નાઇજર (નદી) : આફ્રિકાની નાઇલ અને ઝાઈર (ડેમૉક્રેટિક રિપબ્લિક ઑવ્ કૉંગો) પછીના ત્રીજા ક્રમે આવતી મોટી નદી. તે પશ્ચિમ આફ્રિકામાં આવેલી છે અને નાઇજરના નૈર્ઋત્ય ભાગમાંથી પસાર થાય છે. તેની લંબાઈ 4,185 કિમી. તથા સમગ્ર સ્રાવક્ષેત્રનો વિસ્તાર 15,54,000 ચોકિમી. જેટલો છે. તેના પ્રવાહમાર્ગમાં નદીતળ પર ઘણા પ્રવેગકારી પ્રપાત (rapids) આવેલા છે. પશ્ચિમ આફ્રિકાની આ નદી ગિની અને સિયેરા લિયૉનની સરહદની પડખેના દક્ષિણ ગિનીના ઉચ્ચપ્રદેશમાંથી નીકળે છે. તેનો પ્રવાહમાર્ગ માલી, બેનિન, નાઇજર અને નાઇજિરિયાના પ્રદેશોને આવરી લે છે અને ઍટલાન્ટિક મહાસાગરના ગિનીના અખાતમાં તેનાં જળ ઠલવાય છે. રીમા, કડુના અને બેન્યુ તેની મુખ્ય ઉપનદીઓ છે. બેન્યુ નદીના જળથી તેનો જળજથ્થો બેવડાઈ જાય છે. ઝાઈર નદીને બાદ કરતાં આફ્રિકાની કોઈ પણ નદી કરતાં તે વધુમાં વધુ જળજથ્થાનું વહન કરે છે. સરેરાશ વાર્ષિક 6,100 ઘનમીટર/સેકંડ જેટલું જળ ઠલવાતું રહે છે. નાઇજર-બેન્યુના સંગમસ્થાને 3 કિમી.થી વધુ પહોળાઈવાળું લોકોજા સરોવર તૈયાર થયેલું છે. આ સરોવરમાં રેતીપટ અને નાના નાના બેટ બની રહેલા છે. 36,000 ચોકિમી.નો વિસ્તાર ધરાવતા તેના ત્રિકોણપ્રદેશમાં નદીનાં જળ અનેક ફાંટાઓમાં જાળાકારે વહેંચાઈ જાય છે. આ નદી-ફાંટાઓને પણ જુદાં જુદાં નામ આપેલાં છે.
મૂળથી મુખ સુધીના નદીથાળામાં સ્થાનભેદે આબોહવાની વિવિધતા જોવા મળે છે. ઉત્તર તરફ જતાં વરસાદનું પ્રમાણ ઘટતું જાય છે. ત્રિકોણપ્રદેશના વિસ્તારમાં 4,060 મિમી. વરસાદ પડે છે, જ્યારે ટિમ્બકટુમાં માત્ર 250 મિમી. વરસાદ પડે છે. આ કારણે નદીમાં જુદે જુદે સ્થળે પૂરની સ્થિતિ જુદી જુદી રહે છે. નદીના આખાયે પ્રવાહપથમાં પશ્ચિમ આફ્રિકામાં જોવા મળતા બધા જ પ્રકારના વનસ્પતિ-વિભાગો (vegetation zones) જોવા મળે છે; જેમ કે, સેજ વનસ્પતિ, સવાના ઘાસભૂમિ, કાંટાળાં ઝાંખરાં અને છોડવા, વરસાદી જંગલો તેમજ મૅંગ્રોવની કળણભૂમિ. નાઇજર અને તેની શાખાનદીઓમાં જાતજાતની માછલીઓ મળી રહે છે. માછીમારીને કારણે આર્થિક પ્રવૃત્તિ વિકસી છે. વળી હિપોપૉટેમસ, મગર, ગરોળી વર્ગનાં પ્રાણીઓ તેમજ જુદાં જુદાં પક્ષીઓ આ નદીની આજુબાજુ જોવા મળે છે.
મધ્ય માલીના સરોવર વિસ્તાર તેમજ નાઇજિરિયાના નુપે વિસ્તારમાં વસ્તી વધુ છે. જ્યાં સપાટ ભાગો આવેલા છે ત્યાં ખેતી થાય છે અને તેના જળનો સિંચાઈ માટે ઉપયોગ પણ કરવામાં આવે છે. ત્યાં ડાંગર, તમાકુ, મગફળી, જુવાર, બાજરી, શાકભાજી અને લીલો ચારો થાય છે. ખેતીવાળા વિસ્તારોમાં વસ્તીનું પ્રમાણ વિશેષ છે.
માલીના આશરે 1,600 કિમી. તથા નાઇજિરિયાના આશરે 640 કિમી. જેટલા તેના પ્રવાહનો માર્ગ જળપરિવહન માટે સાનુકૂળ છે. નાઇજિરિયામાંનો કાઈન્જી બંધ આ નદી પરનો સૌથી મોટો જળવિદ્યુત પ્રકલ્પ (project) છે, જે નાઇજિરિયાની વીજળીની મોટાભાગની જરૂરિયાત પૂરી પાડે છે. તેના ત્રિકોણપ્રદેશના વિસ્તારના ભૂગર્ભમાં ખનિજતેલના ભંડારો છે.
સ્કૉટલૅન્ડનો સાહસિક અન્વેષક મંગો પાર્ક 1796માં આ નદીનો પ્રવાસ ખેડનાર પહેલો માનવી હતો. ત્યારપછી 1797, 1805 અને 1806માં પણ તેણે આ નદીના પ્રવાહના જદા જુદા પ્રદેશોનું સાહસિક ખેડાણ કર્યું હતું.
બારમી અને પંદરમી સદીમાં આ નદીના પ્રદેશોમાં માલી અને સોંઘાઈ સામ્રાજ્યો વિકસ્યાં હતાં.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે