નવસાર (Sal ammoniac) : રાસાયણિક રીતે એમોનિયમ ક્લોરાઇડ તરીકે ઓળખાતો અકાર્બનિક ઘન પદાર્થ. સૂત્ર NH4Cl.

એમોનિયમ સલ્ફેટ અને સોડિયમ ક્લોરાઇડ અથવા એમોનિયા કાર્બોનેટ અને કૅલ્શિયમ ક્લોરાઇડનાં દ્રાવણો વચ્ચેની પ્રક્રિયામાં આંશિક સ્ફટિકીકરણ દ્વારા તે મેળવી શકાય છે :

(NH4)2SO4 + 2NaCl → 2NH4Cl + Na2SO4

એમોનિયા-સોડા (સોલ્વે સોડા) પ્રવિધિમાં તે આડપેદાશ રૂપે મળે છે. શુદ્ધ એમોનિયમ ક્લોરાઇડ એમોનિયા અને હાઇડ્રોજન ક્લોરાઇડ વચ્ચેની વાયુ-પ્રાવસ્થા (gas phase) પ્રક્રિયા દ્વારા મેળવી શકાય છે.

NH3 + HCl → NH4Cl

એમોનિયમ ક્લોરાઇડ સફેદ (અથવા રંગવિહીન) સ્ફટિકો રૂપે મળે છે. સ્વાદે તે લવણીય (saline) હોય છે. કંઈક અંશે તે ભેજશોષક હોય છે. તેની ઘનતા 1.54 છે. 350° સે. તાપમાને તેનું ઊર્ધ્વીકરણ (sublimation) થાય છે.

પાણીમાં તે અતિ દ્રાવ્ય છે અને ક્રિયા ઉષ્માશોષક હોઈ દ્રાવણ ઠંડું બને છે. ગ્લિસેરોલમાં પણ તે દ્રાવ્ય છે. આલ્કોહૉલમાં તે સાધારણ દ્રાવ્ય જ્યારે ઈથરમાં અદ્રાવ્ય છે.

એમોનિયમ ક્લોરાઇડ શુષ્ક વિદ્યુતકોષો(dry cells)માં, વર્ણબંધક તરીકે રંગાટી કામમાં, રેણ (ઝારણ) અને કલાઈ કરવા (tinning)માં વપરાય છે. તાંબા-પિત્તળનાં વાસણો ગરમ કરીને નવસારની ભૂકી છાંટવાથી તેમાંથી હાઇડ્રોક્લોરિક ઍસિડ ધાતુ ઉપરનું ઑક્સાઇડનું પડ ક્લોરાઇડ રૂપે દૂર કરે છે, જેથી ચોખ્ખી થયેલી ધાતુની સપાટી ઉપર કલાઈ કે જસતનું સ્તર બરાબર ચીટકી જાય છે. તદુપરાંત તે વીજઢોળ ચઢાવવા, રેઝિન અને યુરિયા-ફૉર્માલ્ડિહાઇડ આસંજક, તથા બેકરી-ઉત્પાદનોમાં પણ વપરાય છે.

પ્રહલાદ બે. પટેલ