નાંદી, અમલા (જ. 27 જૂન 1919; અ. 24 જુલાઈ 2020, કૉલકાતા) : બંગાળી નૃત્યાંગના. પિતા અક્ષયકુમાર નાન્દી સંનિષ્ઠ સમાજસેવક તેમજ વિદ્યાવ્યાસંગી હતા. સંસ્કારી અને સુખી કુટુંબમાં ઊછરેલ અમલામાં બાળપણથી જ કલા, વિદ્યા તેમજ વિશ્વબંધુત્વની ભાવનાનું સિંચન થયું હતું.
અગિયાર વર્ષની કુમળી વયે પિતા સાથે પૅરિસ ખાતે યોજાયેલ આંતરરાષ્ટ્રીય કૉલોનિયલ પ્રદર્શન જોવા ગયાં ત્યારે ઉદયશંકર તેમજ તેમના પરિવાર સાથે પરિચય થયો. તે દરમિયાન ઉદયશંકરનો નૃત્ય-પ્રવાસ ચાલુ હતો તેમાં તે જોડાયાં અને આ નૃત્યસંગાથ ઉદયશંકરના જીવનકાળ દરમિયાન તો ચાલુ રહ્યો, પણ ત્યારબાદ પણ તેમનું સ્વપ્ન સાકાર થાય તે માટે ‘ઉદયશંકર ઇન્ડિયા કલ્ચર સેન્ટર’નાં અધ્યક્ષા તરીકે કાર્યરત રહ્યાં.
રાજનીતિશાસ્ત્ર તેમજ ઇતિહાસના વિષય સાથે કલકત્તા યુનિવર્સિટીમાંથી સ્નાતકની પદવી પ્રાપ્ત કર્યા બાદ પોતાના યુરોપ-પ્રવાસ-અનુભવના આધારે ‘સાત સાગરેર પારે’ (સાત સમંદર પાર) પુસ્તક લખ્યું.
1942માં ઉદયશંકર સાથે લગ્નગ્રંથિથી જોડાયા બાદ તેમના સર્જનાત્મક નૃત્ય-આયોજનમાં તે વધુ સક્રિય રીતે સંલગ્ન બન્યાં અને કલાકાર પતિનાં પ્રેરણામૂર્તિ બની રહ્યાં. દૂર પૂર્વના દેશો તેમજ આફ્રિકાના પ્રવાસમાં તેમણે સહનર્તકી તેમજ આયોજક તરીકેનો કાર્યભાર સંભાળ્યો. ‘કલ્પના’ જેવી ફિલ્મથી ઉદયશંકરે ચિત્ર તેમજ નૃત્યજગતમાં નવું સોપાન શરૂ કર્યું; તેમાં તેમણે મુખ્ય ભૂમિકા ભજવી. ઉપરાંત સર્વ કાર્યમાં સંચાલકનું કામ પણ નિભાવ્યું. ત્યારબાદ છાયા-નાટિકા ‘રામલીલા’, ‘ભગવાન બુદ્ધ’ ઉપરાંત ‘લેબર ઍન્ડ મશીનરી’, ‘મહાત્યાગ’ અને ‘સામાન્ય ક્ષતિ’ જેવી નૃત્ય-નાટિકાઓ ભજવી. 2012માં અમલા નાંદી નૃત્ય માટે કાર્યરત હતાં. તેમણે શંકર ઘરાના તેમના દીકરી મમતા અને પુત્રવધૂ તનુશ્રી શંકર સાથે રજૂ કરેલું.
આટલા બહોળા અનુભવને કારણે તેમને અમેરિકાની યુનિવર્સિટીમાંથી (1965થી ’67) તેમજ રશિયા, જર્મની ઉપરાંત ફ્રાંસની ગણમાન્ય નૃત્યસંસ્થાઓમાં 1972 દરમિયાન મુખ્ય નૃત્યશિક્ષક તરીકે આમંત્રણ મળ્યું.
તેમને મળેલાં અનેક સન્માનમાં ભારત સરકારનો પદ્મભૂષણનો ખિતાબ, સોવિયેત લૅન્ડ નેહરુ પુરસ્કાર, ઇન્દિરા ગાંધી સ્મૃતિ પુરસ્કાર, પશ્ચિમ બંગાળ પત્રકાર સંઘનો ‘દિશારી’ પુરસ્કાર, પશ્ચિમ બંગાળ રાજ્ય સંગીત નાટક અકાદમી પુરસ્કાર, પશ્ચિમ બંગાળ સરકારનો ‘અલાઉદ્દીનખાં પુરસ્કાર’ તથા રાષ્ટ્રીય સમીક્ષક સંઘનો ‘કલાશિરોમણિ’ પુરસ્કાર ઉલ્લેખનીય છે.
પ્રકૃતિ કાશ્યપ