નાંબુદ્રી, અકિલમ્ અચ્યુતમ્

January, 1998

નાંબુદ્રી, અકિલમ્ અચ્યુતમ્ (. 18, માર્ચ 1926, કુમરાનાળાવુર, કેરળ, . 15 ઑક્ટોબર 2020, થ્રિસ્સુર, કેરળ) : મલયાળમ લેખક. શરૂઆતમાં એમણે પ્રાચીન વેદનો અભ્યાસ કર્યો અને સંસ્કૃતનું ઊંડું અધ્યયન કર્યું. સાથે સાથે જ્યોતિષ તથા સંગીતનું પણ શિક્ષણ લીધું. એમને લોકનાટ્ય-નૃત્ય કથકલી પ્રત્યે પણ વિશેષ અભિરુચિ હતી. શારીરિક અસ્વસ્થતાને લીધે કૉલેજશિક્ષણ પૂરું કરી શક્યા નહિ. તે કોઝીકોડ આકાશવાણી કેન્દ્રમાં કાર્યક્રમોનાં લખાણ અને પ્રસ્તુતીકરણનું કાર્ય સંભાળતા હતા. 1986માં નિવૃત્ત થયા. એમના 32 ગ્રંથો પ્રગટ થયા છે, જેમાં મુખ્ય છે ‘મધુવિધુ’ (1951), ‘પંચવર્ણા ક્કિળિકળ’ (1953) અને ‘ઇસપતામ નુટ્ટારિટૈ ઇતિહાસમ્’ (1955). છેલ્લું  એમનું પ્રસિદ્ધ ખંડકાવ્ય છે. એક સમાજસુધાર તરીકે કેરળમાં એમની ખ્યાતિ છે. વળી વૈદિક અભ્યાસના તેઓ હિમાયતી છે. બ્રાહ્મણેતર જ્ઞાતિના લોકો વેદાભ્યાસ કરે તેના પુરસ્કર્તા છે. અસ્પૃશ્યતાના આગ્રહી છે. એનો નાયક વીસમી સદીનો ભાવુક પુરુષ છે જે અન્યાય અને અત્યાચારની વિરુદ્ધ સંઘર્ષ કરવા માટે સામ્યવાદનો માર્ગ ગ્રહણ કરે છે. પણ મધુર ભાવનાઓ તથા નૈતિકતાનું બલિદાન આપીને હજારો માણસોને આગમાં હોમી દેનારું આ આંદોલન એનો ભ્રમ ભાંગી નાખે છે ને ખિન્ન હૃદયે નાયક આંસુ સારે છે. આ કાવ્ય એમના વ્યક્તિગત અનુભવોની પાર્શ્વભૂમાં રચાયું છે. એમના ‘બલિદર્શનમ્’ (1970) કાવ્યમાં પૌરાણિક વામનાવતારની બલિની કથાનું નિરૂપણ છે. એ કાવ્યે એમને મલયાળમના પહેલી હરોળના કવિ તરીકે સ્થાન અપાવ્યું છે અને એને માટે તેને 1973ના મલયાળમ ભાષાના શ્રેષ્ઠ પુસ્તકના ઍવૉર્ડ માટે સાહિત્ય અકાદમી, દિલ્હીએ પસંદ કર્યું હતું. એમણે ‘શ્રીમદ્ ભાગવતમ્’નો મલયાળમમાં સમશ્લોકી અનુવાદ કર્યો તે એમનું મૂલ્યવાન કામ છે. 2400 પાનાંના દળદાર એ ગ્રંથમાં 14,613 શ્લોકો અનૂદિત કર્યા છે. આ ઉપરાંત આસાન પ્રાઇઝ, વલ્લવોલ ઍવૉર્ડ, લલિતામ્બિકા સાહિત્ય ઍવૉર્ડ, ઓકાકુઝલ ઍવૉર્ડ વગેરેથી તેઓ સન્માનિત થયા છે. કેન્દ્ર સરકારે પદ્મશ્રી આપી એમને સન્માન્યા છે. મૂર્તિદેવી ઍવૉર્ડ એમને એનાયત થયો છે.

ચન્દ્રકાન્ત મહેતા