શ્વસનનળીના સ્નાયુઓ, પિત્તાશય તેમજ પિત્તમાર્ગના સ્નાયુઓ, જઠર અને આંતરડાના સ્નાયુઓ, અન્નનળીના સ્નાયુઓ વગેરે. ઘણી વખતે છાતીમાં ઊપડતો દુખાવો હૃદયપીડને કારણે નહિ પરંતુ અન્નનળી કે પિત્તમાર્ગના વિકારોને કારણે પણ થતો હોય છે. આવો દુખાવો ક્યારેક નાઇટ્રેટને કારણે મટે છે. માટે નાઇટ્રેટની અસરથી જો છાતીનો દુખાવો મટે તો તે હરહંમેશ હૃદયરોગનો દુખાવો હતો તેવું તારણ કરી શકાતું નથી. નાઇટ્રેટ ક્યારેક ગર્ભાશય અને મૂત્રાશયનલિકાના સ્નાયુઓને પણ શિથિલ કરે છે.
ક્રિયાપ્રવિધિ : નાઇટ્રેટના મુક્ત અંકુરો (free radicals) રૂપે નાઇટ્રિક ઍસિડ (NO) બને છે જે કોષમાંના ગ્વાનિલેટ સાઇક્લેઝ નામના ઉત્સેચક્ધો સક્રિય કરે છે. તેને કારણે ગ્વાનોસાઈન 3’, 5–’ મૉનોફૉસ્ફેટ અથવા ચક્રીય (cyclic) GMD નું ઉત્પાદન થાય છે જે એક વિશિષ્ટ પ્રોટીનગતિક ઉત્સેચક (protein kinase) દ્વારા અરૈખિક સ્નાયુઓને શિથિલ કરે છે.
શોષણ, ચયાપચય અને ઉત્સર્ગ : માણસમાં નાઇટ્રોગ્લિસરીનને જીભ નીચે મૂકવામાં આવે તો તેની 4 મિનિટમાં તે તેના લોહીમાંના ટોચ સ્તરે (peak level) પહોંચે છે. તે ઝડપથી લોહીમાંથી દૂર થાય છે અને તેથી 1થી 3 મિનિટમાં તેનું પ્રમાણ ઘટીને અર્ધું થાય છે. તેનો ચયાપચય (metabolism) થાય છે અને તેમાંથી ઉત્પન્ન થતા ડાઇનાઇટ્રેટ નામનાં દ્રવ્યો ઓછાં અસરકારક હોય છે અને તે લાંબો સમય ટકે છે. તેમનું પ્રમાણ અર્ધું થવા માટે 40 મિનિટની જરૂર પડે છે. આઇસોસોર્બાઇડ ડાયનાઇટ્રેટને જીભ નીચે મૂકવાથી 6 મિનિટમાં તે ટોચ સ્તરે પહોંચે છે અને 45 મિનિટમાં તે અર્ધા પ્રમાણે આવી જાય છે. તેના આઇસોસોર્બાઇડ–2–મૉનૉનાઇટ્રેટ અને આઇસોસોર્બાઇડ–5–મૉનૉનાઇટ્રેટનો ક્રિયાકાળ લાંબો છે અને તે 2થી 5 કલાકે અર્ધાસ્તરે આવે છે. મોટાભાગની દવા યકૃત(liver)માંથી એક વખત પસાર થાય એટલે લોહીમાંથી દૂર થાય છે માટે ત્વરિત અને વધુ અસર જોઈતી હોય ત્યારે તેને મોં વાટે આપવાને બદલે જીભ નીચે મુકાય છે જેથી કરીને તે પહેલાં હૃદયમાં અને પછી યકૃતમાં જાય. મોં વાટે લેવાયેલી દવા પહેલાં યકૃતમાં અને પછી હૃદયમાં જાય છે.
