નસાઉ (બહામા) : ઉત્તર ઍટલાન્ટિકના કૅરિબિયન સમુદ્ર વિસ્તારના વેસ્ટ ઇન્ડીઝ ટાપુઓમાંના બહામા નામના સ્વતંત્ર રાષ્ટ્રનું પાટનગર અને ત્યાંનું મોટામાં મોટું નગર. તે ન્યૂ પ્રૉવિડન્સ ટાપુ (207 ચોકિમી.)ના ઈશાન ભાગમાં કિનારા પરનું બંદર પણ છે. ભૌગોલિક સ્થાન 25° ઉ. અ. અને 77´ પ. રે પર તે આવેલું છે. તેની પશ્ચિમે એડિલેડ નગર, ઉત્તરે નૉર્થ ઈસ્ટ પ્રૉવિડન્સ નહેર, પૂર્વમાં ગવર્નર્સ હાર્બર તથા રૉક સાઉન્ડ બંદર અને દક્ષિણે એક્ઝુમાકેઝ નૅશનલ લૅન્ડ ઍન્ડ સી પાર્ક આવેલાં છે. અહીંનું જાન્યુઆરીનું તાપમાન 21.7° સે. અને જુલાઈનું તાપમાન 27.2° સે. રહે છે. વરસાદ 1180 મિમી. પડે છે.

નસાઉ સાથે 460 મીટર લાંબા પુલથી જોડાયેલો પૅરેડાઇઝ ટાપુ મનોરંજનનું કેન્દ્ર બની રહેલો છે. નસાઉ દુનિયાનાં જાણીતાં રમણીય વિહારધામો પૈકીનું એક ગણાય છે. પૅરેડાઇઝ ટાપુ પર જવાઆવવા માટે ફેરી-સેવાની સુવિધા છે. પ્રાકૃતિક અનુકૂળતાને કારણે નસાઉ કુદરતી બારા તરીકે વિકસી શક્યું છે. અહીંની આબોહવા સમશીતોષ્ણ પ્રકારની છે, દરિયાઈ કિનારાપટ પરનાં દૃશ્યો રમણીય બની રહેલાં છે. બંદરના પૂર્વ છેડે દૂરતટીય (offshore) દરિયાઈ બગીચા છે; જ્યાં દરિયાઈ જળસપાટીથી નીચે તરફનો ભાગ નીરખી શકાય એવી કાચના તળવાળી હોડીઓની સગવડ મળી રહે છે. કુદરતી વનસ્પતિમાં સુંદર કિરમજી રંગનાં વૃક્ષો, ગુલાબી ઝાંયવાળા જામલી રંગની બોગનવેલ સુંદર શ્યો ઊભાં કરે છે.

અહીં કોઈ ખાસ મહત્ત્વના ઉદ્યોગો નથી, તેમ છતાં અહીંના સિસલ, ખટમીઠાં ફળો, ટમેટાં, પાઈનેપલ વગેરેની નિકાસ થાય છે. અહીં આંતરરાષ્ટ્રીય હવાઈ મથક છે. હવાઈ માર્ગે તેમજ જળવાહનવ્યવહાર મારફતે અહીંથી અન્યત્ર અવરજવર થઈ શકે છે.

નસાઉ પાટનગર છે. વસ્તી : 2,48,948 (2011). ઇંગ્લૅન્ડના રાજા વિલિયમ ત્રીજાના કૌટુંબિક નામ પરથી 1690 પછીના દસકામાં તેને નસાઉ નામ મળેલું છે; પરંતુ 1729 સુધી તે જાણીતું થયેલું નહિ. તેને કિનારે કિનારે રહેઠાણો વિસ્તરેલાં છે. અહીંની જાણીતી ઇમારતોમાં ત્રણ જૂના કિલ્લા, સરકારી ભવન, ઍંગ્લિકન ક્રાઇસ્ટ ચર્ચ કેથીડ્રલ અને વહીવટી કચેરીઓનો સમાવેશ થાય છે.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે