નાઇટ્રેટ : નાઇટ્રિક ઍસિડમાંથી મેળવાતાં સંયોજનોના બે વર્ગો (ક્ષારો અને એસ્ટરો) પૈકીનું ગમે તે એક સંયોજન. ક્ષારો (દા. ત., NH4NO3) આયનિક સંયોજનો હોય છે અને તેમાં નાઇટ્રેટ ઋણાયન (NO3) તરીકે હોય છે. એસ્ટરો નાઇટ્રિક ઍસિડના સહસંયોજક સંયોજનો હોય છે અને તેમની સંરચના R-O-NO2 હોય છે, જેમાં R એ એક કાર્બનિક સમૂહ (દા. ત., ઇથાઇલ, C2H5) હોય છે. લગભગ બધી જ ધાતુના નાઇટ્રેટ જળદ્રાવ્ય હોવાથી કુદરતમાં નાઇટ્રેટ મળતા નથી, પરંતુ નાઇટ્રિક ઍસિડમાંથી તે મેળવી શકાય છે. આમાં માત્ર ચીલી સૉલ્ટપીટર અથવા અશુદ્ધ સોડિયમ નાઇટ્રેટ એક અપવાદ છે, જે ચિલીના દરિયાકાંઠાના સપાટ પ્રદેશમાંથી ખૂબ મોટા પ્રમાણમાં મળી આવે છે.

નાઇટ્રેટમાં નાઇટ્રોજનનો ઉપચયનાંક +5 હોવાને કારણે આ આયન ઉપચયનકારક તરીકે ઉપયોગી છે. આ ગુણધર્મને કારણે દીવાસળીઓમાં તથા સ્ફોટકોમાં નાઇટ્રેટ વપરાય છે. એમોનિયમ નાઇટ્રેટને આઘાત આપવાથી તે ધડાકા સાથે સળગી ઊઠે છે.

NH4NO3 → N2O + 2H2O

ખાતરમાં નાઇટ્રોજનના સ્રોત તરીકે પણ નાઇટ્રેટ ઉપયોગી છે. નાઇટ્રેટ આયન પારખવા માટે તપખીરી (બ્રાઉન) વલય કસોટી જાણીતી છે. સંકેન્દ્રિત સલ્ફ્યુરિક ઍસિડ ઉપર રાખેલા મંદ ફેરસ સલ્ફેટના દ્રાવણના સંગમસ્થાન (junction) આગળ ભૂખરા તપખીરિયા રંગની વીંટી (વલય) બને તો તે નાઇટ્રેટની હાજરી દર્શાવે છે. આ રંગ સંકીર્ણ આયન Fe(NO)+2ને લીધે ઉદભવે છે. જો દ્રાવણમાં નાઇટ્રાઇટ આયન હોય તો સમગ્ર દ્રાવણ તપખીરિયા રંગનું બને છે.

જે કાર્બનિક સંયોજનોમાં NO2 સમૂહ હોય તેમને નાઇટ્રો સંયોજનો કહે છે. કેટલાક કાર્બનિક સહસંયોજક નાઇટ્રેટ (દા. ત., ટી.એન.ટી, ટ્રાઇ-નાઇટ્રોટોલ્યુઇન), ટેટ્રિલ, નાઇટ્રોગ્લિસરીન, PETN વગેરે સ્ફોટક દ્રવ્યો તરીકે વપરાય છે.

જગદીશ જ. ત્રિવેદી