નાંદેડ : મહારાષ્ટ્ર રાજ્યની પૂર્વ સરહદ પર આવેલો જિલ્લો, જિલ્લામથક અને નગર. રાજ્યના મરાઠાવાડા વહીવટી વિભાગમાં સામેલ આ જિલ્લાનું કુલ ક્ષેત્રફળ 10,545 ચોકિમી. છે અને તે રાજ્યના કુલ વિસ્તારનો 3.38 ટકા ભાગ આવરી લે છે. જિલ્લાનું ભૌગોલિક સ્થાન આશરે 18° 15’ થી 19° 55’ ઉ. અ. અને 77° 07’ થી 78° 15’ પૂ. રે.. વચ્ચે તથા નગર 19° 09’ ઉ. અ. થી 77° 20’ પૂ. રે. પર છે. આઠ તાલુકાઓમાં વહેંચાયેલા આ જિલ્લાની ઉત્તરે રાજ્યનો યવતમાળ જિલ્લો, પૂર્વમાં આંધ્રરાજ્યનો આદિલાબાદ જિલ્લો અને અગ્નિમાં નિઝામાબાદ જિલ્લો, દક્ષિણે કર્ણાટક રાજ્યનો બીદર જિલ્લો તથા નૈર્ઋત્યમાં લાતુર જિલ્લો અને પશ્ચિમે તથા વાયવ્યમાં રાજ્યનો પરભણી જિલ્લો આવેલા છે.
ભૂપૃષ્ઠ : આ જિલ્લો દખ્ખણના ઉચ્ચ સપાટ પ્રદેશનો ભાગ ગણાય છે. ઉત્તર તરફ સાતમાલાની ટેકરીઓ અને દક્ષિણ તરફ ડુંગરો આવેલા છે. જિલ્લાનો બાકીનો ભાગ લગભગ સમતલ સપાટ અને ફળદ્રૂપ છે. ઉત્તર તરફ આવેલા સર્વોચ્ચ શિખરની ઊંચાઈ 644 મીટર જેટલી છે. પૈનગંગા નદીખીણોમાંનો સપાટ ભાગ સમુદ્રસપાટીથી 150થી 300 મીટરની ઊંચાઈ પર અને બાકીનો ભાગ સરેરાશ 400 મીટરની ઊંચાઈ પર છે. ગોદાવરી આ જિલ્લામાંથી પસાર થતી મુખ્ય નદી છે અને પૈનગંગા, સીતા, સરસ્વતી તથા આસના ઉપનદીઓ છે.
આબોહવા : જિલ્લાની આબોહવા સૂકી અને વિષમ રહે છે. મે અને જાન્યુઆરીનું તાપમાન અનુક્રમે 42°થી 45° સે. અને 12°થી 14° સે. વચ્ચેનું રહે છે. ઉત્તર તરફના ભાગોમાં સરેરાશ 1,240 મિમી. તો દક્ષિણ તરફના ભાગોમાં સરેરાશ 855 મિમી. વરસાદ પડે છે.
કુદરતી સંપત્તિ : જિલ્લાના કુલ વિસ્તારના આશરે 8% ભાગમાં જંગલો આવેલાં છે, જેમાં સાગ અને વાંસ ઠીક ઠીક પ્રમાણમાં ઉપલબ્ધ થાય છે. ખનિજોની બાબતમાં આ જિલ્લો સમૃદ્ધ નથી.
ખેતી : જિલ્લાની કુલ જમીનમાંથી આશરે 75% જમીન ખેડાણલાયક છે, પરંતુ આશરે 68% ખેડાણલાયક જમીન પર ખેતી કરવામાં આવે છે. જિલ્લામાં સિંચાઈની સગવડો મર્યાદિત હોવાથી આશરે 5% જમીન સિવાયની જમીન વરસાદને અધીન રહે છે. ખેડાણયોગ્ય જમીનમાંથી આશરે 65% જમીનમાંથી અનાજની પેદાશ લેવાય છે. કૃષિપેદાશોમાં જુવાર મુખ્ય પેદાશ છે. તે ઉપરાંત બાજરી, ડાંગર, તુવેર, મગફળી, મગ, અડદ, મરચાં, ચણા, શેરડી અને કપાસનું ઉત્પાદન થાય છે. તાજેતરનાં વર્ષો દરમિયાન કેળાં, દ્રાક્ષ અને શાકભાજીના વાવેતરની શરૂઆત કરવામાં આવી છે, જેના ઉત્પાદનમાં નોંધપાત્ર વધારો થયો છે.

નાંદેડ : નગરનો મધ્યભાગ
ઉદ્યોગો : નાંદેડ નગરની એક સુતરાઉ મિલને બાદ કરતાં આ જિલ્લાનો ઔદ્યોગિક વિકાસ મર્યાદિત પ્રમાણમાં થયો છે. જિલ્લામાં બે સહકારી ખાંડનાં કારખાનાં, હાથસાળ-ઉદ્યોગ, જિનિંગ-પ્રેસિંગ મિલો, તેલની ઘાણીઓ, ગોળ બનાવવાના તથા ઇમારતી લાકડાં કાપવાના એકમો વિકસ્યાં છે.
