નાઇજર (દેશ) : પશ્ચિમ આફ્રિકામાં સહરાના રણપ્રદેશની દક્ષિણ કિનારી પર આવેલો પ્રજાસત્તાક દેશ. ભૌગોલિક સ્થાનની દૃષ્ટિએ તે 12° 05´ ઉ. અ.થી 23° 30´ ઉ. અ. અને 0° 05´ પૂ. રે.થી 15° 20´ પૂ. રે. વચ્ચે આવેલો છે. તે બધી બાજુએ ભૂમિભાગથી ઘેરાયેલો છે. સમુદ્રકિનારો તેનાથી ઉત્તરમાં આશરે 1,000 કિમી. અને દક્ષિણે 800 કિમી. અંતરે આવેલો છે. આ દેશનો કુલ વિસ્તાર 12,67,000 ચોકિમી. જેટલો છે. તેની વાયવ્યમાં અલ્જિરિયા, ઈશાનમાં લિબિયા, પૂર્વમાં ચાડ, દક્ષિણમાં નાઇજિરિયા, નૈર્ઋત્યમાં બેનિન તથા બુર્કીના ફાસો અને પશ્ચિમમાં માલી દેશો આવેલા છે. સળંગ 60 વર્ષ સુધી ફ્રેન્ચ આધિપત્ય હેઠળ રહેલા આ દેશને 1960માં સ્વાધીનતા મળી. દેશના છેક નૈર્ઋત્ય ભાગમાં નાઇજર નદીને કાંઠે આવેલું નાઇમેય તેનું મોટામાં મોટું શહેર અને પાટનગર છે, તે ઉપરાંત મરાડી, અગાદીઝ, બિલમા, ઝિન્દર અને તાહુઆ બીજાં મોટાં શહેરો છે.

ભૂપૃષ્ઠ : નાઇજરનું ભૂપૃષ્ઠ ઉચ્ચપ્રદેશો અને મેદાનોથી બનેલું છે. વાયવ્ય, ઉત્તર અને ઈશાન ભાગોમાં ઊંચાણવાળાં શિખરજૂથો આવેલાં છે. અગાદીઝથી ઈશાનમાં આવેલા ઍરના ઉચ્ચપ્રદેશનું સર્વોચ્ચ શિખર બાગ્ઝેન 2,022 મી.ની ઊંચાઈ ધરાવે છે. ઓછામાં ઓછી ઊંચાઈ નાઇજર નદીના ખીણપ્રદેશમાં 161 મી.ની છે. સહરાનાં રેતાળ અને ખડકાળ મેદાનો પૂર્વ-પશ્ચિમ વિસ્તરેલાં છે. ત્યાંથી દક્ષિણે આછાં જંગલોવાળો મેદાની પ્રદેશ છે અને દક્ષિણ સરહદને સમાંતર ઉચ્ચપ્રદેશોની હાર ચાલી જાય છે. અહીંની મુખ્ય નદી નાઇજર નૈર્ઋત્ય ભાગમાં 480 કિમી. જેટલા અંતરમાં વહે છે. અગ્નિકોણમાં ચાડ સરહદ પર ચાડ સરોવરનો થોડોક ભાગ આવેલો છે.

નાઇજરનો નકશો

આબોહવા : આખોય દેશ કર્કવૃત્તથી દક્ષિણ તરફ આવેલો હોવાથી તે અયનવૃત્તીય આબોહવા ધરાવે છે. વળી તે સહરાના રણપ્રદેશનો ભાગ હોવાથી ગરમ રહે છે. નવેમ્બરથી મે સુધી અહીં સૂકું હવામાન પ્રવર્તે છે. ઈશાની ભાગોમાં તાપમાનનો ગાળો મોટો રહેતો હોવા છતાં દેશના મોટા ભાગમાં ફ્રેબુઆરીથી મે દરમિયાન તાપમાન મહદંશે 40° સે. જેટલું રહે છે. ડિસેમ્બર–જાન્યુઆરીના ઠંડા મહિનાઓમાં તાપમાન ઘટીને 12°થી 15° સે. જેટલું થાય છે. અક્ષાંશીય સ્થાન મુજબ વરસાદનું પ્રમાણ બદલાતું રહે છે. વરસાદ જૂનથી ઑક્ટોબર દરમિયાન પડે છે. છેક દક્ષિણ ભાગમાં ખેતી માટે જરૂરી 560 મિમી., ગોરે અને તાહુઆના પ્રદેશમાં પશુપાલન માટે જરૂરી 400 મિમી., તથા પર્વતીય વિસ્તારમાં 175 મિમી. જેટલો વરસાદ પડે છે ; રણમાં તદ્દન ઓછો વરસાદ પડે છે અથવા પડતો જ નથી.

