નસીમ, દયાશંકર (જ. 1811 લખનૌ; અ. 1843) : ઉર્દૂ ભાષાના કવિ. નસીમે પરંપરાગત શિક્ષણ લીધું હોવા છતાં નાનપણથી જ તેમનું મનોવલણ કવિતા લખવા તરફ ઢળ્યું હતું. તેમની આ રુચિ અને શોખને લખનૌના માહોલથી પ્રોત્સાહન મળ્યું. તેમના નામાંકિત ઉસ્તાદ હૈદરઅલી આતિશે તેમની કવિપ્રકૃતિને પ્રશંસનીય પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.
શરૂઆતમાં નસીમે પરંપરાગત લખનવી રંગમાં લખેલી ગઝલો સામાન્ય હતી. પરંતુ તેમાં રહેલ એકાદ ગુણને પારખીને તેમના ઉસ્તાદ આતિશે નસીમને ગઝલ કરતાં મસ્નવી લખવા માટે પ્રોત્સાહિત કર્યા. ઉર્દૂ સાહિત્યમાં ‘ઈજાઝ’ના નામે ઓળખાતા ‘ગાગરમાં સાગર’ ભરવાના કાવ્યગુણ માટે મસ્નવી કાવ્યમાં સારો અવકાશ હોય છે. નસીમે પોતાના સુપ્રસિદ્ધ કાવ્ય ‘ગુલઝારે નસીમ’માં આ કાવ્યશૈલીનું ખૂબ કલાત્મક નિરૂપણ કર્યું છે. ઉર્દૂ સાહિત્યનો તે એક અવિસ્મરણીય કાવ્યપ્રકાર લેખાય છે. આ પ્રકારમાં સમાસ, રૂપક, ઉપમા વગેરેના ઉચ્ચતમ નમૂના જોવા મળે છે. આ મસ્નવી ઉપરાંત નસીમે બીજાં પણ કેટલાંક કાવ્યો લખ્યાં છે.
મોહિયુદ્દીન બૉમ્બેવાલા