ઔષધનો પ્રવેશમાર્ગ (route of administration) : ઝડપી અને ટૂંકા ગાળાની અસર જોઈતી હોય, (દા. ત., હૃદયપીડનો દુખાવો) તો તેને જીભ નીચે મૂકીને શરીરમાં પ્રવેશ અપાય છે. તેને અવજિહવાકીય પ્રવેશ (sublingual administration) કહે છે. તેને કારણે 12 મિનિટમાં દુખાવો શમે છે અને દવાની અસર લગભગ 1 કલાક રહે છે. એરિથ્રિટાઇલ ટેટ્રાનાઇટ્રેટ લાંબા ગાળાની અસર ઉપજાવે છે અને તેથી તે શ્રમસહ્યતા (effort tolerance) વધારે છે; પરંતુ તે પણ દુખાવા વગરનો 45 મિનિટનો સમયગાળો આપે છે. આવી રીતે હોઠની પાછળ કે ગલોફામાં મૂકવા માટેની ગોળીઓ પણ ઉપલબ્ધ છે.
લાંબા સમયના દુખાવાના નિયંત્રણ માટે મુખમાર્ગ વધુ ઉપયોગી રહે છે. સામાન્ય રીતે 60થી 90 મિનિટે તેની અસર થાય છે, જે 3થી 6 કલાક સુધી રહે છે. ઘણી દવા યકૃતમાં નાશ પામતી હોવાથી પૂરતી માત્રામાં દવા અપાય તે ખાસ જોવાય છે. ઓછી માત્રામાં મુખમાર્ગે અપાતી નાઇટ્રેટની દવા ખાસ અસરકારક હોતી નથી. તેને લાંબા સમય સુધી સતત આપવાથી નાઇટ્રેટનાં ચયાપચયી દ્રવ્યો શરીરમાં એક થાય છે, જે નાઇટ્રેટની આડઅસરો વધારે છે અને તેની ક્રિયાક્ષમતા ઘટાડે છે.
ઉગ્ર સંકટના સમયે નાઇટ્રોગ્લિસરીનને નસ વાટે સતત ક્ષેપન (infusion) રૂપે અપાય છે. જ્યારે અસંતુલિત (unstable) હૃદયપીડનો વિકાર હોય ત્યારે તે ખાસ ઉપયોગી છે. હૃદયનાં ઉગ્ર અલ્પરુધિરવાહિતાનાં સંલક્ષણો તથા લાંબા સમયની હૃદયની નિષ્ફળતાની સારવારમાં તે ખાસ ઉપયોગી છે. હૃદયની ધમનીની શસ્ત્રક્રિયા પછી લોહીનું વધેલું દબાણ ઘટાડવામાં પણ તે વપરાય છે. શ્વસનક્રિયાની નિષ્ફળતામાં ફેફસાંમાંના રુધિરાભિસરણનું દબાણ પણ તેના વડે ઘટાડી શકાય છે.
ધીમે ધીમે, સતત અને લાંબા સમય માટે તેનો લોહીમાં પ્રવેશ થાય માટે નાઇટ્રોગ્લિસરીનનો મલમ કે તેની ચકતીને ચામડી પર લગાડાય છે. તેની અસર 60 મિનિટમાં દેખાય છે અને તે 4થી 8 કલાક સુધી રહે છે. નાઇટ્રોગ્લિસરીનનો પટ્ટો 24 કલાક સુધી અસરકારક રહે છે.
ઔષધસહ્યતા (tolerance) : નાઇટ્રોગ્લિસરીનને વારંવાર લેવાથી નાઇટ્રેટની અસર ઘટે છે. તેને ઔષધસહ્યતા કહે છે. તેનું કારણ સ્પષ્ટપણે સમજાયેલું નથી. ઘણી વખત વિવિધ પ્રકારના નાઇટ્રેટ માટે આવી સહ્યતા થાય છે. પ્રયોગશાળામાં જોવા મળતો આ પ્રકારનો અનુભવ ઘણી વખત દર્દીની સારવારમાં થતો નથી. તેનું કારણ કદાચ થોડાક કલાકો માટે પણ જો નાઇટ્રેટનું લોહીમાંનું પ્રમાણ ઘટે તો તેની સહ્યતા જતી રહે છે. ઔષધસહ્યતાને કારણે કેટલાક દર્દીઓ નાઇટ્રેટને આધારિત થઈ જતા હોય છે. જો તેઓ લાંબા સમય સુધી નાઇટ્રેટ લેતા હોય અને અચાનક તે બંધ કરી દે તો તેમને હૃદયમાં અલ્પરુધિરવાહિતાના વિકારો થઈ આવે છે. તેને ઔષધીય પરવશતા (drug dependence) કહે છે. આવા દર્દીઓમાં જરૂર પડ્યે ધીમે ધીમે કરીને નાઇટ્રેટની માત્રા ઘટાડાય છે.
નાઇટ્રેટ વાપરીને દારૂગોળો બનાવતી ફૅક્ટરીઓમાં લાંબા સમય માટે સતત નાઇટ્રેટનો સંસર્ગ થાય છે. તેથી તેના કામદારોમાં તેની સહ્યતા ઉત્પન્ન થાય છે અને તેથી તેનાથી માથું દુખવાનું થતું નથી. અઠવાડિક રજા પછી ફરીથી જ્યારે તેઓ કામ પર ચઢે છે ત્યારે ફરીથી માથું દુખવા માંડે છે. કેમ કે એક દિવસનો નાઇટ્રેટ વગરનો ગાળો તેમની ઔષધસહ્યતા દૂર કરે છે માટે કામના દરેક અઠવાડિક પ્રથમ દિવસે તેઓ માંદા પડી જાય છે. તેથી તેને સોમવારી રોગ (monday disease) કહે છે.
આડઅસરો તથા ઝેરી અસરો : માથાની નસો પહોળી થવાથી માથું દુખવાની તકલીફ સૌથી વધુ જોવા મળે છે. થોડાક દિવસોમાં ઔષધસહૃાતા થવાથી, દવા ચાલુ રાખવા છતાં, માથું દુખતું મટે છે. ક્યારેક ઊઠતાં કે ઊભા થતાં લોહીનું દબાણ ઘટે છે. તેને અંગવિન્યાસી અલ્પરુધિરદાબ (postural hypertension) કહે છે. તેને કારણે અંધારાં આવવાં કે અશક્તિ લાગવી વગેરે થાય છે. ક્યારેક વ્યક્તિ બેશુદ્વ થઈ જાય છે. જો વ્યક્તિએ દારૂ પીધો હોય તો લોહીનું દબાણ ઘટવાની વધુ શક્યતા રહે છે. નાઇટ્રેટને કારણે આંખમાંનું દબાણ વધે અને ઝામરનો રોગ થઈ આવે એવું ખાસ જોવા મળતું નથી. કયારેક તેને કારણે ચામડી પર ઍલર્જીજન્ય સ્ફોટ થાય છે. ખાસ કરીને પેન્ટા-એરિથ્રિટોલ ટેટ્રાનાઇટ્રેટમાં તેનું પ્રમાણ વધુ રહે છે.
ઔષધસ્વરૂપ (preparation) : નાઇટ્રેટ વિવિધ રૂપે મળે છે : ગળવાની ગોળીઓ કે જીભ નીચે, હોઠ પાછળ કે ગલોફામાં મૂકવાની ગોળીઓ, ચાવી શકાય તેવી ગોળીઓ, પારત્વકીય ચકતી (transdermal disc) રૂપે, સૂંઘવાની દવા, નસ દ્વારા અપાતા ઇંજેકશન રૂપે, મલમ રૂપે, જીભ પર છંટકાવ (spray) વગેરે રૂપે. સારણીમાં વિવિધ પ્રકારનાં ઔષધરૂપો દર્શાવ્યાં છે.
ચિકિત્સીય ઉપયોગો (therapeutic uses) : નાઇટ્રેટ મુખ્યત્વે હૃદયપીડનો દુખાવો દૂર કરવા વપરાય છે. ઉગ્ર દુખાવાને શમાવવા તેને જીભ નીચે મુકાય છે જ્યારે તે થોડીક જ ક્ષણોમાં અસરકારક નીવડે છે. લાંબા સમય માટે દુખાવાના હુમલા થતા અટકાવવા મુખમાર્ગે ગોળીઓ અપાય છે. તેના અન્ય ઉપયોગોમાં હૃદયની લાંબા સમયની નિષ્ફળતા, હૃદયરોગનો હુમલો તથા પ્રિઝમેન્ટલની હૃદયપીડનો સમાવેશ થાય છે.
શિલીન નં. શુક્લ
સંજીવ આનંદ