નસકોરી ફૂટવી (epistaxis) : નાકમાંથી લોહી પડવું તે. નાકના આગળના કે પાછળના ભાગમાંથી લોહી વહે છે. ક્યારેક નાકમાંથી લોહી આપોઆપ વહેવા માંડે છે તો ક્યારેક તે કોઈક ચોક્કસ કારણે થાય છે. નસકોરી ફૂટવાનાં અનેક કારણો છે.
કારણવિદ્યા અને નિદાન : નસકોરી ફૂટવાનું કારણ સ્થાનિક એટલે કે નાકમાં જ હોય અથવા તો શરીરના વ્યાપક રોગો પણ હોઈ શકે (સારણી 1). નાકના સ્થાનિક રોગો જન્મજાત, ઈજાજન્ય કે શોથજન્ય (inflammatory) હોય છે. નાકમાં પીડા કરતો સોજો થાય તો તેને શોથ (inflammation) કહે છે. વિષાણુ, જીવાણુ, ફૂગ કે અન્ય કારણોસર તે થાય છે. તે ટૂંકા ગાળાનો કે લાંબા ગાળાનો વિકાર હોય છે. ક્યારેક નાકમાં ગાંઠ થયેલી હોય કે કોઈ બહારનો પદાર્થ નાકમાં પેઠો હોય તોપણ નાકમાંથી લોહી પડે છે. લોહીનું ઊંચું દબાણ, લોહી વહેવાના વિકારો, માથાના ભાગનું લોહી લઈ જતી ધોરી શિરામાં વધેલું દબાણ, વાતાવરણમાં દબાણના ફેરફારો, શરીરમાં વ્યાપેલા ચેપ, કેટલીક દવાઓ, મૂત્રપિંડની નિષ્ફળતા કે સગર્ભાવસ્થાની વિષરુધિરતા (toxaemia) તેમજ કોઈક અજ્ઞાત કારણો પણ નાકમાંથી લોહી વહેવાનો વિકાર કરે છે.
નાકમાંની નસો પહોળી થઈ ગઈ હોય તો તેને વાહિનીવિસ્ફારિતા (telangectasis) કહે છે. તેમાં પહોળી થયેલી કેશવાહિનીઓનાં નાનાં ગૂચળાં નાની નાની ગાંઠો બનાવે છે તેને કેશવાહિની-અર્બુદો (capillary haemangioma) કહે છે. ઘણી વખતે તે નાક કે જીભ પર જોવા મળે છે. જરૂર પડ્યે તેને બાળી દેવાં પડે છે. નાકમાં થતી ઈજા ક્યારેક ખોપરીના તળિયાને પણ ઈજા કરે છે. તે સમયે મગજની આસપાસનું પ્રવાહી નાક દ્વારા બહાર આવે છે. મગજની આસપાસના પ્રવાહીને મસ્તિષ્ક-મેરુ તરલ (cerebrospinal fluid, CSF) કહે છે. નાકમાંથી કોઈ પણ પ્રકારનું પ્રવાહી પડે તો તેને નસિકાબહિ:સ્રાવ (rhinorrhoea) કહે છે. નાકમાંથી જ્યારે CSF પડે ત્યારે તેને મસ્તિષ્ક-મેરુ તરલીય નાસિકાબહિ:સ્રાવ (cerebrospinal rhinorrhoea) કહે છે. તેથી ઈજાને સમયે નાકમાંથી લોહી પડે તો ખોપરીના તળિયા પર અસ્થિભંગ (fracture of a bone) થયો છે કે નહિ તે ખાસ જોવાય છે. નાકમાં પડદાના આગલા ભાગના નીચલા છેડે 4 જુદી જુદી ધમનીઓની નાની નાની શાખાઓ મળે છે. તેને લિટલનો વિસ્તાર કહે છે. (આકૃતિ). તે જગ્યાએ નાની નાની શાખાઓથી બનતી ધમનીજાળ(arterial plexus)ને કિસલ બૅકની ધમનીજાળ કહે છે. ત્યાં થતી નાની કે સામાન્ય ઈજાને કારણે નાકમાં લોહી વહેવા માંડે છે. નસકોરી ફૂટવાના 90 % બનાવોમાં લિટલનો વિસ્તાર જ કારણસ્થળ હોય છે. તે જગ્યાએ લોહી વહે પછી ત્યાં લોહીનો નાનો ગઠ્ઠો જામે છે. જો દર્દી તેને ઝડપથી અને જોરથી દૂર કરે તો ત્યાંથી ફરીથી લોહી વહેવા માંડે છે. આમ નસકોરી ફૂટવાનું એક વિષચક્ર સ્થપાઈ જાય છે.
સારણી 1 : નસકોરી ફૂટવાનાં કેટલાંક કારણો
ક્રમ | જૂથ | ઉદાહરણ |
(અ) સ્થાનિક | ||
(1) | જન્મજાત (congenital) | ઑસ્લરનો રોગ અથવા બહુવાહિની વિસ્ફારિતા (multiple telangiectasis). |
(2) | ઈજાજન્ય (traumatic) | નાક કે તેની આસપાસનાં હાડકાંનાં પોલાણો-(વિવર, sinus)ને ઈજા; તેમના પર શસ્ત્રક્રિયા, નાકમાં આવેલા લિટલના વિસ્તાર પર નાનકડી ઈજા તથા ક્યારેક માથા પર થતી ઈજા. |
(3) | શોથજન્ય (inflammation) | નાકમાં ડિપ્ફ્થેરિયા કે અન્ય સૂક્ષ્મ જીવોના ચેપથી થતો શોથ (inflammation)નો ઉગ્ર વિકાર અથવા ક્ષય, ઉપદંશ (syphilis), કુષ્ઠરોગ, ક્ષીણતાજન્ય નાસિકાશોથ (atrophic rhinitis) કે નાસિકી શુષ્કતા (rhinitis sicca) જેવા લાંબા ગાળાના શોથકારી વિકારો. આ ઉપરાંત ફૂગને કારણે થતો લાંબા સમયનો શોથ, જેને ફૂગજન્ય ચિરશોથગડ (fungal granuloma) તેમજ વેજનરનો ચિરશોથગડ કહે છે. |
(4) | ગાંઠ (tumour) | નાકમાં બનતી નસોની સૌમ્ય વાહિની-અર્બુદ (angioma) નામની ગાંઠ, નાકગળામાં થતી સતંતુ વાહિની-અર્બુદ (fibroangioma) નામની ગાંઠ કે તેની આસપાસનાં વિવરોમાં થતું કૅન્સર. |
(5) | પ્રકીર્ણ | નાકમાં કોઈ બાહ્ય પદાર્થ પેસી ગયો હોય, નાકમાં કોઈક પરોપજીવ (parasite) હોય, પથરી થઈ હોય (નાસિકાશ્મરી, nasolith) અથવા ઋતુસ્રાવ સમયે નસકોરી ફૂટતી હોય. |
(6) | અજ્ઞાતમૂલ (idiopathic) | કોઈ સ્પષ્ટ કારણની હાજરી ન હોય તોપણ ક્યારેક આપોઆપ નસકોરી ફૂટે. |
(આ) વ્યાપક વિકારો | ||
(1) | લોહીનું ઊંચું | મેદજન્ય ધમનીકાઠિન્ય(atherosclerosis)ને કારણે દબાણ નસો સંકાચાઈ ન શકે તેથી સામાન્ય ઈજા પછી લોહી વહ્યાં કરે. |
(2) | લોહી વહેવાના | લોહીનું કૅન્સર, ગઠનકોષો(platelets)ની ઊણપ, રોગો હીમોફિલિયા, અસ્થિમજ્જા(bone-marrow)ની નિષ્ફળતા કે તેમાં પ્રવેશતાં કૅન્સર. |
(3) | ઊર્ધ્વમહાશિરા-(superior venacara)માં વધેલું દબાણ | હૃદયના દ્વિદલ વાલ્વનું સંકીર્ણન તથા છાતીના મધ્યભાગમાં ગાંઠને કારણે લાંબા સમયનું દબાણ વધે છે, જ્યારે ઉટાંટિયું થયું હોય તો ખાંસી(ઉધરસ)ના જોરદાર હુમલા વખતે દબાણ વધે. |
(4) | વાતાવરણજન્ય | વાતાવરણમાં એકદમ હવાનું દબાણ ઘટે; દા. ત., એકદમ ખૂબ ઊંચાઈએ જવાનું થાય અથવા દરિયાના તળિયેથી ઝડપથી સપાટી પર આવવાનું થાય. |
(5) | વ્યાપક ચેપ | વિષાણુજન્ય ચેપ, ટાઇફૉઈડ કે આમવાતી જ્વર (rheumatic fever)માં નાકમાં વધતું લોહીનું ભ્રમણ. |
(6) | પ્રકીર્ણ | ઍસ્પિરિન જેવી સેલિસિલેટની દવાઓ, ક્વિનીન, મૂત્રપિંડની નિષ્ફળતા, સગર્ભાવસ્થાના ઝેરી વિકારો કે અન્ય અજ્ઞાત કારણો. |
નાકમાં ડિપ્ફ્થેરિયા થવો, ફોલ્લી થવી, શરદી થવી કે નાકની પાછળ નાકગળા(nasopharynx)માં કાકડા હોય તો તેમાં ચેપ લાગવો વગેરે વિવિધ ચેપમાં જે તે ભાગ લાલ અને પીડાકારક થાય છે. તેને શોથ (inflammation) કહે છે. તેનાથી થતા નાકના વિકારને નાસિકાશોથ (rhinitis) કહે છે. ક્ષય, ઉપદંશ તથા કુષ્ઠરોગમાં થતો નાસિકાશોથ લાંબા ગાળાનો હોય છે. જો નાકની અંદરની દીવાલ સુક્કી થઈ ગઈ હોય તો તેને નાસિકી શુષ્કતા કહે છે. ક્યારેક રક્તકોષભક્ષિતા (lupus erythematosis) નામના રોગમાં પણ નાક અસરગ્રસ્ત થાય છે. આ બંને વિકારોમાં ક્યારેક નાકમાંથી લોહી પડે છે. ક્ષીણતાજન્ય નાસિકાશોથ (atrophic rhinitis) નામના એક અન્ય રોગમાં પણ ક્યારેક નસકોરી ફૂટે છે. નાકમાં થતી સૌમ્ય ગાંઠો પણ ઘણી વખત ઘણો તીવ્ર પ્રકારનો લોહી વહેવાનો વિકાર કરે છે. મોટી ઉંમરે નાકમાંથી લોહી પડે તો મોટે ભાગે તે કોઈક કૅન્સરને કારણે હોય છે. નાકમાં કોઈ બાહ્ય પદાર્થ, પથરી કે પરોપજીવ હોય તો ત્યાં ચેપ લાગે છે અને શોથનો વિકાર થાય છે. તેમાં ક્યારેક નસકોરી ફૂટે છે. ક્યારેક કેટલીક સ્ત્રીઓને ઋતુસ્રાવકાળ(menstrual period)માં નાકમાંથી લોહી પડે છે.
લોહીનું દબાણ વધે તો ક્યારેક નાકની નસમાંથી લોહી બહાર વહી જાય છે. તે સમયે ક્યારેક લોહીનું દબાણ એકદમ ઘટી પણ જાય છે. લોહીના કૅન્સર કે અન્ય પ્રકારના રોગોમાં લોહી વહેવાનો વિકાર થાય છે તે સમયે નાક તથા શરીરના અન્ય ભાગોમાંથી લોહી વહે છે. છાતીમાં થતી ગાંઠ માથા અને હાથમાંથી લોહીને પાછું લાવતી ઊર્ધ્વ મહાશિરા (superior vena cava)ને દબાવે છે; તેથી તેમાં દબાણ વધે જે નસકોરી ફૂટવામાં પરિણમે છે. વાતાવરણમાંનું હવાનું દબાણ અને નાકની નસોમાંનું દબાણ સમતોલ ન રહે ત્યારે પણ નાકની કોઈ નાની નસ ફાટી જઈને લોહી વહેવાનો વિકાર કરે છે. સેલિસિલેટ કે ક્વિનીન જેવી દવાઓ, શરીરના વ્યાપક ચેપી રોગો, મૂત્રપિંડની નિષ્ફળતા, સગર્ભાવસ્થાની ઝેરી અસરો પણ ક્યારેક નસકોરી ફૂટવાનો વિકાર કરે છે.
નાનાં બાળકોમાં નસકોરી ફૂટવાનો વિકાર વધુ થાય છે. તેનાં મુખ્ય કારણોમાં નાકમાં બાહ્ય પદાર્થ, નાકનો ડિપ્ફ્થેરિયા, નાસાનિવેશશોથ (vestibulitis) કે નાસાકાકડા(adenoids)માં ચેપ હોય છે. નાકના પડદાના ચામડીથી ઢંકાયેલા ભાગને નાસાનિવેશ (vestibule) કહે છે. નાકગળામાં આવેલા કાકડાને નાસાકાકડા કહે છે. બાળકોમાં ફૂટતી નસકોરીનું મુખ્ય કારણ નાસાનિવેશ અને નાસાકાકડામાં લાગતો ચેપ છે. મોટી ઉંમરે નસકોરી ફૂટે તો તેનાં મુખ્ય કારણો છે લોહીનું ઊંચું દબાણ અને કૅન્સર. 90 % કિસ્સામાં લિટલના વિસ્તારની કોઈ નસમાંથી નસકોરી ફૂટે છે. લોહીનું દબાણ વધે ત્યારે અગ્રસ્થ (anterior) ઇથમૉઇડ ધમનીમાંથી નસકોરી ફૂટે છે. તરુણાવસ્થા(17થી 20 વર્ષ)માં ક્યારેક નાસાગળા(nasopharynx)માં તંતુ-અર્બુદ (fibroma) નામની ગાંઠ થાય છે. તે છોકરી અને છોકરાઓ બંનેમાં જોવા મળે છે. પુખ્તવયની વ્યક્તિમાં જો અન્ય બધાં જ કારણો ન જોવા મળે તો લાંબા કાળના શોથવાળી ચિરશોથગડની ગાંઠ છે કે નહિ તે જાણી લેવાય છે.
(અ) નાક, મોં અને ગળા વચ્ચેનો સંબંધ તથા તેના પાછલા ભાગની અરીસાથી તપાસ; (આ) નાકની લોહીની નસો; (ઇ) નાસાકાકડા; (ઈ) નાકમાં બાહ્ય પદાર્થ; (ઉ) નાકમાં આગળથી મુકાતી દાબદિવેટ (pressure packing); (ઊ) નાકમાં ફોલીની ફુગ્ગાવાળી નળી વડે કરાતું દબાણ; તથા (ઋ અને એ) પાછળના ભાગમાં મુકાતી દાબદિવેટ. નોંધ : (1) નાક, (2) મોંઢું, (3) ઉપલો હોઠ, (4) જીભ, (5) નાકની પાછળ આવેલું નાસાગળું (nasopharynx), (6) ગળું, (7, 8) પરિનાસા વિવર (paranasal sinuses), (9) જિહવાદાબક (tongue depressor), (10) તપાસવાનો અરીસો, (11) મોટી તાળવાલક્ષી ધમની, (12) ઉપલા જડબાના દાંત, (13) તાળવાનું હાડકું, (14) ખોપરીનું તળિયું, (15) અને (18) પવસ્થ (posterior) અને અગ્રસ્થ (anterior) ઇથમૉઇડ ધમની અંત:શીર્ષલક્ષી (internal carotid) ધમનીની શાખાઓ, (16) સ્ફીનોપેલેટાઇન ધમનીની નાસાપટલ(septum)લક્ષી શાખાઓ તથા (17) ઊર્ધ્વઓષ્ઠીય (superial labial) ધમનીની નાસાપટલલક્ષી શાખાઓ, (11, 16, 17) બાહ્ય શીર્ષલક્ષી (external carotid) ધમનીની શાખાઓ, (19) લિટલનો વિસ્તાર, (20) નાસાકાકડા – (adenoid), (21) નાસાકાકડા ઉચ્છેદ(adenoidectomy)નું સાધન, (22) બાહ્ય પદાર્થ, (23) બાહ્ય પદાર્થ કાઢવાનું સાધન (24) નાકમાં મુકાયેલી દાબદિવેટ, (25) દાબદિવેટ મૂકવાનો ચીપિયો, (26) ફોલીની ફુગ્ગાવાળી નળી, (27) દાબદિવેટનો ગઠ્ઠો, (28) દોરી, (29, 30 અને 31) નાકના પાછળના ભાગમાંથી લોહી વહે ત્યારે મુકાતી દાબદિવેટ.
નસકોરી ફૂટે ત્યારે કેટલું લોહી વહી ગયું છે તે તથા નાકના આગળ કે પાછળના ભાગમાંથી લોહી વહે છે તે જાણી લેવાય છે. ક્યારેક શ્વસનમાર્ગ કે અન્નમાર્ગમાં વહેતું લોહી નાક દ્વારા બહાર આવે છે; તેથી તેવો વિકાર નથી તેની ખાતરી કરી લેવાય છે. દર્દીના લોહીનું દબાણ ઊંચું છે કે ઘટી ગયું છે તે ખાસ જોઈ લેવાય છે. દર્દી ભયભીત કે આશંકિત (anxious) નથી થઈ ગયો ને તે પણ જોવામાં આવે છે. સંપૂર્ણ શારીરિક તપાસ ઉપરાંત લોહીના કોષોની સંખ્યાની ગણતરી, લોહી ગંઠાવા અંગેના વિવિધ ઘટકોનું પરીક્ષણ, ખોપરી તથા નાકની આસપાસનાં હાડકાંનાં પોલાણોનું એક્સ-રે-ચિત્રણ તથા જરૂર પડ્યે તે વિસ્તારનો સી.એ.ટી. સ્કાન કરીને નિદાન કરાય છે. કૅન્સરનું નિદાન કરવા જરૂર પડ્યે પેશીપરીક્ષણ (biopsy) કરાય છે.
સારવાર : નસકોરી ફૂટવાની સારવારના મુખ્ય 5 ભાગ પાડી શકાય છે : (1) જો તે કોઈ ચોક્કસ સ્થાનિક કે વ્યાપક રોગને કારણે થતી હોય તો તે મૂળ રોગની સારવાર કરાય છે. (2) તાત્કાલિક સારવાર રૂપે નાક પર ઠંડું પાણીવાળું કે બરફવાળું પોતું મૂકવામાં આવે છે. અથવા નાકના પડદાનો નીચલો લિટલના વિસ્તારવાળો ભાગ દબાવી રખાય છે. ઠંડા પોતાને કારણે નસો સંકોચાય છે, જ્યારે બહારથી દબાણ આપવાથી તૂટેલી નસમાં લોહી જામી જાય છે. જો લોહીનું દબાણ વધ્યું હોય અને તેથી જો નસકોરી ફૂટેલી હોય તો દર્દીને બેસવાનું કહેવાય છે અને મોઢું ખુલ્લું રાખી ધીમે ધીમે શ્વાસ લેવાનું સૂચવાય છે. તેણે લોહી ગળી જવાનું હોતું નથી, પરંતુ થૂંકી કાઢવાનું હોય છે. નાકને જોરથી છંકારીને સાફ ન કરવાનું કહેવાય છે. જો લોહી વહેવાનું ચાલુ રહે તો તે ભાગ પર જાળીવાળા ટુકડાને વૅસેલિન કે પ્રવાહી પૅરેફિનવાળો કરીને અથવા તૈયાર મળતા જેલફોર્મ કે મેટોસિલને નાકમાં દબાવી દેવાય છે. જો નાકના આગળના ભાગમાંથી લોહી આવતું હોય તો આગળથી, અને પાછળથી આવતું હોય તો પાછળના ભાગમાં આ પ્રકારનું દબાણવાળું પૅકિંગ મુકાય છે. તેને નાકની દાબદિવેટ કહે છે (– nasal pack). પૅકિંગને બદલે ફોલીની રુધિરનળી પણ વપરાય છે, પરંતુ તે ઘણી અગવડવાળી રહે છે. જો નાકની અંદરની દીવાલ સુક્કી થઈ ગયેલી હોય તો તેના પર ક્ષારજળ(saline)નાં ટીપાં, તૈલી મલમ, વૅસેલિન, ઘી કે કોઈ પ્રકારનું તેલ લગાડાય છે. (3) નસકોરી જે જગ્યાએથી વારંવાર ફૂટતી હોય તો નાકના તે ભાગ પર સિલ્વર નાઇટ્રેટ (15 %) કે ટ્રાઇક્લોર એસેટિક ઍસિડ (50 %) વડે રાસાયણિક દહન કે વીજળી વડે વીજદહન (electrocauterization) કરાય છે. ક્યારેક વિટામિન સી, વિટામિન કે, લોહીનું ગંઠન કરતા ઘટકો કે તરત મેળવાયેલો લોહીનો પ્રરસ (plasma), પૂરેપૂરું લોહી તથા લોહી વહેતું અટકાવવાની વિવિધ અવિશિષ્ટ દવાઓ પણ વપરાય છે. (4) શરીરવ્યાપી સારવાર રૂપે લોહીનું દબાણ વધ્યું હોય તો ઘટાડાય છે. પુષ્કળ લોહી વહી ગયું હોય તો નસ વાટે લોહી અપાય છે. આઘાતની સ્થિતિ ઉત્પન્ન થઈ હોય તો તેની સારવાર કરાય છે. લોહી વહેવાનો વિકાર થયો હોય તો ગઠનકોષો (platelets) કે તાજો રુધિર-પ્રરસ (blood plasma) અપાય છે, જરૂર પડ્યે ઍન્ટિબાયૉટિક દવાઓ તથા મનને શાંત કરતી દવાઓ પણ અપાય છે. એસ્લરના રોગમાં ભારે માત્રામાં ઇસ્ટ્રોજન અપાય છે. હાલ CO2– લેઝર વડે પણ લોહી વહેતું હોય તે ભાગ કાઢી નંખાય છે. (5) કેટલાક કિસ્સામાં શસ્ત્રક્રિયાની જરૂર પડે છે. ત્યારે બાહ્ય શીર્ષમાર્ગી (external carotid), ઊર્ધ્વહનુલક્ષી (maxillary) કે અગ્રસ્થ ઇથમૉઇડ ધમનીને બાંધી દેવામાં આવે છે. જો નાકગળામાં સતંતુવાહિનીઅર્બુદ (fibroadenoma) ગાંઠ થયેલી હોય તો તે દૂર કરાય છે. ક્યારેક જ્યાંથી વારંવાર લોહી પડતું હોય તે જગ્યાની નાકની અંદરની ત્વચા (શ્લેષ્મસ્તર, mucosa) કાઢી નંખાય છે.
શિલીન નં. શુક્લ
રાજેન્દ્ર બાળગે
મનોહર બાળગે