વનસ્પતિપ્રાણીજીવન : થોડોક વરસાદ મેળવતા રણભાગોમાં વરસાદની ઋતુ બાદ કેટલીક વનસ્પતિ ઊગી નીકળે છે. પશ્ચિમ તરફ નાઇજર નદીને કિનારે તથા દક્ષિણમાં સાહેલના વિસ્તારમાં છૂટાંછવાયાં બાવળ, તાડ અને અન્ય વૃક્ષો સહિત સવાના પ્રકારની વનસ્પતિ જોવા મળે છે. નદીના  પ્રદેશમાં સાબર, દીપડો, ચિત્તો, જરખ, મગર અને હિપ્પો જેવાં પ્રાણીઓ વસે છે. દક્ષિણ તરફના ભાગોમાં હાથી, જિરાફ, વાનર, ભુંડ અને મગર જ્યારે ઉત્તર તરફના ભાગોમાં જંગલી ઘેટાં, સાબર, શાહમૃગ તથા શિયાળ વિશેષ પ્રમાણમાં જોવા મળે છે.

ખેતી અને પશુપાલન : ખેતી અને પશુપાલન – એ બે આ દેશના લોકોના મુખ્ય વ્યવસાય છે. દેશની કુલ જમીનનો માત્ર 3 % ભાગ જ ખેડાણ હેઠળ છે; જ્યાં મર્યાદિત પ્રમાણમાં ચોખા, કપાસ, મગફળી, બાજરી, કઠોળ, કસાવા, વટાણા તથા સૉરગમની પેદાશો થાય છે. મોટા ભાગના ખેડૂતો માટે તેમના જીવનનિર્વાહ પૂરતી જ ખેતી શક્ય બને છે. સિંચાઈનાં સાધનોનો વિકાસ થયેલો નથી, માત્ર નાઇજર નદીના કાંઠાના પ્રદેશો નદીના પાણીનો સિંચાઈ માટે ઉપયોગ કરે છે; પરંતુ જ્યારે તેમાં પૂર આવે છે ત્યારે ઊભો પાક નષ્ટ થઈ જતો હોય છે અને કાંઠાની આજુબાજુના ભાગોની તારાજી થાય છે. ઉત્તર અને મધ્યના વિસ્તારોમાં વિચરતી જાતિના લોકો ઢોર, ઘેટાંબકરાં, ઊંટ, મરઘાં વગેરે પશુઓના પાલન દ્વારા ગુજરાન કરે છે.

પરિવહન : નાઇજરની ગણતરી દુનિયાના ગરીબ દેશોમાં થાય છે. ગરીબીનાં કારણોમાં રણપ્રદેશ, વિષમ આબોહવા અને વાહનવ્યવહારની અછત મુખ્ય છે. પ્રાકૃતિક રચનાની પ્રતિકૂળતાને કારણે દેશમાં હજી સુધી રેલવેનો વિકાસ થયો નથી, અન્ય વાહનવ્યવહાર અને સંદેશાવ્યવહારનાં સાધનોની બાબતમાં પણ દેશ પછાત છે. દેશમાં માત્ર 10,000 કિમી. લંબાઈના જ રસ્તા ઉપલબ્ધ છે. સમારકામની સગવડોને અભાવે આર્થિક વિકાસ માટે તેનો પૂરતો ઉપયોગ થઈ શકતો નથી. એલિટથી તાઉઆને સાંકળતો 848 કિમી.નો પાકો રસ્તો યુરેનિયમ રોડ નામથી જાણીતો છે.

આર્થિક પ્રવૃત્તિ : ખાણકાર્ય અહીંની મુખ્ય પ્રવૃત્તિ છે. દેશના નૈર્ઋત્ય ભાગમાં દુનિયાભરનો નોંધપાત્ર ગણાતો યુરેનિયમનો ભંડાર છે. લોહ તેમજ ટંગ્સ્ટન, કલાઈ, કેસિટરાઇટ, ચિરોડી જેવાં ખનિજો, ફૉસ્ફેટ, સાજીખાર (natron) અને ખનિજ-મીઠું પણ મળે છે. 1960માં દેશ સ્વતંત્ર થયા પછી સિંગતેલ, સિમેન્ટ, સુતરાઉ કાપડ, દારૂ તથા અન્ય વપરાશી ચીજોનું મર્યાદિત પ્રમાણમાં ઉત્પાદન કરતા ઔદ્યોગિક એકમો ઊભા થયા છે. ખેતીમાં મગફળીનો પાક લેવાતો હોવાથી તેનું પિલાણ કરતા એકમોનો પણ નોંધપાત્ર રીતે વિકાસ થયો છે. 1970થી ’80 ના દાયકામાં અહીં ખનિજતેલ હોવાનું શોધી કાઢવામાં આવેલું છે.

દેશની નિકાસમાં કપાસ, મગફળી, સૉરગમ, બાજરી તેમજ સારી ઓલાદના પશુધન અને ચામડાંનો ફાળો વિશેષ છે. મોટા ભાગનો વિદેશવ્યાપાર ફ્રાન્સ, નાઇજિરિયા, આઇવરી કોસ્ટ, જર્મની, ઇટાલી અને પશ્ચિમના કેટલાક દેશો સાથે થાય છે.

વસ્તી : નાઇજરની કુલ વસ્તી 1,74,66,172 (2015) છે. દર ચોકિમી. વસ્તીની સરેરાશ ગીચતા 6 વ્યક્તિઓની છે, પરંતુ નદીના ખીણપ્રદેશમાં તે 70 જેટલી છે. દેશની કુલ વસ્તીમાં 22 % શહેરી અને 78 % ગ્રામીણ છે.

શિક્ષણ, ભાષા અને ધર્મ : દેશમાં કેળવણી નિ:શુલ્ક હોવા છતાં સાક્ષરતાનું પ્રમાણ માત્ર 14.5 % જેટલું જ છે. દેશની શિક્ષણસંસ્થાઓ રાજ્યહસ્તક છે. મોટાભાગની શિક્ષણસંસ્થાઓમાં ઇસ્લામ ધર્મનું શિક્ષણ અપાય છે, આ રીતે જોતાં આ દેશ દુનિયાભરમાં ઓછામાં ઓછું અક્ષરજ્ઞાન ધરાવે છે; વિચરતી જાતિઓ માટે ફરતી નિશાળો (tent schools) પણ છે. દેશની સત્તાવાર ભાષા ફ્રેન્ચ છે, પરંતુ 85 % લોકો અહીંની સ્થાનિક ભાષા હાઉસામાં વ્યવહાર કરે છે. અન્ય સ્થાનિક ભાષાઓમાં મુખ્યત્વે ફુલાની, જેરમા, સોંઘાઈ અને કાનુરી ઉલ્લેખનીય છે. દેશમાં ઘણા જાતિ સમુદાયો છે, જેમને પોતાની ભિન્ન ભિન્ન ભાષાઓ, રીતરિવાજો અને પરંપરાઓ છે. 98 % લોકો અશ્વેત આફ્રિકનો છે. મોટાભાગના લોકો ઇસ્લામ ધર્મ અને બાકીના પરંપરાગત ધર્મ પાળે છે. દેશના લોકોની આયુમર્યાદાનું પ્રમાણ ઓછું (સ્ત્રીઓમાં 40 વર્ષ અને પુરુષોમાં 37 વર્ષ) છે.

ઇતિહાસ : નાઇજરમાંથી મળી આવેલા જીવાવશેષો અને પુરાતત્વીય ચીજો દર્શાવે છે કે અહીં માનવવસવાટ ઘણા લાંબા સમય પહેલાં પણ હતો. પહેલાં રોમનો અને પછી આરબો આ વિસ્તાર સાથે વ્યાપારી સંપર્કમાં હતા. મધ્યયુગ દરમિયાન નાઇજરનો પશ્ચિમ ભાગ સાતમા સૈકામાં બર્બરો દ્વારા સ્થપાયેલા સોંઘાઈ સામ્રાજ્યનો એક ભાગ હતો. ઈ. સ. 1000ના અરસામાં તૉરેગ નૃજાતિના લોકોએ મધ્ય સહરાથી દક્ષિણ તરફ (હાલના નાઇજર તરફ) પ્રયાણ કરેલું. સમયાંતરે તે વિસ્તારના વ્યાપારી માર્ગો પર તેમનું વર્ચસ શરૂ થયું. પંદરમી સદીમાં હાલના અગાદીઝ નગરના આજુબાજુના વિસ્તારમાં તૉરેગ પ્રજાએ પોતાનું સામ્રાજ્ય ઊભું કર્યું. સોળમી સદીમાં આ સામ્રાજ્યના પ્રદેશ પર સોંઘાઈ નૃજાતિના લોકોનું આધિપત્ય દાખલ થયું. ચૌદમી સદીથી ઓગણીસમી સદી દરમિયાન હાલના નાઇજરના પૂર્વ તરફનો ઇલાકો કૉનેમ-બોર્નુ રાજ્યનો અંતર્ગત ભાગ રહ્યો, તો દક્ષિણ તરફના વિસ્તારમાં નગર-રાજ્યો વિકસ્યાં. 1591માં મોરૉક્કોના આક્રમણને કારણે સોંઘાઈ નૃજાતિના લોકોના સામ્રાજ્યનો લોપ થયો. ઓગણીસમી સદીના પ્રારંભકાળમાં ઉસ્માન દાન ફોદિયો નામના પ્રગતિશીલ શાસકના નેતૃત્વ હેઠળ ફુલાની નૃવંશ જાતિના લોકોએ આ પ્રદેશ પર પોતાનું આધિપત્ય જમાવ્યું. આ જ ગાળામાં યુરોપીય અન્વેષકો અહીં દાખલ થયા, ત્યારે અહીં અસ્થિરતા અને અંધાધૂંધીની પરિસ્થિતિ પ્રવર્તતી હતી. આ વિસ્તારનાં જુદાં જુદાં નાનાંમોટાં સામ્રાજ્યો વચ્ચે સતત સંઘર્ષ ચાલતા હતા. પરિણામે કેટલાંક સામ્રાજ્યોનું વિસર્જન તો કેટલાંકનો ઉદભવ થતો હતો તો વળી કેટલાંક નાનાં સામ્રાજ્યોનું મોટાં સામ્રાજ્યમાં વિલીનીકરણ થતું હતું. યુરોપથી આવેલાં જુદાં જુદાં જૂથોએ 1885 અને 1890માં બે પરસ્પર અલગ અલગ કરાર કર્યા અને તે મુજબ આ પ્રદેશ ફ્રેન્ચોના આધિપત્ય હેઠળ મૂકવામાં આવ્યો. 1906માં તૉરેગ પ્રજાએ ફ્રેન્ચો સામે બળવો કર્યો, પરંતુ તે કડક હાથે દબાવી દેવામાં આવ્યો. 1904માં નાઇજર વિધિસર ફ્રેન્ચોના પશ્ચિમ આફ્રિકી સામ્રાજ્યનો અંતર્ગત ભાગ બન્યું. 1926માં નાઇમેયને તેનું પાટનગર બનાવવામાં આવ્યું. 1958માં તેને સ્વાયત્તતા આપવામાં આવી તથા ઑગસ્ટ, 1960માં નાઇજરને પૂર્ણ સ્વાધીનતા બક્ષવામાં આવી. નૅશનલ પ્રોગ્રેસિવ પાર્ટી(NPP)ના નેતા હમાની દિયોરીએ સત્તાનાં સૂત્રો સંભાળ્યાં. 1974માં લશ્કરી અધિકારી કાઉન્ચેના નેતૃત્વ હેઠળ લશ્કરે સરકાર સામે બળવો કર્યો, NPP પર પ્રતિબંધ મુકાયો, બંધારણનો અમલ મુલતવી રખાયો અને નૅશનલ ઍસેમ્બ્લીનું વિસર્જન કરવામાં આવ્યું. કાઉન્ચે પોતે સર્વોચ્ચ સમિતિના વડા બન્યા. 1987માં તેમનું અવસાન થતાં અલી સાબુએ સત્તાનાં સૂત્રો સંભાળ્યાં. 1989માં દેશ માટે નવું બંધારણ ઘડવામાં આવ્યું અને તે જ વર્ષે ડિસેમ્બરમાં સામાન્ય ચૂંટણી યોજવામાં આવી, જેમાં અલી સાબુ ફરી પ્રમુખ તરીકે ચૂંટાઈ આવ્યા. જાન્યુઆરી, 1996માં લશ્કરના નેજા હઠળ ફરી રક્તહીન ક્રાંતિ થઈ, દેશના પ્રમુખને પદભ્રષ્ટ કરવામાં આવ્યા, સંસદ વિખેરી નાખવામાં આવી અને લશ્કરના વડા કર્નલ બારે માઇનાસારાએ નૅશનલ સેફ્ટી કાઉન્સિલનું નેતૃત્વ પોતાના હાથમાં લીધું.

દેશના ઉત્તર તરફના લોકોની સ્વાયત્તતાની માગણીને તૉરેગ નૃજાતિના સંગઠન એ.આર.ઓ.(Armed Resistance Organisation)એ વાચા આપી. એપ્રિલ, 1995માં દેશની સરકાર તથા એ.આર.ઓ. વચ્ચે અલ્જિરિયા, બુર્કીના ફાસો તથા ફ્રાન્સના નેજા હેઠળ શાંતિ સંધિકરાર થયો ખરો; પરંતુ નવેમ્બર, 1995માં એ.આર.ઓ. સંગઠને તે મુલતવી રાખવા એકતરફી જાહેરાત કરી, જેને લીધે દેશના બે પ્રદેશો વચ્ચે રાજકીય મડાગાંઠ ચાલુ રહી છે.

1996માં કર્નલ ઇબ્રાહીમ બારના નેતૃત્વ હેઠળ બળવો થયો. 1999માં બારની હત્યા થઈ અને લશ્કરી અધિકારીઓએ ઝડપથી લોકશાહી સ્થાપી. ચૂંટણીઓ યોજી અને મામાડાઉ તાન્દજા સત્તા પર આવ્યા. તેઓ 2004માં ફરી ચૂંટાયા.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે