નહેરુ (નેહરુ), જવાહરલાલ મોતીલાલ (જ. 14 નવેમ્બર 1889, અલ્લાહાબાદ; અ. 27 મે 1964, ન્યૂ દિલ્હી) : સ્વતંત્ર ભારતના પ્રથમ વડાપ્રધાન અને સ્વાતંત્ર્યસેનાની. વહીવટી વિશિષ્ટતા અને વિદ્વત્તા માટે પ્રસિદ્ધ કાશ્મીરી બ્રાહ્મણ કુટુંબમાં, અલ્લાહાબાદના પ્રખ્યાત વકીલ મોતીલાલને ત્યાં જવાહરલાલનો જન્મ. તેમના વડવાઓ અઢારમી સદીમાં કાશ્મીરથી સ્થળાંતર કરીને દિલ્હી, આગ્રા અને પછી અલ્લાહાબાદ આવીને વસ્યા હતા. તેમના પિતા વડી અદાલતના વકીલ હતા અને તેમને ઘણી સારી આવક હતી. તેમની રહેણીકરણી પાશ્ચાત્ય ઢબની હતી. જવાહરલાલને વિજયાલક્ષ્મી અને કૃષ્ણા એમ બે બહેનો હતી. તેઓમાં સૌથી મોટા જવાહરલાલ હતા. 1916માં વસંતપંચમીને દિવસે કમલા સાથે તેમનું લગ્ન થયું હતું. તેમને ભણાવવા માટે અંગ્રેજ શિક્ષકો ઘેર આવતા. જવાહર ઘોડેસવારી અને તરતાં શીખ્યા હતા. તેમના એક શિક્ષક ફર્ડિનાન્ડ ટી. બ્રુક્સની જવાહર પર ઘણી અસર પડી હતી. તેણે જવાહરમાં વાંચવાનો શોખ પેદા કર્યો. ઍની બેસન્ટનાં પ્રવચનોથી તેઓ પ્રભાવિત થયા અને થિયૉસૉફિકલ સોસાયટીના સભ્ય થયા હતા.
માત્ર 15 વર્ષની વયે તેમને અભ્યાસાર્થે ઇંગ્લૅન્ડ મોકલવામાં આવ્યા. તેમણે હૅરોની શાળામાં પ્રવેશ મેળવ્યો. ત્યાં અભ્યાસ સાથે તેઓ પાર્લમેન્ટની ચૂંટણીમાં રસ લેતા. શિક્ષકના પ્રશ્નના ઉત્તરમાં ત્યાંના વડાપ્રધાન તથા પ્રધાનમંડળનાં નામો આપનાર જવાહર એકમાત્ર વિદ્યાર્થી હતા. જી. એમ. ટ્રવૅલ્યનલિખિત ગૅરીબાલ્ડીનું જીવનચરિત્ર વાંચીને તેઓ પ્રભાવિત થયા. 1907માં તેઓ કેમ્બ્રિજની ટ્રિનિટી કૉલેજમાં દાખલ થયા અને વિજ્ઞાનની ડિગ્રી મેળવી. આ દરમિયાન હિંદી વિદ્યાર્થીઓના મંડળ ‘મજલિસ’ની સભાઓમાં હાજર રહી રાજકીય પ્રશ્નોની ચર્ચા સાંભળતા. કેમ્બ્રિજની મુલાકાતે આવતા હિંદી રાજકીય નેતાઓ બિપિનચંદ્ર પાલ, લાજપતરાય તથા ગોપાળકૃષ્ણ ગોખલેને તેઓ ધ્યાનથી સાંભળતા. કેમ્બ્રિજની ડિગ્રી લઈને 1910માં તેઓ લંડનમાં ઇનર ટેમ્પલમાં દાખલ થયા અને 1912માં બૅરિસ્ટર થયા. આ દરમિયાન ફેબિયનો અને સમાજવાદીઓના વિચારો પ્રત્યે તે આકર્ષાયા હતા. આયર્લૅન્ડની ‘સિન ફીન’ની ચળવળ તથા સ્ત્રીઓના મતાધિકારના પ્રશ્નમાં તેમને રસ પડતો હતો. સ્કૉટ, ડિકન્સ, થૅકરે, વેલ્સ અને માર્ક ટ્વેઇનનાં પુસ્તકો તેમણે વાંચ્યાં હતાં. બર્નાર્ડ શૉ અને બર્ટ્રાન્ડ રસેલનાં લખાણોની પણ તેમના ઉપર અસર પડી હતી.
ઇંગ્લૅન્ડમાં સાત વર્ષ અભ્યાસ કરીને તેઓ ભારત આવ્યા. તેમણે અલ્લાહાબાદની વડી અદાલતમાં વકીલાત શરૂ કરી. આ દરમિયાન ગોખલેની સર્વન્ટ્સ ઑવ્ ઇન્ડિયા સોસાયટી પ્રત્યે તેઓ આકર્ષાયા અને દેશની સેવાને માટે માત્ર પેટ પૂરતું લઈને પોતાનાં જીવન સમર્પણ કરનારા એ લોકો માટે તેમને સદભાવ પેદા થયો. બેસન્ટની હોમરૂલ લીગમાં જોડાઈને તેમણે તેનું કામ કરવા માંડ્યું. તેમના ઘરમાં રાજકીય પ્રશ્નો ઉપર ગરમાગરમ ચર્ચાઓ થતી. તેમને વકીલાતમાં રસ પડ્યો નહિ.
તેઓ રાષ્ટ્રવાદી હતા અને દેશની સ્વતંત્રતા ઝંખતા હતા; પરંતુ સેંકડો યુવકોની જેમ, તે કઈ રીતે મળશે તેની દિશા સૂઝતી નહોતી. તેમણે પિતાને લખેલા પત્રોમાંથી જાણવા મળે છે કે પિતાપુત્ર બંને ભારતની સ્વતંત્રતા મેળવવા ઉત્સુક હતા. ગાંધીજીને જવાહર પ્રથમ મળ્યા 1916ના ડિસેમ્બરમાં, લખનૌમાં, કૉંગ્રેસના અધિવેશન વખતે. દક્ષિણ આફ્રિકામાં વીરતાથી ચલાવેલી લડતને માટે સૌને એમના પ્રત્યે માન હતું. તેમણે ચંપારણમાં ત્યાંના કિસાનો માટે લડત ઉપાડીને વિજય મેળવ્યો, તેથી સૌ તેમના ઉપર ખુશ હતા. ભય અને ધિક્કાર વિના ગ્રેટબ્રિટન સામે લડવાના ગાંધીજીના આગ્રહથી જવાહરલાલ તેમના પ્રત્યે આકર્ષાયા હતા. 1919થી તેઓ કૉંગ્રેસની પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રહેવા લાગ્યા. 1920ના જૂનમાં, પ્રતાપગઢ જિલ્લાનાં ગામડાંઓમાં, મિત્રો સાથે નહેરુ ગયા, ત્યારે સૌપ્રથમ વાર વસ્ત્રહીન, અન્નહીન, દલિત અને અત્યંત પીડિત ભારતમાતાનું ચિત્ર જોયું. તેમની અનેક મુશ્કેલીઓ સાંભળી, જાહેર સભાઓ સંબોધી તથા જાહેરમાં બોલતાં શીખ્યા. અસહકારની ચળવળ દરમિયાન તેમનો સમય સમિતિની બેઠકોમાં જતો. તેઓ ગામડે જઈ ખેડૂતોની સભાઓને સંબોધતા. તેમને એ રીતે લોકજાગૃતિનો અનુભવ થયો અને જનસમૂહ સાથે એકરૂપ થતા ગયા.
ચળવળની પ્રવૃત્તિને કારણે ડિસેમ્બર, 1921માં તેમની ધરપકડ કરવામાં આવી. ત્યારબાદ 24 વર્ષમાં તેમને આઠ વાર અટકમાં લેવામાં આવ્યા હતા અને કુલ નવ વર્ષ તેમણે જેલમાં ગાળ્યાં હતાં. ફેબ્રુઆરી, 1922માં ગાંધીજીએ અસહકારની ચળવળને મોકૂફ રાખી, ત્યારે નહેરુ તેમના ઉપર ખૂબ ચિડાયા હતા. નહેરુ 1923માં બે વરસ માટે કૉંગ્રેસ પક્ષના મહામંત્રી બન્યા અને અલ્લાહાબાદ મ્યુનિસિપાલટીના પ્રમુખ પણ બન્યા. 1927માં બીજાં બે વરસ માટે તેઓ કૉંગ્રેસ પક્ષના મહામંત્રી બન્યા. તેમના આ કામને લીધે તેમણે દેશના વિવિધ વિસ્તારોનો પ્રવાસ કર્યો. 1926–27માં તેમણે યુરોપની મુલાકાત લીધી. ફેબ્રુઆરી, 1927માં કૉંગ્રેસના પ્રતિનિધિ તરીકે તેમણે બ્રસેલ્સ પરિષદમાં હાજરી આપી. ત્યાં યુરોપની સમાજવાદી ચળવળના નેતાઓ તથા આફ્રિકા અને એશિયાના રાષ્ટ્રવાદી નેતાઓનો તેમને સંપર્ક થયો. તેથી તેઓ સમાજવાદ તરફ ઢળવા લાગ્યા. નવેમ્બર, 1927માં તેમણે સોવિયેત યુનિયનની મુલાકાત લીધી અને માર્કસવાદ તથા સમાજવાદમાં વધુ રસ લેતા થયા. તે પછીના જેલવાસ દરમિયાન તેમણે માર્કસવાદનો વિગતે અભ્યાસ કર્યો. તેમણે સોવિયેત યુનિયન વિશે લેખો લખ્યા. ભારતની પરિસ્થિતિને અનુરૂપ માર્કસવાદનો મેળ બેસાડવા તેઓ પ્રયાસ કરતા હતા; તેમ છતાં તેઓ હિંસાના વિરોધી હતા.
સાયમન કમિશનના સભ્યો 1928માં લખનઉ આવ્યા ત્યારે 16 સ્વયંસેવકોની ટુકડીની આગેવાની નહેરુએ લીધી. ઘોડેસવાર પોલીસોએ દંડા અને લાઠીઓથી તેમને ખૂબ ઝૂડ્યા. જવાહરલાલને પીઠ પર ફટકા પડ્યા. આખે શરીરે ઘા અને ફટકાના સોળ પડ્યા. નહેરુએ 1928માં પંજાબ, મલબાર, દિલ્હી અને સંયુક્ત પ્રાંતો – એમ ચાર પ્રાંતિક પરિષદોમાં તથા મુંબઈ અને બંગાળમાં યુવક અને વિદ્યાર્થી પરિષદોનું પ્રમુખપદ સંભાળ્યું. પ્રસંગોપાત્ત, ઔદ્યોગિક કામદારો સમક્ષ તેઓ ભાષણો કરતા. બધાં જ સ્થળોએ તેઓ સંપૂર્ણ સ્વતંત્રતા અને સામાજિક મુક્તિ વિશે બોલતા. કૉંગ્રેસના કાર્યકરોમાં તથા બુદ્ધિજીવી વર્ગમાં તેઓ સમાજવાદની વિચારસરણીનો પ્રચાર કરતા.
મોતીલાલને સર્વપક્ષી પરિષદનો હેવાલ ડિસેમ્બર, 1928માં કૉલકાતાના અધિવેશનમાં પસાર કરાવવો હતો. તેમાં સંપૂર્ણ સ્વતંત્રતાની માગણી નહોતી અને જવાહરલાલ તે વિશે બાંધછોડ કરવા તૈયાર નહોતા. તેથી પિતાપુત્ર વચ્ચે માનસિક કલહની લાગણી પેદા થઈ. ગાંધીજીએ બંને વચ્ચે સમાધાન કરાવ્યું. સર્વપક્ષી પરિષદનો હેવાલ સ્વીકારવામાં આવ્યો અને એવી જાહેરાત કરવામાં આવી કે બ્રિટિશ સરકાર એક વર્ષમાં તેનો અમલ નહિ કરે તો કૉંગ્રેસ સંપૂર્ણ સ્વતંત્રતાની માગણી કરશે. ડિસેમ્બર, 1929માં લાહોરમાં મળનારા કૉંગ્રેસ અધિવેશનના પ્રમુખપદે, ગાંધીજીના સૂચનથી નહેરુની વરણી થઈ. તેઓ ભારતના યુવકોને આકર્ષી શકશે એવી આશાથી, અનેક વડીલ નેતાઓને બદલે ગાંધીજીએ નહેરુની પસંદગી કરી. મહાત્માની ગણતરી એવી પણ હતી કે વધુ જવાબદારી સોંપવાથી નહેરુ જહાલવાદી બનવાને બદલે, મધ્યમમાર્ગી રહેશે. કૉંગ્રેસ પ્રમુખ તરીકે નહેરુ સૌથી વધારે વાર, 1929, 1936, 1937, 1946 અને 1951–54 – એમ પાંચ વાર ચૂંટાયા હતા. લાહોરના કૉંગ્રેસ અધિવેશનમાં પૂર્ણ સ્વરાજનો ઠરાવ પસાર કરવામાં આવ્યો. પૂર્ણ સ્વરાજની પ્રાપ્તિ માટે સવિનય કાનૂનભંગની ચળવળનો આરંભ કરવા ગાંધીજીએ દાંડી મુકામે મીઠાના કાયદાનો ભંગ કર્યો. એપ્રિલની 14મી તારીખે નહેરુની ધરપકડ કરીને, છ માસની કેદની સજા ફરમાવવામાં આવી. તેમને નૈની જેલમાં રાખવામાં આવ્યા. છ મહિને જેલમુક્તિ બાદ, 19 ઑક્ટોબર, 1930ના રોજ તેમની ફરીથી ધરપકડ કરી રાજદ્રોહ, મીઠાના કાયદાનો ભંગ તથા 1930ના છઠ્ઠા ઑર્ડિનન્સ મુજબ કુલ બે વરસની સખત કેદ અને દંડ ન ભરે તો બીજા પાંચ મહિનાની કેદની સજા ફરમાવવામાં આવી. 26 જાન્યુઆરી, 1931ના રોજ જવાહરલાલ, ગાંધીજી તથા બીજા અનેક કાર્યકરોને છોડી મૂકવામાં આવ્યા. ત્યારબાદ ફેબ્રુઆરી, 1931ના રોજ મોતીલાલનું અવસાન થયું. ગાંધી-ઇર્વિન કરાર પછી બીજી ગોળમેજી પરિષદમાંથી પાછા ફરેલા ગાંધીજી તથા નહેરુ સહિત કૉંગ્રેસના અનેક નેતાઓની ધરપકડ કરવામાં આવી. નહેરુને બે વર્ષની કેદની સજા થઈ. લંડનમાં ગોળમેજી પરિષદો ભર્યા બાદ 1935નો હિંદ સરકારનો ધારો જાહેર કરવામાં આવ્યો. તે મુજબ 1937માં પ્રાંતોમાં ચૂંટણીઓ યોજવામાં આવી. તેમાં મુસ્લિમ લીગનો દેખાવ સારો ન હતો. મહંમદ અલી ઝીણાએ કેટલાક પ્રાંતોમાં કાગ્રેસ અને મુસ્લિમ લીગની મિશ્ર સરકારો રચવા સૂચન કર્યું. તેનો કૉંગ્રેસે વિરોધ કર્યો. કૉંગ્રેસ અને મુસ્લિમ લીગ વચ્ચેના સંબંધો તંગ બન્યા; કોમી રમખાણો થયાં. 1939માં દ્વિતીય વિશ્વયુદ્ધ શરૂ થયું. તેમાં કૉંગ્રેસનાં પ્રાંતીય પ્રધાનમંડળોની સલાહ લીધા વિના બ્રિટિશ સરકારે ભારતને યુદ્ધમાં જોડી દીધું. તેના વિરોધમાં કૉંગ્રેસી પ્રધાનમંડળોએ રાજીનામાં આપ્યાં. તેમ કરવાથી ઝીણા અને મુસ્લિમ લીગને રાજકીય ક્ષેત્રે મોકળું મેદાન મળી ગયું. વિશ્વયુદ્ધ વિશે ગાંધીજી અને નહેરુના વિચારો ભિન્ન હતા. મહાત્મા માનતા હતા કે ગ્રેટબ્રિટનને બિનશરતી ટેકો આપવો જોઈએ અને તે અહિંસક હોવો જોઈએ. નહેરુ માનતા હતા કે આક્રમણ સામે સંરક્ષણ કરવામાં અહિંસાને સ્થાન નથી અને ભારતે માત્ર સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે, નાઝીવાદ વિરુદ્ધના યુદ્ધમાં ગ્રેટબ્રિટનને ટેકો આપવો જોઈએ.
ઑક્ટોબર, 1940માં ગાંધીજીએ પોતાના અગાઉના વિચારો બદલીને મર્યાદિત (વ્યક્તિગત) સવિનય કાનૂનભંગની ચળવળ શરૂ કરી. તેમાં ભાગ લે તે અગાઉ, નહેરુની ધરપકડ કરીને તેમને ચાર વર્ષની કેદની સજા કરવામાં આવી; પરંતુ એક વર્ષ બાદ, અન્ય કૉંગ્રેસ કાર્યકરો સહિત તેમને પણ મુક્ત કરવામાં આવ્યા. માર્ચ, 1942માં જાપાને ભારતના પૂર્વ કિનારે બૉંબવર્ષા કરી ત્યારે નવી લશ્કરી ધમકી ઉપસ્થિત થઈ. તેથી વડાપ્રધાન ચર્ચિલે યુદ્ધ પ્રધાનમંડળના સભ્ય સર સ્ટૅફર્ડ ક્રિપ્સને બંધારણીય સમસ્યા ઉકેલવા, કેટલીક દરખાસ્તો સહિત ભારત મોકલ્યા. સ્વંતત્રતાથી લેશમાત્ર ઓછું સ્વીકારવા મહાત્મા તૈયાર ન હોવાથી ક્રિપ્સ મિશન નિષ્ફળ ગયું. આ વરસે ગાંધીજીએ નહેરુને પોતાના રાજકીય વારસદાર જાહેર કર્યા હતા.
વિશ્વયુદ્ધ ચાલુ હોય ત્યારે ચળવળ શરૂ કરવા નહેરુ તૈયાર નહોતા; પરંતુ તેઓ ગાંધીજી સાથે જોડાયા. મુંબઈમાં મળેલી કૉંગ્રેસની મહાસમિતિની બેઠકમાં 8 ઑગસ્ટ, 1942ની રાત્રે ‘હિંદ છોડો’ નામથી જાણીતો ઠરાવ પસાર કરવામાં આવ્યો. બીજે દિવસે વહેલી સવારે ગાંધીજી, નહેરુ, સરદાર પટેલ સહિત બધા કૉંગ્રેસના નેતાઓની ધરપકડ કરી લેવામાં આવી. નહેરુ અન્ય નેતાઓ સાથે 15 જૂન, 1945ના રોજ જેલમુક્ત થયા. દ્વિતીય વિશ્વયુદ્ધ બાદ ઇંગ્લૅન્ડની મજૂર પક્ષની સરકારે 1946માં કૅબિનેટ મિશન ભારત મોકલ્યું. વાઇસરૉયના નિમંત્રણનો સ્વીકાર કરીને નહેરુ વાઇસરૉયની કારોબારી સમિતિના ઉપ-પ્રમુખ તથા વિદેશની બાબતો અને રાષ્ટ્રસમૂહના સંબંધોના સભ્ય બન્યા. પાકિસ્તાનનું અલગ રાજ્ય મેળવવા માટે ઝીણાની ‘સીધાં પગલાં દિન’ની જાહેરાત બાદ ઑગસ્ટ, 1946માં બંગાળમાં અને તે પછી બિહારમાં કોમી રમખાણો ફાટી નીકળ્યાં, ત્યારે નહેરુ બિહાર ધસી ગયા અને હિંદુ કોમવાદની ઝાટકણી કાઢી. તેઓ ઇચ્છતા હતા કે લોકો ધર્મ, પ્રાંત, ભાષાના મતભેદો ભૂલીને ભારતીય હોવાની ભાવના સેવે. ગાંધીજી અને નહેરુ દેશના વિભાજનના વિરોધી હતા; પરંતુ વાઇસરૉય લૉર્ડ માઉન્ટબેટન સાથેની મંત્રણામાં નહેરુએ વિભાજનનો સ્વીકાર કર્યો.
15 ઑગસ્ટ, 1947ના રોજ ભારત સ્વતંત્ર થયું અને નહેરુ પ્રથમ વડાપ્રધાન બન્યા. ત્યારથી મે, 1964માં તેમના અવસાન સુધી તેઓ વડાપ્રધાન તથા લોકોના સર્વમાન્ય નેતા રહ્યા. નહેરુના સૂચનથી ભારતે બંધારણમાં બિનસાંપ્રદાયિકતા તથા સંસદીય લોકશાહીનો સ્વીકાર કર્યો. નહેરુ આયોજન દ્વારા દેશનો ઝડપી વિકાસ થઈ શકે એમ માનતા હતા. સંસદના ધારાથી માર્ચ, 1950માં આયોજનપંચની રચના કરવામાં આવી અને નહેરુ તેના અધ્યક્ષ બન્યા. 1951માં પ્રથમ પંચવર્ષીય યોજનાનો મુસદ્દો પ્રગટ કરવામાં આવ્યો. તે સમયે રાષ્ટ્રને કરેલા સંબોધનમાં નહેરુએ સહકારી પ્રયાસો દ્વારા રચાયેલ વર્ગવિહીન સમાજનો ઉદ્દેશ જણાવ્યો, જેમાં શાંતિમય રીતે અને લોકશાહી માર્ગે સૌને સમાન તક પ્રાપ્ત થાય એવી ભાવના સમાવિષ્ટ હતી. તેમણે ભાકરા-નાંગલ, હિરાકુડ અને દામોદર વૅલી જેવા વિશાળ બંધો બાંધીને તેમને આધુનિક તીર્થ ગણાવ્યાં. પ્રથમ યોજનામાં ઔદ્યોગિક ક્ષેત્રે નોંધપાત્ર પ્રગતિ થઈ. બીજી યોજનામાં ઔદ્યોગિક ઉત્પાદનમાં વૈવિધ્ય પ્રવેશ્યું. ગૃહ-ઉદ્યોગોને રક્ષણ આપવામાં આવ્યું.
વિદ્યુત-શક્તિનું ઉત્પાદન ત્રીજી યોજનાને અંતે 1951 કરતાં પાંચગણું થયું. નહેરુએ વૈજ્ઞાનિક, તકનીકી વગેરે ક્ષેત્રે સંશોધનપ્રવૃત્તિ ઝડપથી આગળ વધારી. તેમણે કાઉન્સિલ ઑવ્ સાયન્ટિફિક ઍન્ડ ઇન્ડસ્ટ્રિયલ રિસર્ચ, પ્રયોગશાળાઓ તથા સંશોધન-સંસ્થાઓની સ્થાપના કરી. એ રીતે તેઓ આધુનિકતાના પ્રબળ હિમાયતી તરીકે પ્રગટ થતા રહ્યા.
પાકિસ્તાને 1948માં બળ દ્વારા કાશ્મીર કબજે કરવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો. કાશ્મીરની સમસ્યા યુનાઇટેડ નૅશન્સમાં લઈ જવા માઉન્ટબેટને નહેરુને સમજાવ્યા. સરદાર પટેલ તેની તરફેણમાં નહોતા. નહેરુના વડાપ્રધાનપદ દરમિયાન કાશ્મીર સતત સમસ્યા બની રહ્યું. તેને લીધે દેશને પસ્તાવું પડ્યું. પાછળથી નહેરુને પણ તે બાબતનું દુ:ખ થયું.
ભારતની વિદેશનીતિના ઘડવૈયા નહેરુ હતા. ભારતને સ્વતંત્રતા મળી તે અગાઉ પણ તેમને રાજાઓ અને સરમુખત્યારો પ્રત્યે ઇતરાજી હતી. ભારતની બિનજોડાણની નીતિ તેમની ભેટ છે. તેમાં ભારતીય પરંપરાઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. તેમણે પંચશીલના સિદ્ધાંતો આપ્યા. તેઓ માનતા હતા કે આંતરરાષ્ટ્રીય તકરારનો ઉકેલ વાટાઘાટો દ્વારા લાવવો જોઈએ. તેમાં સફળતા ન મળે તો લવાદ દ્વારા ઉકેલ લાવવો જોઈએ. નહેરુના સૂચનથી ભારત રાષ્ટ્રસમૂહના દેશોના સભ્ય તરીકે ચાલુ રહ્યું; પરંતુ તેમાંથી ‘બ્રિટિશ’ શબ્દ દૂર કરવામાં આવ્યો અને તેમાં ઇંગ્લૅન્ડના રાજાનું સ્થાન, તેના પ્રમુખ તરીકે નામનું ચાલુ રાખવામાં આવ્યું. એટલે બ્રિટિશ રાષ્ટ્રસમૂહનું સ્વરૂપ બદલીને તે સ્વતંત્ર રાષ્ટ્રોનું મંડળ બન્યું. નહેરુનો આ નિર્ણય શાણપણભર્યો હતો. તેનાથી ભારત અને ગ્રેટબ્રિટન બંનેને લાભ થયો. રાષ્ટ્રસમૂહને વિવિધ રંગ અને જાતિના લોકોનું પ્રતિનિધિત્વ ધરાવતી સંસ્થા બનાવવામાં બ્રિટિશ વડાપ્રધાન ઍટલીને નહેરુનો ઘણો સહકાર મળ્યો. નહેરુ સંસ્થાનવાદના વિરોધી હતા અને તેમની વિદેશનીતિમાં તે મહત્ત્વનો મુદ્દો હતો. આ ઉપરાંત આફ્રિકાના દેશોમાં ચાલતા સ્વાતંત્ર્યસંગ્રામ પ્રત્યે તેમને સહાનુભૂતિ હતી. ઇસ્લામી દેશો સાથે તેઓ સહકારની નીતિ રાખતા, તે મુજબ યુનાઇટેડ નૅશન્સમાં ભારતીય પ્રતિનિધિમંડળ ઇઝરાયલની વિરુદ્ધ મત આપતું. પાછળથી નહેરુને સમજાયું કે આરબોને દરેક બાબતમાં ટેકો આપવાની નીતિ પુનર્વિચારણા માગે છે. તે પછી ઇઝરાયલને ભારતે માન્યતા આપી હતી. 1955ના એપ્રિલમાં ઇન્ડોનેશિયાના બાંડુંગ નગરમાં આફ્રિકા અને એશિયાનાં રાષ્ટ્રોની પરિષદ મળી. તેમાં નહેરુએ મહત્ત્વનો ભાગ ભજવ્યો અને પાશ્ચાત્ય સંસ્થાનવાદનો વિરોધ કરવામાં આવ્યો. નહેરુએ ઇજિપ્તના ગમાલ નાસર અને યુગોસ્લાવિયાના જૉસેફ ટીટો સાથે મળીને બિનજોડાણવાદી જૂથની રચના કરી. આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ઑક્ટોબર, 1956 સુધી નહેરુની પ્રતિષ્ઠા વધતી રહી; પરંતુ સોવિયેત સંઘ વિરુદ્ધ હંગેરીના બળવાની બાબતમાં, યુનાઇટેડ નૅશન્સમાં, બિનજોડાણવાદી દેશોમાં માત્ર ભારતે સોવિયેત સંઘની તરફેણમાં મત આપ્યો. ત્યારબાદ બિનજોડાણની વાત કરવાનું નહેરુ માટે અઘરું બન્યું અને એ નીતિની સખત ટીકા કરવામાં આવી. તેમણે હિંદી-ચીન અને કોરિયાના સંઘર્ષોમાં સામ્યવાદ વિરુદ્ધના સંઘર્ષમાં તટસ્થતા જાળવી અને સામ્યવાદી ચીન સાથે સતત મૈત્રી ચાલુ રાખી, તે બાબતની યુનાઇટેડ સ્ટેટ્સમાં સખત ટીકા થઈ હતી; તેમ છતાં 1959માં ચીન સાથે સરહદી તકરાર થઈ, જે 1962માં ચીનના આક્રમણમાં પરિણમી. ત્યારે નહેરુએ પોતાની બિનજોડાણવાદની નીતિની નિરર્થકતા સ્વીકારીને યુનાઇટેડ સ્ટેટ્સની મદદ લીધી અને ચીનને આગળ વધતું અટકાવ્યું.
બ્રિટિશ અને ફ્રેન્ચોએ શાંતિપૂર્વક ભારતના પ્રદેશો સોંપી દીધા; પરંતુ પોર્ટુગીઝો દીવ, દમણ અને ગોવા સોંપી દેવા તૈયાર નહોતા. ઑગસ્ટ, 1955માં પોર્ટુગીઝોએ 30 નિ:શસ્ત્ર, અહિંસક સત્યાગ્રહીઓને ગોળીબારથી ઠાર કર્યા. ત્યારબાદ છ વર્ષ ધીરજ રાખ્યા પછી 1961માં ગોવા કબજે કરવામાં આવ્યું.
નહેરુએ વડાપ્રધાન બનતાં પહેલાં અને ત્યાર પછી દુનિયાના અનેક દેશોનો પ્રવાસ કર્યો હતો.
નહેરુ મુક્ત સમાજમાં માનતા હતા. દેશના પુખ્તવયમતાધિકાર પર આધારિત લોકશાહી માળખાની રચનામાં તેમનું પ્રદાન નોંધપાત્ર છે. તેમણે પોતાના દેશના લોકોમાં ગરીબો તથા અન્ય લોકો માટે સામાજિક જવાબદારી જાગ્રત કરી. પ્રાચીન હિંદુ સિવિલ કોડમાં સુધારો કરીને તેમણે હિંદુ મહિલાઓને વારસો અને મિલકતના સમાન અધિકારો તથા છૂટાછેડાના હકો આપ્યા. 17 વર્ષના તેમના વડાપ્રધાનપદ દરમિયાન તેમણે લોકશાહી સમાજવાદને માર્ગદર્શક સિદ્ધાંત માન્યો હતો. ભારત માટે લોકશાહી અને સમાજવાદ બંનેની આવશ્યકતા પર ભાર મૂકીને, તેમણે લોકશાહી દ્વારા સમાજવાદ સિદ્ધ કરવાનો પ્રયોગ કર્યો. તેમણે દેશની ત્રણ સામાન્ય ચૂંટણીઓમાં કૉંગ્રેસ પક્ષને ઝળહળતો વિજય અપાવ્યો. ભારતની ઉત્તર-પૂર્વે (ઈશાન) વસતા નાગ લોકો દેશના અન્ય લોકો સાથે ભળી ગયા નહિ. તેમણે થોડાં વરસોમાં સ્વતંત્રતાની માગણી કરી. નહેરુએ નાગા હિલ્સની મુલાકાત લઈ, તેમના નેતાઓ સાથે વાતચીત કરીને તેમની સાંસ્કૃતિક સ્વાયત્તતા જાળવવાની ખાતરી આપી. તેમની સમસ્યા મનોવૈજ્ઞાનિક રીતે ઉકેલવા, તેમની સામે શિક્ષાત્મક પગલાં ન ભરવા, દવાખાનાં, શાળાઓ, રસ્તા જેવી સગવડો વધારવા તથા સ્થાનિક પરિસ્થિતિને અનુરૂપ વહીવટ કરવાની અધિકારીઓને સૂચના આપી. તેમણે લખેલાં પુસ્તકોમાં ‘ગ્લિમ્પસિઝ ઑવ્ વર્લ્ડ હિસ્ટરી’, ‘એન ઑટોબાયૉગ્રાફી’, ‘ટૉવર્ડ્ઝ ફ્રીડમ’ અને ‘ધ ડિસ્કવરી ઑવ્ ઇન્ડિયા’ મુખ્ય છે.
ઈ. સ. 1955માં નહેરુને ભારતનો શ્રેષ્ઠ ખિતાબ ‘ભારતરત્ન’ રાષ્ટ્રપતિ દ્વારા એનાયત કરવામાં આવ્યો હતો.
જયકુમાર ર. શુક્લ