નાંદીપુર : મૈત્રકકાલ દરમિયાન ઉત્તર લાટમાં રાજસત્તા ધરાવતા ગુર્જરનૃપતિ વંશની રાજધાની. તેનું નામ નાન્દીપુરી હતું. સમય જતાં એ ‘નાન્દીપુર’ કહેવાયું. કેટલાક આ નાન્દીપુરને ‘રેવામાહાત્મ્ય’માં ભરુકચ્છ (ભરૂચ) પાસે જણાવેલા નન્દિતીર્થ તરીકે ને હાલ ભરૂચની પૂર્વે ઝાડેશ્વર દરવાજાની બહાર આવેલા નંદેવાલ નામે જૂના કિલ્લા તરીકે ઓળખાવે છે. જ્યારે બીજા વિદ્વાનો નાંદીપુરને ભરૂચથી પૂર્વોત્તર પૂર્વે 54.4 કિલોમીટરના અંતરે આવેલા હાલના નાંદોદ તરીકે ઓળખાવે છે. દાનશાસનો પરથી માલૂમ પડે છે કે ભરુકચ્છ વિષય પર ઈ. સ. 609માં કટચ્યુરિ રાજા બુદ્ધરાજની સત્તા પ્રવર્તતી હતી. ઈ. સ. 648માં મૈત્રક રાજા ધરસેન ચક્રવર્તીએ ભરુકચ્છમાં પોતાની વિજયછાવણી નાખી હતી ને ઈ. સ. 676માં એના વંશજ શીલાદિત્ય 3જાએ ભરુકચ્છ વિષયમાં આવેલી ભૂમિનું દાન દીધું હતું. આમ ભરૂચ અને એની આસપાસનો પ્રદેશ સાતમી સદીનાં ઘણાં વર્ષો સુધી નાંદીપુરના રાજાઓની સત્તા બહાર હતો. આથી ગુર્જરનૃપતિવંશની રાજધાની નંદીપુરી કે નંદીપુર એ હાલનું નાંદોદ હોય એ જ વધુ બંધ બેસે છે. નંદીપુર આગળ જતાં ‘નન્દીપદ્ર’ નામે નાના નગરમાં પલટાયું હશે એવું એના વર્તમાન ‘નાંદોદ’ રૂપ પરથી જણાય છે. નાંદોદ કરજણ નદીના પૂર્વ કાંઠા પર આવેલું નાંદોદ તાલુકાનું વડું મથક છે, જે હાલ રાજપીપળા તરીકે ઓળખાય છે.

હરિપ્રસાદ ગં. શાસ્ત્રી