નસાઉ (જર્મની) : જર્મનીનો ઐતિહાસિક વિસ્તાર. રહાઈન નદી અને ઐતિહાસિક હેસ પ્રદેશની વચ્ચેના વિસ્તારમાં બારમી સદીમાં ડ્યૂકના તાબા હેઠળ સ્થાપવામાં આવેલ સ્વતંત્ર એકમ/ઘટક. કાઉન્ટ ઑવ્ લૉરેન્બરીએ તે સ્થળ પર એક કિલ્લો બાંધ્યો હતો, જેના અનુવંશજ વાલરૅમે કાઉન્ટ ઑવ્ નસાઉનો ખિતાબ ધારણ કર્યો હતો. ત્યારપછી નસાઉ પર શાસન કરતું કુટુંબ બે શાખાઓમાં વહેંચાઈ ગયું હતું, જેમાંથી એક શાખાના અનુવંશજોએ નેધરલૅન્ડના કેટલાક વિસ્તારો પર કબજો કર્યો હતો. આ શાખાના વિલિયમ ઑવ્ ઑરેન્જ પાછળથી વિલિયમ ત્રીજાના નામથી ઇંગ્લૅન્ડની ગાદી પર બેઠા હતા. નેપોલિયને રહાઈન પ્રદેશને આવરી લેતા વિસ્તાર માટે જે સમવાયતંત્ર (confederation) રચ્યું હતું તેમાં નસાઉના તે વખતના શાસક જોડાઈ ગયા હતા (1806). 1866માં નસાઉનો પ્રદેશ પ્રશિયાએ પોતાના કબજામાં લીધો હતો. 1866-1945 દરમિયાન આ વીસબાડન (Wiesbaden) જિલ્લાનો અંતર્ગત ભાગ બની રહ્યો. 1950ના અરસામાં તેનો મોટા ભાગનો પ્રદેશ પશ્ચિમ જર્મનીમાં ભેળવી દેવામાં આવ્યો હતો.
રોમન સામ્રાજ્યના સમયગાળામાં તેના પર માટ્ટિયાસીનું તથા તે પછી અલામન્નીનું સ્વામિત્વ પ્રસ્થાપિત થયું હતું. પૂર્વ જર્મની અને પશ્ચિમ જર્મનીનું 1990માં એકીકરણ થતાં હવે આ પ્રદેશ સંયુક્ત જર્મનીનો ભાગ બની ગયો છે. વીસબાડન તેનું મુખ્ય શહેર છે.
લાહન નદી નસાઉને લગભગ બે હિસ્સામાં વહેંચી નાખે છે; ઉત્તરમાં વેસ્ટરવાલ્ડ છે, દક્ષિણમાં ટાઉનસ પર્વતો છે. નસાઉ ગીચ વનપ્રદેશ છે. ખીણભાગોમાં અનાજ અને ફળો થાય છે. અહીં લોહ, સીસું, તાંબા અને ચાંદીનાં ખનિજો મળે છે.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે