નવલશા હીરજી : જૂની-નવી રંગભૂમિ પર ભજવાયેલું હાસ્યપ્રધાન નાટક. બાપુલાલ નાયકે તે 1909માં લખ્યું અને એ જ સાલમાં શ્રી મુંબઈ ગુજરાતી નાટક મંડળીમાં ભજવ્યું. સળંગ હાસ્યપ્રધાન નાટકના પ્રથમ અંકમાં આપકમાઈ કરવા નીકળેલો નવલશા મોકામા નામના બંદરે આવે છે. ત્યાં રંગીલી અને શાણી નામની બે ધુતારી સ્ત્રીઓના પ્રપંચમાં ફસાઈને બધી મિલકત ગુમાવે છે અને ઘાંચીને ઘેર ગુલામ બને છે. બીજા અંકમાં નવલશાની પત્ની પ્રેમકુંવર અને બહેન  પાનકુંવર પુરુષવેશે આવી એને છોડાવી બધી મિલકત પાછી અપાવે છે. ત્રીજા અંકમાં બધો ભેદ ખૂલતાં નવલશા સુધરી જાય છે અને એનો સુખી સંસાર શરૂ થાય છે. મુખ્ય પાત્ર નવલશા, એનો બાપ હીરજી, ઘાંચી અને ઘાંચણનાં પાત્રોનો વિકાસ વ્યવસાયી રંગભૂમિની નાટ્યશૈલી પ્રમાણે રંગદર્શી છે.

આ નાટકની વિનોદી ઉક્તિઓ સ્ત્રીઓને હલકી ગણવાના રિવાજની તેમજ ચારિત્ર્યના રૂઢિગત નિયમોની ઠેકડી ઉડાવે છે. ગામઠી ભાષા અને તળપદા સંવાદો નાટકનું આકર્ષણ છે. 19 દૃશ્યો અને 35 ગીતો ધરાવતા આ નાટકના 41 પ્રયોગો થયા હતા. શિષ્ટ હાસ્યરસ આ નાટકનું ચિરંજીવ પાસું છે.

આ નામનું નાટક ચિનુ મોદીએ પણ સૂરત બાજુની લોકકથા સાંભળીને 1974માં લખ્યું હતું. નવલશા એની પ્રેમિકા વિજલની આગળ શરત કરે છે કે જે સ્ત્રી કૂતરાનો પટ્ટો ગળે બાંધીને એની સાથે આવવા તૈયાર હોય તેને તે પોતાની પત્ની બનાવશે. નવલશાને કામરૂપ દેશમાં પોતાને કૂતરાનો પટ્ટો ભરાવવાનો વખત આવે છે. વિજલ પુરુષવેશે ત્યાં જઈ એને છોડાવે છે. વિજલ નવલશાને મળે છે ત્યારે નવલશા કૂતરાના પટ્ટાની વાત કરે છે એટલે વિજલ કામરૂપ દેશમાંથી જે કૂતરાનો પટ્ટો લઈ આવેલી તે નવલશાને બતાવતાં નવલશા આભો બની જાય છે. આ નાટક અમદાવાદની ‘દર્પણ’ સંસ્થાએ 1974માં રજૂ કર્યું હતું. આઇએનટી તરફથી આ નાટકને પારિતોષિક મળેલું. સ્ત્રીઉત્કર્ષની ભાવનાને કેન્દ્રમાં રાખીને રચાયેલા આ નાટકમાં સૂત્રધાર અને લોકકથા કહેનાર બે પાત્રો નાટકની રજૂઆતનાં વિશિષ્ટ અંગ બની રહે છે. નવી રંગભૂમિ ઉપર પ્રયોગરૂપ આ નાટકના આશરે છ જેટલા પ્રયોગો થયેલા. ગાંગલો અને ગાંગલી ઘાંચણના સંવાદો અને નવલશાના પાત્રનો વિકાસ નાટકને મંચનક્ષમ બનાવવાની સાથે નાટકમાં રસ જાળવે છે.

દિનકર ભોજક