નવાબ, શેફતા મુસ્તફાખાન

January, 1998

નવાબ, શેફતા મુસ્તફાખાન (જ. 1806, દિલ્હી; અ. 1869) : ઉર્દૂના વિદ્વાન અને કવિ. ‘શેફતા’ તખલ્લુસ. તેમના પિતા નવાબ મુર્તુઝાખાન, નવાબ મુઝફ્ફરજંગના દીકરા હતા જે ફરેજાસિયરના શાસનકાળ દરમિયાન દિલ્હી આવ્યા હતા. નવાબ મુર્તુઝાખાને મહારાજા જસવંતરાવ હોલકરના લશ્કરમાં પદ પ્રાપ્ત કરી વફાદારીપૂર્વક ફરજ બજાવી હતી. તે વખતે મરાઠાઓ અને લૉર્ડ લેકની ફોજો વચ્ચે યુદ્ધ ચાલતું હતું. નવાબે કુનેહપૂર્વક બંને વચ્ચે સુલેહ કરાવી આપતાં, લૉર્ડ લેકે પ્રસન્ન થઈને નવાબને ગુડગાંવની આસપાસની કેટલીક જાગીર આપી, જેની આવક વાર્ષિક રૂપિયા ત્રણ લાખ થતી હતી. તેમના અવસાન પછી તે જપ્ત થઈ ગઈ, પરંતુ તેની જગ્યાએ કુટુંબીજનોને રૂપિયા વીસ હજાર મળવા લાગ્યા, જેના પરિણામે શેફતા પોતાની નવાબીની શાનને ટકાવી શક્યા.

બાળપણમાં જરૂરી શિક્ષણ મેળવી તેમણે કાવ્યસર્જન પ્રત્યે વધારે લક્ષ આપ્યું. તેમની કાવ્યકલાની ખિલવણી અને વિકાસમાં ખ્યાતનામ કવિ મોમિનનો નોંધપાત્ર ફાળો રહ્યો હતો. કેટલાક સમકાલીન વિદ્વાનોની સોબતે તેમનામાં કાવ્યપરખના ગુણોનું સિંચન કર્યું હતું.

શેફતાએ તત્કાલીન ઉર્દૂ કવિઓની જીવની ‘ગુલશને બેખાર’ ના નામે લખી છે; ઉચ્ચ કોટિની સમીક્ષાના કારણે તેમનો એ યાદગાર ગ્રંથ મનાય છે. તેમનો કાવ્યસંગ્રહ ‘દીવાન’ નામે પ્રગટ થયો છે. ‘શેફતા’ અને ‘હસરતી’ તખલ્લુસથી ફારસી ભાષામાં પણ તેઓ ગઝલો લખતા હતા.

મોહિયુદ્દીન બૉમ્બેવાલા