ઐતિહાસિક સ્થળો : નાંદેડ ખાતે આવેલું શીખોના દસમા ગુરુ ગોવિંદસિંગનું શીખ ગુરુદ્વારા પર્યટકો માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બની રહેલું છે. તે ઉપરાંત જોવાલાયક સ્થળોમાં શ્રીગુરુદત્તનું જન્મસ્થાન મનાતું માહુર ખાતેનું દત્તશિખર, રેણુકાદેવીનું મંદિર, માલેગાંવ ખાતેનું ખંડોબાનું મંદિર તથા ઉનકદેવ ખાતેના ગરમ પાણીના ઝરા ઉલ્લેખનીય છે. જિલ્લાની વસ્તી 33,56,566 (2011) છે. જ્યારે શહેરની વસ્તી 5,50,439 (2011) હતી.
નાંદેડ નગર એ જિલ્લાનું વહીવટી મથક તથા તીર્થસ્થાન છે. ગોદાવરી નદીના ઉત્તર તટ પર મનમાડ-સિકંદરાબાદ રેલમાર્ગ પર તે વસેલું છે. મહારાષ્ટ્ર રાજ્યનાં વીસ મોટાં નગરોમાં તેનો સમાવેશ થાય છે. આસપાસના પ્રદેશોની ખેતપેદાશો માટે તે મહત્વનું બજાર છે. પ્રાચીન કાળમાં નંદીતટ નામથી ઓળખાતું આ નગર સંસ્કૃત વિદ્યાનું અગ્રણી કેન્દ્ર ગણાતું હતું. પાંડવો તેમના વનવાસનાં વર્ષો દરમિયાન આ નગરની મુલાકાતે આવેલા એવી એક માન્યતા છે. વિખ્યાત મરાઠી કવિ વામન પંડિત આ નગરના નિવાસી હતા.
આધુનિક જમાનાની લગભગ બધી જ સગવડો આ નગરમાં ઉપલબ્ધ છે. અહીં વિનયન, વિજ્ઞાન, વાણિજ્ય વિદ્યાશાખાઓની ઉચ્ચ શિક્ષણસંસ્થાઓ ઉપરાંત આયુર્વેદ કૉલેજ પણ છે. એક જમાનામાં અહીં તૈયાર થતી મલમલ અને જરીની સાડીઓ ખૂબ જ વખણાતી હતી. આ નગરમાં શીખોનું જે ગુરુદ્વારા છે તે અમૃતસરના પવિત્ર સુવર્ણમંદિર પછીનું શીખોનું બીજા ક્રમનું પવિત્ર સ્થાન ગણાય છે. મુઘલોએ શીખ ધર્મના દસમા અને છેલ્લા ગુરુ ગોવિંદસિંગનો 1708માં વધ કર્યો ત્યારપછી જ્યાં તેમની સમાધિ બાંધવામાં આવી હતી. તે જ સ્થળે મહારાજા રણજિતસિંગ દ્વારા આ ગુરુદ્વારા બાંધવામાં આવ્યું છે. શ્રી હુજૂર અબચલનગર સચખંડ અકાલતખ્ત શ્રી ગુરુદ્વારા સાહેબ નામથી ઓળખાતા આ ધર્મસ્થાનની આખીયે ઇમારત આરસપહાણની બનેલી છે તથા તેના ઘૂમટની ટોચ અને ગ્રંથસાહેબની પ્રતિષ્ઠા કરવામાં આવી છે. ત્યાંની અંદરની દીવાલો સોનાના પતરાથી મઢેલી છે. ગુરુદ્વારાના મુખ્ય ગર્ભગૃહમાં ગુરુ ગોવિંદસિંગનાં શસ્ત્રો મૂકવામાં આવ્યાં છે. ગુરુદ્વારામાં એક અલાયદો રત્નાગાર પણ છે. દર વર્ષે લાખો યાત્રાળુઓ તેની મુલાકાત લે છે. ઉપરાંત ગોદાવરી નદીના તટ પર હિન્દુઓનાં મંદિર અને જામા મસ્જિદ તથા બડી દરગાહ એ મુસલમાનોનાં પવિત્ર સ્થળો છે. નગરની નજીકમાં કળંબ રાજાએ બંધાવેલા દુર્ગના કેટલાક અવશેષો હજી હયાત છે.
પ્રાચીન કાળમાં આ નગર પર નંદ વંશનું શાસન હતું. ત્યારપછી આંધ્રભૃત્ય સાતવાહન, ચાલુક્ય, રાષ્ટ્રકૂટ, કાકલીય, યાદવ વગેરેએ અહીં રાજ્ય કરેલું. થોડા સમય માટે તે મલિક કાફૂરના કબજામાં પણ રહ્યું હતું. બહમની સામ્રાજ્યના કાળમાં તેને તૈલંગણમાં સામેલ કરવામાં આવ્યું હતું. 1725માં તે હૈદરાબાદના નિઝામના રાજ્યનો ભાગ બન્યું. 1956માં દ્વિભાષી મુંબઈ રાજ્યની રચના થયા પછી નાંદેડનો અલાયદો જિલ્લો બનાવવામાં આવ્યો અને ત્યારથી આ નગર તેનું મુખ્ય વહીવટી મથક બન્યું છે.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે